01 એપ્રિલથી 20 કરોડ ઉપર ટર્નઓવર ધરાવતા કરદાતા માટે ઇ ઇનવોઇસ ફરજીયાત
પાછલા વર્ષમાં કરદાતાનું ટર્નઓવર 20 કરોડ થી વધુ હોય તો ઇ ઇનવોઈસ ફરજિયાત
તા. 01.03.2022: જી.એસ.ટી. કાયદામાં નોટિફિકેશન 1/ 2022, તા. 24.02.2022 બહાર પાડી 20 કરોડ કે તેથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે ઇ ઇનવોઇસ બનાવવું ફરજીયાત કરી આપવામાં આવ્યું છે. હાલ આ મર્યાદા 50 કરોડની હતી. કરદાતા 2017 18 થી 2021 22 ના કોઈ પણ વર્ષમાં 20 કરોડ કે તેથી વધુ ટર્નઓવર ધરાવતા હોય તેઓ 01.04 2022 થી સામાન્ય રીતે પ્રિન્ટેડ બિલ બુકમાં આપવમાં આવતા ટેક્સ ઇનવોઇસના સ્થાને GST પોર્ટલ ઉપર ઇ ઇનવોઇસ જનરેટ કરવાંનું રહેશે. 01 એપ્રિલથી આવા કરદાતાઓ દ્વારા જનરેટ કરવામાં આવેલ ઇ ઇનવોઇસ જ માન્ય ગણાશે.
GST હેઠળ શું છે ઇન્વોઇસ શું છે?
‘ઈ-ઈનવોઈસિંગ’ ને ‘ઈલેક્ટ્રોનિક ઈન્વોઈસિંગ’ તરીકે પણ ઓળખી શકીએ. આ એક એવી સિસ્ટમ છે જેમાં GST પોર્ટલ ઉપર પર વેપારીએ લૉગિન કરી પોતાના B2B ઈન્વોઈસને ઈલેક્ટ્રોનિક રીતે બનાવવા તથા પ્રમાણિત કરવાના રહેતા હોય છે. . ઇલેક્ટ્રોનિક ઇન્વોઇસિંગ સિસ્ટમ હેઠળ, GST નેટવર્ક (GSTN) દ્વારા સંચાલિત ઇન્વૉઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ (IRP) દ્વારા દરેક ઇન્વૉઇસ સામે એક “આઈડેનટીફીકેશન નંબર” આપવામાં આવે છે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા einvoice1.gst.gov.in બનાવવામાં આવ્યું છે. નિયત વેપારીઓ એ આ પોર્ટલ ઉપર ઇ ઇન્વોઇસ બનાવવાના રહેતા હોય છે. તમામ ઇન્વોઇસ માહિતી આ પોર્ટલ પરથી GST પોર્ટલ અને ઇ-વે બિલ પોર્ટલ બંને પર રીઅલ-ટાઇમમાં ટ્રાન્સફર કરવામાં આવતી હોય છે. આ પોર્ટલ ઉપરથી GSTR-1 રિટર્ન ફાઇલ કરતાં સમયે મેન્યુઅલ ડેટા એન્ટ્રીની જરૂરિયાતને દૂર થઈ શકશે. ઇ ઇન્વોઇસ પોર્ટલની માહિતી ઉપરથી ઇ-વે બિલના ભાગ-A ઓટો પોપ્યુલેટ થઈ શકશે
ઇ ઇન્વોઇસ ક્યાં વેપારીઓને (કરદાતાઓ) ફરજિયાત લાગુ પડે?
નોટિફિકેશન નંબર 61/2020-સેન્ટ્રલ ટેક્સ તથા 71/2020-સેન્ટ્રલ ટેક્સ મુજબ 500 કરોડથી વધુનું કુલ ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે ઈ-ઈનવોઈસિંગનો પ્રથમ તબક્કો 1લી ઑક્ટોબર 2020થી લાગુ કરવામાં આવ્યો હતો. જો કે આ મુદતમાં વધારો કરી 01 ડિસેમ્બર 2020 થી 500 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે ઇ ઇન્વોઇસ લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નોટિફિકેશન નંબર 88/2020 મુજબ 1લી જાન્યુઆરી 2021 થી ઇ ઇન્વોઇસની ટર્નઓવરની મર્યાદામાં ઘટાડો કરી રૂ. 100 કરોડથી વધુનું કુલ ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે ઈ-ઇન્વોઇસ બનાવવું ફરજિયાત બનાવવાંમાં આવ્યું હતું. ત્યારબાદ ફરી ટર્નઓવરની મર્યાદામાં ઘટાડો કરી નોટિફિકેશન નંબર 5/2021 દ્વારા 1લી એપ્રિલ 2021 થી ટર્નઓવરની મર્યાદા રૂ 100 થી ઘટાડી રૂ. 50 કરોડ કરવામાં આવી હતી.
