નેગેટિવ લયાબિલિટીનો પ્રશ્ન થયો છે “સોલ્વ”!! તમારું કેશ લેજર તથા નેગેટિવ લાયાબીલીટી લેજર કરો ચેક!!
તજજ્ઞો પાસેથી મળતી માહિતી પ્રમાણે જે કરદાતાઓએ નેગેટિવ લાયાબીલીટીની રકમ રોકડમાં ભરી છે તેઓને હજુ પડી રહી છે તકલીફ!!
તા. 08.07.2022: જી.એસ.ટી. હેઠળ કંપોઝીશન કરદાતાઓ છેલ્લા ઘણા સમયથી “નેગેટિવ લાયાબિલિટી” નો પ્રશ્નનો સામનો કરી રહ્યા હતા. આ પ્રશ્નના કારણે ઘણા કંપોઝીશન કરદાતાઓ પોતાનું GSTR 4 માં કરવાનું થતું વાર્ષિક રિટર્ન ભરી શક્યા ના હતા. આ “નેગેટિવ લાયાબીલીટી” વિરુદ્ધ માનનીય ગુજરાત હાઇકોર્ટમાં ગયા અઠવાડીયામાં “રિટ પિટિશન” ફાઇલ કરવામાં આવી હતી. આ રિટ પિટિશનમાં GSTN દ્વારા 25.04.2022 ના રોજ કંપોઝીશન કરદાતાઓના “કેશ લેજર” માં પાડવામાં આવેલ “સુઓ મોટો ડેબિટ એન્ટ્રી” રિવર્સ કરવા દાદ માંગવામાં આવી હતી. આજે 08.07.2022 ના રોજ GSTN દ્વારા આ “ડેબિટ એન્ટ્રી” ને “રિવર્સ” કરવા “રિવર્સલ એન્ટ્રી” પાડવામાં આવી છે. આ એન્ટ્રીના કારણે કરદાતાઓના “નેગેટિવ લાયાબિલિટી” ના પ્રશ્નો હળ થઈ ગયો છે. “નેગેટિવ લાયાબીલીટી” નો પ્રશ્ન દૂર થતાં હવે કરદાતાઓ પોતાના નાણાકીય વર્ષ 2021-22 ના GSTR 4 ભરી શકશે.
જો કે મળતી માહિતી પ્રમાણે જે કરદાતાઓએ “ડેબિટ એન્ટ્રી” બાદ “કેશ લેજર” માં જે પેમેન્ટ કરેલ છે તેવા કરદાતાઓના કિસ્સામાં હજુ મુશ્કેલીઓ પડી રહી છે. આ પ્રકારના કેસોમાં પણ ટૂંક સમયમાં કોઈ સમાધાન નીકળી જશે તેવી આશા કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સ સેવી રહ્યા છે.
ટેક્સ ટુડે સાથે વાત કરતાં એડવોકેટ કુંતલ પરિખ જણાવે છે કે “જી.એસ.ટી. હેઠળ એક યા બીજા કારણોસર અનેકવાર કરદાતા મુશ્કેલીનો સામનો કરતાં હોય છે. આ મુશ્કેલી સામે હાઇકોર્ટના દ્વાર ખટખટાવવામાં ક્યારેક કરદાતા કોઈ કારણોસર ખચકાટ અનુભવતા હોય છે. હું અંગત રીતે ચોક્કસ માનું છું કે તમારા મૂળભૂત હક્કનું જ્યાં હનન થયેલ હોય, કરદાતા પાસે જ્યાં અન્ય વિકલ્પો ના હોય ત્યારે હાઇકોર્ટમાં જવાના વિકલ્પ અંગે ચોક્કસ વિચરવું જોઈએ. વેરાવળના એક નાના કંપોઝીશન કરદાતાએ જ્યારે આ અંગે રિટ પિટિશન કરવાની હિંમત કરી તે ચોક્કસ સરાહનીય બાબત ગણાય”. અસીલ વતી આ રિટ પિટિશન ફાઇલ કરવામાં સેવા આપનાર અમદાવાદના જાણીતા એડવોકેટ કુંતલ પરિખનો હું અંગત રીતે તથા ટેક્સ ટુડેના તમામ વાંચકો વતી ખાસ આભાર માનું છું. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે
It’s very useful 👍.