જી.એસ.ટી. કાઉન્સીલની 45 મી મિટિંગમાં લેવામાં આવ્યા આ મહત્વના નિર્ણય…

Spread the love
Reading Time: 3 minutes

પેટ્રોલ-ડીઝલને જી.એસ.ટી. હેઠળ લાવવા અંગે રાજ્યોનો વિરોધ:

તા. 17.09.2021: ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌ ખાતે 45 મી જી.એસ.ટી. કાઉન્સીલની બેઠક કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સિથારમણની અધ્યક્ષતામાં મળી હતી. કોરોના મહામારી પછી અંદાજે 21 મહિના પછી કાઉન્સીલની મિટિંગ રૂબરૂમાં મળી હતી. આ મિટિંગમાં નીચેના મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે:

 • રેમડેસિવિર જેવી કોરોના માટેની દવામાં આપવામાં આવેલ જી.એસ.ટી. અંગેની રાહતો 30 સપ્ટેમ્બરના સ્થાને 31 ડિસેમ્બર 2021 સુધી વધારવામાં આવી છે.

માલ પરના વેરાના દરમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે જે પૈકી મહત્વના માલ અંગે વેરાના દર અંગેની વિગતો:

 • કેન્સરની સારવારમાં વાપરવામાં આવતી દવાઓ ઉપરના જી.એસ.ટી. ના દર 12 % થી ઘટાડી 5% કરવા ભલામણ કરવામાં આવી છે.
 • લોખંડ, તાંબા, એલ્યુમીનીયમ, ઝીંક જેવી ધાતુઓના દરમાં 5% થી વધારો કરી 18% કરવા ભલામણ કરવામાં આવી છે.
 • કાર્ટૂન, બોક્સ, બેગ, કાગળના પેકિંગ મટિરિયલ ઉપરના જી.એસ.ટી. દરોમાં એક સૂત્રતા જાળવવા 18% કરવા ભલામણ કરવામાં આવી છે.
 • તમામ પ્રકારની પેનના જી.એસ.ટી. દરોમાં એક સૂત્રતા લાવવા તમામ પ્રકારની પેન ઉપર જી.એસ.ટી. નો દર 18 % કરવા ભલામણ કરવાંમાં આવી છે.
 • ફિશ ઓઇલ સિવાયના માછલીના ઉત્પાદનમાં ઉદભવતી બિનઇચ્છનીય ચીજવસ્તુઓ ઉપર 01.07.2017 થી 30.09.2019 સુધી વેરાનો દર શૂન્ય કરવા ભલામણ કરવામાં આવી છે.

અમુક ચીજ વસ્તુઓના દર અંગે ખુલાસાઓ કરવામાં આવ્યા છે જે નીચે મુજબ છે:

હિના (શુદ્ધ મહેંદી) ઉપરના દર 5% રહેશે તે અંગે ખુલાસો કરવામાં આવ્યો છે.

મીઠી સુપારી અંગે ના વેરાના દર 18% રહેશે તે અંગે ખુલાસો કરવામાં આવ્યો છે.

કાર્બન ધરાવતા ફ્રૂટ જ્યુસ ઉપર વેરનો દર 28% તથા 12% સેસ લાગુ પડશે તેવો ખુલાસો કરવામાં આવ્યો છે.

આંબલીના બીયાનો વાવણીમાં ઉપયોગ થાય તે સિવાયના તમામ ઉપયોગ માટે 5% જી.એસ.ટી. લાગુ પડશે તેવો ખુલાસો કરવામાં આવ્યો છે.

બેટરી સાથે વેચતા UPS તથા ઇન્વર્ટર ઉપર 28% જી.એસ.ટી. લાગુ પડશે જ્યારે છૂટક રીતે વેચાતા ઇનવર્ટર ઉપર 18% જી.એસ.ટી. લાગુ પડે તેવો ખુલાસો કરવામાં આવ્યો છે.

આઈસ ક્રીમ પાર્લર જે તૈયાર આઈસ ક્રીમનું વેચાણ કરે છે તેના ઉપર 18% જી.એસ.ટી. લાગુ પડે તેવો ખુલાસો કરવામાં આવ્યો છે.