હવે, CBIC દ્વારા 24મી ફેબ્રુઆરી 2022ના રોજ નોટિફિકેશન નંબર 1/2022 દ્વારા 50 કરોડની મર્યાદામાં ફરી ઘટાડો કરી આ મર્યાદા રૂ.20 કરોડ કરવામાં આવી છે. આમ, હવે 01 એપ્રિલ 2022 થી પાછલા વર્ષમાં 20 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓ દ્વારા પોતાના B2B (બિઝનેસ ટુ બિઝનેસ) જી.એસ.ટી. હેઠળ નોંધાયેલા કરદાતા માટેના બિલો ઈ-ઇન્વોઇસ પદ્ધતિ દ્વારા બનાવવાના રહેશે.
2017-18 થી ટર્નઓવરની મર્યાદા ગણવાની રહેશે:
ઈ-ઇન્વોઇસ અંગેની ટર્નઓવરની મર્યાદા ગણવામાં એક બાબત ધ્યાને રાખવી ખૂબ જરૂરી છે. CBIC નોટિફિકેશન 71/2020, તા. 30 સપ્ટેમ્બર 2020 મુજબ ટર્નઓવરની ગણતરી કરવામાં જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી પાછલા તમામ નાણાકીય વર્ષનું ટર્નઓવર જોવાનું રહેશે. જો 2017-18 થી 2021-22 સુધીના કોઈપણ નાણાકીય વર્ષમાં ટર્નઓવર નિર્દિષ્ટ મર્યાદા કરતાં વધી જાય તો કરદાતાઓએ ઈ-ઇન્વોઇસના નિયમનું પાલન કરવાનું રહેશે. ઉપરાંત, એ જાણવું પણ જરૂરી છે કે ટર્નઓવરની ગણતરીમાં સમગ્ર ભારતમાં એક જ PAN હેઠળના તમામ GSTIN ના ટર્નઓવરનો સમાવેશ થશે.
ઉદાહરણ તરીકે કોઈ વેપારીનું નાણાકીય વર્ષ 2019 20 નું ટર્નઓવર 21 કરોડ હતું. નાણાકીય વર્ષ 2021 22 માં તેનું ટર્નઓવર માત્ર 2 કરોડ છે. આમ છતાં 01 એપ્રિલ 2022 થી કરદાતાએ ઈ-ઇન્વોઇસ બનાવવાની જોગવાઈનું પાલન કરવાનું થશે. આવી રીતે કોઈ એક વેપારીનું ગુજરાતના નોંધાયેલ જી.એસ.ટી. નંબર માટેનું ટર્નઓવર 30 કરોડ છે. તેઓના દાદરા-નાગર હવેલી, દમણ દીવ હેઠળ નોંધાયેલ જી.એસ.ટી. નંબરનું ટર્નઓવર માત્ર 10 લાખ જ છે. આમ છતાં દાદરા-નાગર હવેલી, દમણ દીવના જી.એસ.ટી. નંબર માટેપણ તેઓ ઇ ઇન્વોઇસ બનાવવા જવાબદાર બની જશે.
