રિટર્ન ના ભરવાના કારણે રદ્દ થયેલ નોંધણી દાખલો ફરી ચાલુ કરાવવા આપવામાં આવી તક!!
31.12.2022 પહેલા રિટર્ન ના ભરવાના કારણે રદ્દ થયેલ નોંધણી દાખલો કરી શકાશે પુનઃજીવિત
તા. 01.04.2023: જી.એસ.ટી. હેઠળ કલમ 29 હેઠળ રિટર્ન ના ભરવાના કારણે જી.એસ.ટી. નોંધણી દાખલો રદ્દ થયો હોય તેવા કરદાતા માટે સારા સમાચાર આવ્યા છે. 31.12.2022 સુધી આ પ્રકારે રદ્દ થયેલ નોંધણી દાખલો કરદાતા ફરી પુનઃજીવિત કરી શકશે તે અંગેનું નોટિફિકેશન 03/2023, તા.31.03.2023 બહાર પાડી આ રાહતો આપવામાં આવી છે. કરદાતા કે જેઓનો નોંધણી દાખલો રદ્દ થઈ ગયેલ છે અને તેઓ આ નોંધણી દાખલો પુનઃજીવિત કરવા સમયસર અરજી કરી શક્યા નથી તેઓ હવે 30 જૂન 2023 સુધીમાં નોંધણી દાખલો પુનઃજીવિત કરવા અરજી કરી શકશે. આ અરજી કરતાં પહેલા કરદાતાએ પોતાના નોંધણી નંબર રદ થયો છે ત્યાં સુધીના બાકી રિટર્ન લેઇટ ફી અને વ્યાજ સાથે ભરી આપવાના રહેશે. એવા કરદાતાઓ કે જેઓ એ અગાઉ રિવોકેશનની અરજી કે અપીલ કરેલ હોય અને તે સમયમર્યાદાના કારણે રદ્દ થયેલ હોય તેવા કરદાતાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકશે. જી.એસ.ટી. નોંધણી દાખલો રદ થયાના કારણે તકલીફ ભોગવતા કરદાતાઓ માટે આ મોટા રાહતના સમાચાર છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે