PAN-Aadhar લિન્ક કરવાની મુદતમાં કરવામાં આવ્યો 30 જૂન 2023 સુધીનો વધારો
તા. 28.03.2023: ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 139AA હેઠળ દરેક PAN ને Aadhar કાર્ડ સાથે લિન્ક કરવું ફરજિયાત છે. આ PAN-Aadhar લિન્ક કરવા માટેની મુદત 31 માર્ચ 2023 હતી. આ મુદતમાં વધારો કરી હવે 30.06.2023 કરી આપવામાં આવી છે. હવે જે કરદાતાઓને PAN-Aadhar લિન્ક કરવાનું બાકી હોય તેઓ 30.06.2023 સુધીમાં આ કામ પૂર્ણ કરી શકશે. અલબત તેઓ 1000/- રૂની લેઇટ ફી ભરવા તો જવાબદાર થશે જ. ઇન્કમ ટેક્સનું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા સેંટરલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા પ્રેસ વિજ્ઞપ્તિ બહાર પાડી આ અંગે જાહેરાત કરવામાં આવી છે. આ પ્રેસ વિજ્ઞપ્તિમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે જે PAN, Aadhar સાથે 30.06.2023 ના રોજ લિન્ક નહીં શકે તેમના PAN 01 જુલાઇ 2023 થી “ઇનઓપરેટિવ” બની જશે. આવા “ઇનઓપરેટિવ” PAN કરદાતા 1000/- ની લેઇટ ફી ભરી, 30 દિવસમાં ફરી “ઓપરેટિવ” કરી શકશે.
છેલ્લા ઘણા દિવસોથી PAN-Aadhar લિન્ક કરવા અભૂતપૂર્વ ઘસારો જોવામાં આવી રહ્યો હતો. આ ઘસારાના કારણે ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર પણ ટેકનિકલ ક્ષતિઓ જોવા મળી રહી હતી. ઘણા કરદાતાઑની માન્યતા હતી કે જો તેઓ 31.03.2023 સુધીમાં આ કામગીરી પુર્ણ નહીં કરે તો તેઓ 10000/- લેઇટ ફી ભરવા જવાબદાર બનશે. આ બાબતે વાત કરતાં પોરબંદરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિવ્યેશભાઇ સોઢા જણાવે છે કે “ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 234H હેઠળ PAN-Aadhar લિન્ક કરાવવા માટે મહત્તમ લેઇટ ફી 1000/- જ છે. હાલ, પ્રવર્તમાન જોગવાઈ અનુસાર આ લેઇટ ફી 10000/- લાગી શકે નહીં. 30.06.2023 પછી પણ PAN-Aadhar લિન્ક કરાવનાર કરદાતાને 10000/- લેઇટ ફી લાગશે નહીં તે બાબત જાણી લેવી ખૂબ જરૂરી છે.”
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા PAN-Aadhar લિન્ક કરવાની મુદતમાં કરવામાં આવેલ વધારાના કારણે કરદાતાઓ, ટેક્સ પ્રોફેશનલ્સ તથા ઇન્કમ ટેક્સ પોર્ટલને પણ રાહત થઈ હોય તેવા સમાચાર મળી રહ્યા છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટના વિશ્વાસનિય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે PAN-Aadhar લિન્ક કરવાની મુદતમાં વધારો થતાં ઇન્કમ ટેક્સ અધિકારીઓને પણ રાહત થઈ છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.