એમયુઝમેંટ પાર્ક કે જેમાં રાઈડની સેવા પૂરી પાડવામાં આવતી હોય તેવા પાર્કની સેવાઓ ઉપર 18% જી.એસ.ટી. લાગુ પડે અને કેસીનો ઉપર 28% જી.એસ.ટી. લાગુ પડે તેવો ખુલાસો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત જી.એસ.ટી. કાઉન્સીલ દ્વારા કરવામાં આવેલ મહત્વની ભલામણો

 • જોબવર્કની સેવા પૂરી પાડતાં કરદાતાઓ માટે ITC-04 ફોર્મ ભરવા અંગે મહત્વની રાહતો આપવામાં આવી છે. આ અંતર્ગત 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ ITC 04 ફોર્મ વાર્ષિક ધોરણે ભરવાનું થશે. 5 કરોડ ઉપર હોય તેવા કરદાતાઓએ ITC-04 ફોર્મ છ માસિક ધોરણે ભરવાનું રહેશે.
 •  કાઉન્સીલના સૌથી મહત્વના નિર્ણયમાં જેને ગણી શકાય તે વ્યાજની જોગવાઇઓમાં કરવામાં ફેરફાર ગણી શકાય. ક્રેડિટ માત્ર 3B માં ક્લેમ કરવાથી લાગુ પડશે નહીં. જ્યારે આ ક્રેડિટનો વપરાશ કરવામાં આવે ત્યારે જ વ્યાજની જવાબદારી આવશે તેવી ભલામણ કરવામાં આવી છે. આ પ્રકારની ખોટી રીતે વાપરવામાં આવેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ઉપર 18% વ્યાજનો દર લાગુ પડશે. આ સુધારો 01.07.2017 થી લાગુ કરવામાં આવશે તેવી પણ ભલામણ કરવામાં આવી છે.
 •  CGST તથા IGST હેઠળ કેશ લેજરમાં જમા રહેલ રકમ એક PAN ઉપર લેવામાં આવેલ અલગ અલગ જી.એસ.ટી. નંબરમાં તબદીલ કરવાનો વિકલ્પ આપવામાં આવશે.
 • GSTR 1 ભરવામાં મોડુ કરવામાં આવે તો તેના ઉપર લગતી લેઇટ ફી હવે GSTR 3B માં લગાડવામાં આવશે તેવી ભલામણ કરવામાં આવેલ છે.
 • જી.એસ.ટી. હેઠળ રિફંડ માત્ર PAN લિન્ક હોય તેવા ખાતામાં જ ચૂકવવા માં આવશે.
 • 01.01.2022 થી પાછલા મહિનાનું 3B ભરવામાં ના આવ્યું હોય તો કરદાતા GSTR 1 ભરી શકેશે નહીં તેવો સુધારો જી.એસ.ટી. નિયમ 59(6) માં કરવામાં આવશે.

(સંપાદક નોંધ: આ લેખની વિગતો જી.એસ.ટી. કાઉન્સીલની ભલામણ અંગેની પ્રેસ વિજ્ઞપ્તિ ઉપર લેખકના પોતાના અભિપ્રાય છે. આ પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવવામાં આવેલ વિગતો ઉપર વાંચકો માટે વધુ લાગુ પડતી ભલામણો જ આ લેખમાં લેવામાં આવેલ છે. એ જાણવું જરૂરી છે કે જી.એસ.ટી. કાઉન્સીલ માત્ર આ સુધારા અંગે ભલામણો કરી શકે છે. આ ભલામણો ઉપરથી જે તે કાયદા હેઠળ નોટિફિકેશન બહાર પાડવામાં આવે ત્યારે આ ફેરફારો અમલી બનતા હોય છે જેની નોંધ વાંચકોએ ખાસ લેવી જરૂરી છે.)

2 thoughts on “જી.એસ.ટી. કાઉન્સીલની 45 મી મિટિંગમાં લેવામાં આવ્યા આ મહત્વના નિર્ણય…

Comments are closed.

error: Content is protected !!