ઇ ઇન્વોઇસની જોગવાઈ ક્યાં કરદાતાઓને લાગુ પડે નહીં:
CBIC નોટિફિકેશન નંબર 13/2020, તા. 21 માર્ચ 2020-સેન્ટ્રલ ટેક્સમાં સૂચિત કર્યા મુજબ, હાલ જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ નીચેના વ્યક્તિઓની નીચેની શ્રેણીઓને ઇ ઇન્વોઇસના નિયમો લાગુ થશે નહીં:
NBFC સહિતની વીમા કંપની અથવા બેંકિંગ કંપની અથવા નાણાકીય સંસ્થા
ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી (GTA)
પેસેન્જર પરિવહન સેવાઓ સપ્લાય કરતી નોંધાયેલ વ્યક્તિ
મલ્ટિપ્લેક્સ સેવાઓમાં સિનેમેટોગ્રાફિક ફિલ્મોના પ્રદર્શનમાં પ્રવેશ દ્વારા સેવાઓ પૂરી પાડતી નોંધાયેલ વ્યક્તિ
એક SEZ એકમ (CBIC નોટિફિકેશન નંબર 61/2020 દ્વારા બાકાત – કેન્દ્રીય કર)
સરકારી વિભાગ અને સ્થાનિક સત્તાધિકરણ (જેવા કે નગર પાલિકા, મ્યુનિસીપલ કોર્પોરેશન વી) (CBIC નોટિફિકેશન નંબર 23/2021 દ્વારા બાકાત – કેન્દ્રીય કર)
ઇ ઇન્વોઇસથી શું થશે ફાયદો?GSTN દ્વારા શરૂ કરાયેલ ઇ ઇન્વોઇસનો ઉપયોગ થવાથી વેપારીઓને નીચેના લાભો થશે: ઇન્વોઇસ મિસમેચ ભૂલોમાં થશે ઘટાડો.ઇન્વોઇસ મેચિંગની મગજમારી માંથી થશે છુટકારો. ઇ ઇન્વોઇસ દ્વારા સપ્લાયર દ્વારા તૈયાર કરવામાં આવેલા ઈન્વોઈસનું રીઅલ-ટાઇમ ટ્રેકિંગ શક્ય બને છે.ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયામાં ઇ ઇન્વોઇસના ડેટા ઓટો પોપ્યુલેટ થતાં હોય, રિટર્ન ભરવામાં ભૂલો નિવારી શકાય છે. ઇ-વે બિલનો ભાગ-A જનરેટ કરવા સરળતા રહેશે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવી ઝડપી, સરળ અને પારદર્શી બનશે..ઈ-ઈનવોઈસિંગ કરચોરી કેવી રીતે અટકાવશે? ઇ ઇન્વોઇસ લાવવાનો હેતુમાં સૌથી મહત્વનો હેતુ છે કરચોરી ડામવાનો હેતુ!! ઇ ઇન્વોઇસ લાગુ થવાથી અધિકારીઓ ઇ ઇન્વોઇસ વ્યવહારોની ઉપર “રિયલ ટાઈમ” નજર રાખી શકશે. નકલી GST ઇન્વૉઇસેસની શક્યતાઑ માં ઘટાડો થશે તથા ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો વધુ પારદર્શી રીતે કરી શકાશે. ઇનપુટ ક્રેડિટને આઉટપુટ ટેક્સ વિગતો સાથે મેચ કરવું આ ઇ ઇન્વોઇસ પદ્ધતિના કારણે ખૂબ સરળ બનશે. બોગસ ટેક્સ ક્રેડિટના અનેક કૌભાંડો બહાર આવી રહ્યા છે. આ ઇ ઇન્વોઇસ પદ્ધતિથી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ વધુ “સિમલેસ” તથા પારદર્શી બનશે.
ટેકનૉલોજિ ક્ષેત્રે થવું પડશે વેપારીઓએ અપગ્રેડ:
ઇ ઇન્વોઇસના ફાયદા એક પ્રમાણિક વેપારીઓ માટે ઘણા છે. પરંતુ આ વેપારીઓએ હવે ટેક્નોલોજી ક્ષેત્રે વધુ અપડેટ વધુ સચોટ બનવું પડશે. ઇ ઇન્વોઇસની આ પદ્ધતિ લાંબાગાળે ચોક્કસ ફાયદાકારક રહેશે. શક્ય છે કે શરૂઆતના તબક્કામાં વેપારીઓ માટે આ પદ્ધતિ થોડી અઘરી તથા મોંઘી બની શકે છે.
(આ લેખ જાણીતા દૈનિક અખબાર ફૂલછાબમાં તા. 28.02.2022 ના રોજ પ્રકાશિત થયેલ છે.)