ઇન્કમ ટેક્સ હેઠળ કરદાતા માટે મળી રહ્યો છે નવા દરોનો વિકલ્પ??? મારા માટે નવા દરો છે સારા કે જૂના દરો જ રહેશે ફાયદાકારક??? કરદાતા માટે છે મોટી મુંજવાણ!!!
યાદ રહે ઇન્કમ ટેક્સ રિટર્ન “ડ્યુ ડેઇટ” સુધીમાં ભરવામાં આવે તો જ મળે છે નવા દરો પસંદ કરવાનો વિકલ્પ
નાણાકીય વર્ષ 2020-21 થી ઇન્કમ ટેક્સ હેઠળ સામાન્ય દરો ઉપરાંત ખાસ નવા દરો લાગુ કરવામાં આવ્યા છે. નાણાંમંત્રીએ પોતાના બજેટ ભાષણમાં જણાવ્યુ હતું કે હાલ ઇન્કમ ટેક્સ હેઠળ ચાલી રહેલી તકરારોમાં ખૂબ મોટા પ્રમાણમા તકરારો એવી છે જે વિવિધ કરમુક્તિ, કર કપાતો ને લગતા હોય છે. હવે આ પ્રકારના વિવાદો દૂર કરવા ઇન્કમ ટેક્સ હેઠળ આ પ્રકારની કરમુક્તિ, કર કપાતો દૂર કરવામાં આવે તે નાણામંત્રીના મતે જરૂરી છે. આ દિશા તરફ મહત્વનું પગલું ઉઠાવતા ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ નવી જોગવાઈ 115 BAC ઉમેરવામાં આવી છે. આ કલમ હેઠળ ઇન્કમ ટેક્સ હેઠળ રાહતકારક દર લાગુ કરવામાં આવ્યા છે. આ નવા દરો પસંદ કરવા અંગે કરદાતાને વિકલ્પ આપવામાં આવ્યા છે. આ વિકલ્પના કારણે કરદાતાઓ પોતે જૂના દરો પ્રમાણે ઇન્કમ ટેક્સ ભરવો કે નવા દરોનો વિકલ્પ પસંદ કરવો તે અંગે દ્વિધા અનુભવિ રહ્યા છે તેવા સમાચારો મળી રહ્યા છે. કોઈ કરદાતાએ જૂના દર મુજબ જ ટેક્સ ભરવો કે આ નવા દરોનો વિકલ્પ પસંદ કરવો તે માટે નીચેના મુદ્દા ધ્યાને રાખવા જરૂરી છે.
- આ નવા દરો પસંદ કરવાનો વિકલ્પ માત્ર વ્યક્તિગત કરદાતા તથા હિન્દુ અવિભક્ત કુટુંબ (HUF) આપવામાં આવ્યો છે.
- નાણાકીય વર્ષ 2020-21 થી આ નવા દરો લાગુ પડશે.
- આ નવા દરે ટેક્સ ભરવાનું સ્વીકારતા કરદાતાને હાઉસિંગ લોન વ્યાજ(સેલ્ફ ઓકયુંપાઇડ ઘર માટેનું વ્યાજ), મિલકત ઉપરનો વધારાનો ઘસારો, જીવન વીમા પ્રીમિયમ, પ્રોવિડંટ ફંડ, સ્કૂલ ફી, મેડીક્લેમ જેવી કોઈ કપાત કે કરમુક્તિ બાદ મળશે નહીં.
- પાછલા વર્ષ કે ચાલુ વર્ષના કોઈ સૂચિત નુકસાન (કલમ 10, 10 AA, કલમ 24 વી. ) પણ તેઓને બાદ મળી શકશે નહીં.
- નોકરીદાતા હોય તેવા કરદાતાને કોઈ પણ જાતના સવલતો ઉપર કપાત મળી શકશે નહીં.
- ધંધાકીય આવક ધરાવતા કરદાતા દ્વારા આ નવા દર પસંદ કરવા તથા બહાર નીકળવા અંગે પોતાનો વિકલ્પ ફોર્મ 10 IE રિટર્ન ભરવાની “ડ્યુ ડેઇટ” સુધીમાં આપવાનો રહેશે.
- ધંધાકીય આવક ધરાવતા કરદાતા એક વાર આ નવા દરે વેરો ભરવાનો વિકલ્પ પસંદ કરે ત્યારે ત્યાર બાદના તમામ વર્ષ માટે નવા દરનો વિકલ્પ ચાલુ રહેશે.
- ધંધાકીય આવક સિવાયના કરદાતા દર વર્ષે પોતે જૂના દરે વેરો ભરવા માંગે છે કે નવા દરે વેરો ભરવાં માંગે છે તે અંગે જે તે વર્ષના રિટર્ન ભરવાની છેલ્લી તારીખ સુધીમાં આ વિકલ્પ રિટર્ન ભરવાં સાથે પસંદ કરી શકશે.
- ધંધાકીય આવક ધરાવતા કરદાતા એક વાર નવા દરોનો વિકલ્પ પસંદ કરવામાં આવે ત્યારબાદ એક વાર બહાર નીકળવાનો વિકલ્પ મળશે પરંતુ એક વાર નવા દરોમાંથી બહાર નીકળ્યા બાદ ફરી પાછા નવા દરોનો વિકલ્પ પસંદ કરી શકશે નહીં.
