જી.એસ.ટી. નું નાણાકીય વર્ષ 2020-21 નું વાર્ષિક રિટર્ન સપ્ટેમ્બર સુધીમાં જ ભરવું છે જરૂરી…શા કારણે વાંચો આ ખાસ લેખ??
વર્ષ દરમ્યાન ભરવામાં આવેલ 3B માં કોઈ ક્ષતિ જણાય તો વાર્ષિક રિટર્ન ફાઇલ કરતાં પહેલા આ સુધારા પછીના GSTR 3B માં કરી આપવા છે ખાસ જરૂરી
તા: 17.09.2021: જી.એસ.ટી. કાયદા હેઠળ જી.એસ.ટી.આર. 9 (વાર્ષિક રિટર્ન) ભરવાની મુદત જે તે વર્ષ પછીના ડિસેમ્બર સુધી હોય છે. સામાન્ય રીતે આ રિટર્નની વિગતો એકાઉન્ટન્ટ ડિસેમ્બર માંજ મોકલતા હોય છે અને ઇન્કમ ટેક્સ ઓડિટ પૂર્ણ થયા બાદ GSTR 9 ભરવામાં આવતું હોય છે. આ બાબત પર ટેક્સ પ્રોફેશનલ્સનો બહુ મોટો વર્ગ એવું માને છે કે જ્યારે પોર્ટલ ઉપર નાણાકીય વર્ષ 2020-21 ના GSTR 9 ભરવાની શરૂઆત જલ્દી કરી આપવામાં આવી હોય આ રિટર્ન સપ્ટેમ્બર પહેલા ભરી આપવામાં આવે તે હિતાવહ છે. આ રિટર્ન વહેલું ભરવા પાછળનું કારણ એ છે કે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે કોઈ સામાન્ય ટેકનિકલ ક્ષતિના કારણે નાણાકીય વર્ષ દરમ્યાન ભરવામાં આવનાર GSTR 3B માં વેચાણ, આઉટપુટ, ઈન્પુટ વગેરેની વિગતો આપવામાં ભૂલ થઈ ગઈ હોય છે. ક્યારેક આ નાની ગણાતી ટેકનિકલ ક્ષતિ ખૂબ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. ઉદાહરણ તરીકે કોઈ કરદાતા ના જૂન 2020 ના GSTR 3B માં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ 100000/- (એક લાખ પૂરા) લેવાની છે. પરંતુ કોઈ ટેકનિકલ ક્ષતિના કારણે આ ક્રેડિટ 10000/- (દસ હજાર) જ લેવામાં આવી છે. હવે આ પ્રકારની ક્ષતિઑ સુધારવા જી.એસ.ટી. કાયદાની કલમ 39 ને સર્ક્યુલર 26/2017 સાથે વાંચતાં આ રહી ગયેલ ક્રેડિટ જે તે વર્ષ પછીના સપ્ટેમ્બર સુધીમાં અથવા તો વાર્ષિક રિટર્ન જે પહેલા ભરાઈ ત્યાં સુધીમાં લેવાની રહે છે. જો હાલ GSTR 9 સપ્ટેમ્બર સુધીમાં ભરવામાં આવે તો આ પ્રકારની ભૂલો અંગે માહિતી મેળવવી શક્ય બને અને નિયત સમય સુધીમાં આ ભૂલને ત્યાર પછીના એટ્લે કે ઓગસ્ટ કે સપ્ટેમ્બરના GSTR 3B યોગ્ય સુધારા કરી શકાય છે. વધુ કાળજી લઈ શક્ય હોય ત્યાં સુધી ઇન્કમ ટેક્સ હેઠળ કરવાનું થતું ઓડિટ પણ જો ઓગસ્ટ કે મોડમાં મોડુ સપ્ટેમ્બર સુધીમાં કરવામાં આવે તો જી.એસ.ટી. હેઠળ કરવાના થતાં સુધારા સપ્ટેમ્બરના રિટર્નમાં દર્શાવવા શક્ય બને છે. ઘણી વાર ટેક્સ પ્રોફેશનલ્સ એવું પણ માનતા હોય છે કે ઇન્કમ ટેક્સની સાઇટ સરખી ચાલે તો ઓડિટ કરવું શક્ય બને ને!! પરંતુ અહિયાં જરૂરી છે માત્ર જરૂરી વિગતો મેળવી ડ્રાફ્ટ ઓડિટ રિપોર્ટ તૈયાર કરવાની. આ રિપોર્ટ ભલે ફાઇલ જ્યારે સાઇટ ચાલે ત્યારે કરવામાં આવે.
આમ, જી.એસ.ટી.આર. 9 ભરવામાં ડિસેમ્બર સુધીની રાહ જોવા બદલે શક્ય એટલું જલ્દી ઇન્કમ ટેક્સ ઓડિટ કરાવી સપ્ટેમ્બરના જી.એસ.ટી.આર. 3B માં કોઈ ભૂલો હોય તેની અસર આપી દેવી મહત્વની રહે છે.
ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.