કરદાતાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરતાં પહેલા કારણોની યોગ્ય નોંધ કરવી છે જરૂરી: CBIC એ બહાર પાડી સૂચના
ખોટી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવામાં આવી હોય તેવી શંકાના આધારે નહીં પરંતુ પુરાવાઓના આધારે ક્રેડિટ બ્લોક કરે તેવી સૂચના:
તા. 05.11.2021: જી.એસ.ટી. નિયમો હેઠળ નિયમ 86A મુજબ કરદાતા દ્વારા ખોટી અથવા તો નિયમ મુજબ ના હોય તેવી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવામાં આવેલ હોય તે અંગે શંકા હોય તેવા સંજોગોમાં અધિકારી કરદાતાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરી શકે તે મુજબની સત્તા આપવામાં આવેલ છે. ટેક્સ ચોરી રોકવાના હેતુથી આ સત્તા અધિકારીઓને આપવામાં આવી છે. કરદાતાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરવામની સત્તા આસિસ્ટન્ટ કમિશ્નર કે તેનાથી ઉપરી અધિકારીને આપવામાં આવેલ છે. આ ક્રેડિટ બ્લોક કરવામાં વિવેક બુદ્ધિ જાળવતી ના હોવાના તથા યોગ્ય વિધિ વગર કર્યા વગર કરદાતાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરવાના આદેશ પસાર કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો મળી હતી.
જી.એસ.ટી. નું નિયમન કરતી સંસ્થા સેન્ટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા પોતાના અધિકારીને સૂચના બહાર પાડવામાં આવી છે. આ સૂચના હેઠળ વિવિધ અધિકારીઓ માટે આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરવા માટે નાણાકીય મર્યાદા બહાર પાડવામાં આવી છે. આ સૂચના હેઠળ એક કરોડ સુધીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરવા માટે ડેપ્યુટી કમિશ્નર તથા આસિસ્ટન્ટ કમિશ્નરને અધિકૃત કરવામાં આવ્યા છે. એક કરોડ કે તેથી વધુ પરંતુ પાંચ કરોડ સુધીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરવા માટે એડીશનલ કમિશ્નર કે જોઇન્ટ કમિશ્નરને સત્તા આપવામાં આવેલ છે. જ્યારે 5 કરોડ ઉપરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરવાં માટેની સત્તા આપવામાં આવેલ છે. CBIC ની આ સૂચનામાં સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ છે કે આ નિયમ હેઠળ બ્લોક કરવામાં આવેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અંગેની તપાસ અધિકારી દ્વારા શક્ય એટલી ત્વરાથી કરવાની રહેશે અને કોઈ પણ સંજોગોમાં આ નિયમ હેઠળની 1 વર્ષની સમયમર્યાદાનું પાલન કરવું જરૂરી રહેશે. આ સૂચના બહાર પાડવામાં આવતા કરદાતાઓને થોડી રાહત મળશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. આ પ્રકારની સૂચના રાજ્ય સરકારો દ્વારા રાજ્ય જી.એસ.ટી. કાયદા હેઠળ પણ બહાર પાડવામાં આવે તે જરૂરી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.