બે કે તેથી વધુ રિટર્ન બાકી હશે તો નહીં બની શકે ઇ વે બિલ
જી.એસ.ટી. નિયમો 138E (a) અને (b) મુજબ ખરીદનાર ઉપર અથવા વેચનારના જી.એસ.ટી. નંબર ઉપર ઇ વે બિલ બનવાના 01 ડિસેમ્બરથી થશે બંધ
તા 26.11.2020: જી.એસ.ટી. કાયદા હેઠળ અમુક નિયમોને આધીન 50000 થી ઉપરનો માલ વહન થતો હોય તો ઇ વે બિલ બનાવવું ફરજિયાત હોય છે. ઇ વે બિલ બનાવવા જવાબદાર માલ માટે ઇ વે બિલ બનાવ્યા વગર માલ વહન થતો હોય તેના ઉપર માલ જપ્તી અથવા દંડકીયા કાર્યવાહી થઈ શકે છે. કોવિડ-19 ના સમયમાં અમુક રાહતો આપી હવે 01 ડિસેમ્બર 2020 થી કોઈ કરદાતાના બે કે તેથી વધુ 3B રિટર્ન/CMP-08 રિટર્ન બાકી હશે તો તેમના જી.એસ.ટી. નંબર ઉપર ઇ વે બિલ જનરેટ થવાનું બંધ થઈ જશે.
આ સુધારાની ખાસ વેપારીઓએ નોંધ લેવી જરૂરી છે. રિટર્ન બાકી હોય ત્યારે માલની ખરીદી વેચાણ કરવા ઇ વે બિલ બનાવવું જરૂરી હશે ત્યારે માલની ખરીદી કે વેચાણ આ ઇ વે બિલ ના બની શકવાના કારણોસર અટકી શકે છે. જેનાથી ધંધાને નુકસાન જવાની સંભાવના છે. એક વાર ઇ વે બિલ બ્લોક થયા પછી સામાન્ય રીતે રિટર્ન ભરી દેવામાં આવે તે પછીના બીજા દિવસે ઇ વે બિલ ફરી અનબ્લોક થતાં હોય છે. જો કે રિટર્ન ભરી અને ઇ વે બિલ પોર્ટલ ઉપર “અપડેટ સ્ટેટ્સ” દ્વારા આ ઇ વે બિલ તુરંત અનબ્લોક કરી શકાય છે.
જી.એસ.ટી. પોર્ટલ ઉપર મૂકવામાં આવેલ માહિત પ્રમાણે જે જી.એસ.ટી. નંબર ઉપર ઇ વે બિલની સવલત બ્લોક કરવામાં આવશે તેના નોંધાયેલ નંબર ઉપર SMS વડે જાણ કરવામાં આવશે. કોઈ પણ જી.એસ.ટી. નંબર ઉપર ઇ વે બિલ બ્લોક થવા બાદ જ્યારે બાકી રિટર્ન ભરી આપવામાં આવશે ત્યારે સિસ્ટમ દ્વારા સ્વયંભૂ અનબ્લોકિંગ કરી આપવામાં આવશે. રિટર્ન ભરવાં સિવાય ઇ વે બિલ અનબ્લોક કરવાની અરજી ઓનલાઇન કે મેન્યુલ અરજી જે તે ક્ષેત્રાધિકાર ધરાવતા અધિકારીને કરવાની રહેશે. રિટર્ન ના ભરી શકવાના કારણો તથા રિટર્ન ભર્યા સિવાય ઇ વે બિલ અનબ્લોક કરવા અંગેના કારણો જણાવવાના રહેશે. આ અરજી અધિકારી દ્વારા સ્વીકારવામાં આવી છે કે નહીં તે જી.એસ.આઇટી. પોર્ટલ ઉપર યુઝર સર્વિસ “વ્યૂ એડીશનલ નોટિસ/ઓર્ડર” ઉપર જોવા મળશે. સામાન્ય રીતે અધિકારી આ પ્રકારની અરજી સ્વીકારશે નહીં તેમ માનવમાં આવી રહ્યું છે. કોઈ ખાસ કાબૂ બહારના સંજોગોમાંજ ઇ વે બિલ રિટર્ન ભર્યા વગર અનબ્લોક અરવમાં આવશે તેમ પણ માનવમાં આવી રહ્યું છે.આ પ્રકારના નિયમો લાવી કરદાતાઓ જી.એસ.ટી. હેઠળ નિયમિત બને તેવો પ્રયાસ સરકાર કરવામાં આવી રહ્યો છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.