જી.એસ.ટી. હેઠળ પેટ્રોલ-ડીઝલનો સમાવેશ થાય તો પેટ્રોલ-ડીઝલ થઈ શકે છે ખૂબ સસ્તા…..

Spread the love
Reading Time: < 1 minute

જી.એસ.ટી. કાઉન્સીલની 45મી મિટિંગમાં થશે આ અંગે મહત્વપૂર્ણ ચર્ચા: 

તા. 16.09.2021: જી.એસ.ટી. કાઉન્સીલની 45 મી મિટિંગ તારીખ 17 સપ્ટેમ્બર 2021 ના રોજ ઉત્તરપ્રદેશના લખનૌ ખાતે યોજાશે. આ મિટિંગમાં અન્ય મુદ્દાઓ ઉપરાંત પેટ્રોલ ડીઝલ નો જી.એસ.ટી. હેઠળ સમાવેશ કરવા બાબતે મહત્વપૂર્ણ ચર્ચાઓ થશે તેવી માહિતી મળી રહી છે. આ ચર્ચા દેશના અર્થતંત્ર ઉપર ખૂબ મહત્વની અસર કરી શકે છે. પેટ્રોલ-ડીઝલનો સમાવેશ જી.એસ.ટી. હેઠળ કરવામાં આવે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં 25% સુધીનો ઘટાડો થઈ શકે છે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.  પેટ્રોલ ડીઝલ પર લાદવામાં આવતો વેટ એ રાજ્ય સરકારોની આવકનો ખૂબ મોટો સ્ત્રોત હોય છે. પેટ્રોલ ડીઝલનો સમાવેશ જી.એસ.ટી. હેઠળ કરવામાં આવે તો રાજ્યોની આવક અને સ્વયત્તતાને સીધી નકારાત્મક અસર પહોચી શકે છે અને તેથી જ આ વસ્તુઓનો સમાવેશ જી.એસ.ટી. માં કરવામાં રાજ્યો આનાકાની કરતાં રહ્યા છે. છેલ્લા અમુક મહિનાઓથી જી.એસ.ટી.ની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ સાથે જ રાજ્યોને પણ જી.એસ.ટી. હેઠળ સારી આવક પ્રાપ્ત થઈ રહી છે. આ કારણે એવી આશા જાગી રહી છે કે રાજ્યો આ બાબતે સકારાત્મક બની પેટ્રોલ ડીઝલ નો સમાવેશ કરવા રાજી થઈ શકે છે. પેટ્રોલ ડીઝલના ભાવોમાં થયેલ કમરતોડ વધારો અર્થતંત્ર માટેતો નુકસાનકારક છે જ પરંતુ વ્યક્તિગ્ત ધોરણે પણ પ્રજા તેનો માર સહન કરવો મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે. આવતી કાલે જી.એસ.ટી. કાઉન્સીલના આ નિર્ણય ઉપર સૌની નજર રહેશે. સામાન્ય માણસ ચોક્કસ એવી આશા રાખશે કે પેટ્રોલ ડીઝલનો સમાવેશ જી.એસ.ટી. હેઠળ કરી સરકાર દ્વારા તેઓને રાહત આપવામાં આવે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!