- ધંધાકીય આવક ધરાવતા કરદાતા જ્યારે કોઈ નાણાકીય વર્ષમાં ધંધાકીય આવક ધરાવતા બંધ થાય તે વર્ષ માટે અન્ય આવક સંબંધિત નવા દરોનો વિકલ્પ ફરી તેઓ પસંદ કરી શકશે.
આ નવા દરો પસંદગી કરવા બાબતે ધ્યાને લેવા જેવી બાબત એ છે કે ધંધાકીય આવક સિવાયની આવક ધરાવતા કરદાતાઓ દર વર્ષે પોતે જૂના દરો હેઠળ ટેક્સ ભરવાં ઈચ્છે છે કે કે નવા દરો મુજબ ટેક્સ ભરવાં ઈચ્છે છે તે પસંદગી કરવાનો હક્ક તેઓને મળશે. આમ, પેન્શનની આવક સહિતની આવક ધરાવતા પગારદાર કરદાતા, માત્ર ભાડાની આવક ધરાવતા કરદાતા, વ્યાજની આવક ધરાવતા કરદાતા, મૂડી નફો ધરાવતા કરદાતા દર વર્ષે પોતે જૂના દર અથવા નવા દર વિષે પસંદગી કરી શકશે. પરંતુ ધંધાકીય આવક ધરાવતા કરદાતા એ નવા દરોનો વિકલ્પ જો એક વાર પસંદ કરે તો ત્યાર બાદ આ વિકલ્પ કાયમ રહેશે. એક વાર એ વિકલ્પ પસંદ કર્યા બાદ જો ધંધાકીય આવક ધરાવતા કરદાતા જૂના દરો ઉપર પાછા ફરવા ઈચ્છે તો ત્યાર બાદ ધંધાકીય આવક ધરાવતા હોય ત્યાં સુધી ફરી ક્યારેય નવા વેરાના દરોનો વિકલ્પ લઈ શકશે નહીં. અન્ય એક બાબત પણ જાણવી ખૂબ જરૂરી છે કે કોઈ પણ કરદાતા એ ધંધાકીય આવક ધરાવતો હોય કે એ સિવાયની આવક ધરાવતા હોય આ નવા દરોનો વિકલ્પ પસંદ કરવા ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 139(1) માં નિયત તારીખ સુધીમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત રહે છે. પગારદાર આવક, ધર ભાડાની આવક, મૂડી નફાની આવક, વ્યાજ સહિતની અન્ય આવક ધરાવતા કરદાતા તથા ઓડિટ કરાવવા જવાબદાર ના હોય તેવા ધંધાકીય આવક ધરાવતા કરદાતા માટે નવા દરો પસંદ કરવા 31 ડિસેમ્બર 2021 સુધીમાં પોતાના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાના રહે છે. ઓડિટ કરાવવા જવાબદાર કરદાતા માટે આ નવા દરો પસંદ કરવા 15 ફેબ્રુઆરી સુધીમાં પોતાના રિટર્ન ભરવાના રહેશે.
ધંધાકીય આવક ધરાવતા કરદાતા તથા ધંધા સિવાયની આવક ધરાવતા કરદાતાઓ માટે આ વેરાના દર પસંદ કરવા બાબતે અલગ અલગ નિયમ કેમ??? આ પ્રકારના નિયમો ઘડવામાં ધંધાકીય આવક ધરાવતા કરદાતા સાથે અન્યાય નથી થયો??? આ પ્રકારના પ્રશ્નો અનેક વાર વેપારીઓ દ્વારા પુછવામાં આવતા હોય છે. મિત્રો, આ પ્રકારની પસંદગી માટેના નિયમોમાં ફેર હોવાનું કારણ એ જ છે કે પગારની આવક હોય, ઘર ભાડાની આવક હોય, મૂડી નફાની આવક હોય કે વ્યાજ જેવા અન્ય સ્ત્રોતની આવક હોય, આ તમામ આવક સામાન્ય રીતે કરદાતા ટેક્સ બચાવવા ફેરફાર કરી શકતો હોતો નથી. જ્યારે ધંધાકીય આવકમાં ટેક્સ બચાવવા માટે આવકમાં ફેરફાર કરવાની શક્યતા વધુ રહેતી હોય છે. સામાન્ય રીતે જો ધંધાકીય આવક ધરતા કરદાતાનું (વેપારી) જીવન વીમા, હાઉસિંગ લોન વ્યાજ તથા હપ્તા, PPF, મેડિકલેમ જેવામાં રોકાણ ઓછું કે નહિવત હોય તેમના માટે નવા દરોનો વિકલ્પ ફાયદા કારક રહેતો હોય છે. જો કે પાંચ લાખ સુધીની કરપાત્ર આવક ધરાવતા વ્યક્તિગત કરદાતા માટે સામાન્ય રીતે જૂના દરોનો વિકલ્પ જ ફાયદાકારક રહેતો હોય છે. આમ, ધંધાકીય આવક ધરાવતા કરદાતાએ નવા દરનો વિકલ્પ પસંદ કરવામાં ખૂબ સાવધાની રાખવી જરૂરી છે.
ભવ્ય ડી. પોપટ (એડિટર ટેક્સ ટુડે)
(આ લેખ ગુજરાતના જાણીતા દૈનિક સમાચાર પત્ર “ફૂલછાબ” ની વ્યાપાર વિશ્વ પૂર્તિમાં પ્રકાશિત થયેલ છે.)