ફેઇસલેસ એસેસ્મેંટમાં આડેધડ આકારણી આદેશ પસાર કરવામાં આવતા હોવાની ઉઠતી ફરિયાદો!!
ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કરદાતાને સગવડ આપવા શરૂ કરવામાં આવેલ ફેઇસલેસ આકારણી પદ્ધતિમાં કરદાતાઓની રજૂઆતો ધ્યાને લેવામાં આવતી નથી તેવી ફરિયાદો:
તા. 13.04.2023: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કરદાતાએ ઇન્કમ ટેક્સ ઓફિસના ધક્કા ના ખાવા પડે તે હેતુથી ફેઇસલેસ એસેસમેંટની સુવિધા શરૂ કરવામાં આવી છે. કરદાતાની સગવડમાં વધારો કરવા, ભ્રષ્ટાચાર ઘટાડવા આકારણીની આ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. પરંતુ જમીની સ્તરે કરદાતાની સગવડ માટે શરૂ કરવામાં આવેલ આ પદ્ધતિ હાલ તો કરદાતાઓ માટે મુશ્કેલી ઊભી કરી રહી હોવાના અહેવાલો મોટા પ્રમાણમા મળી રહ્યા છે. આકારણી વર્ષ 2018 19 માટે પસાર કરવામાં આવેલ ઘણા આકારણી આદેશ કાયદાની જોગવાઈથી વિરુદ્ધ, કુદરતી ન્યાયના સિદ્ધાંતોથી વિરુદ્ધ તથા તથ્યો થી વિપરીત પસાર કરવામાં આવેલ હોવાની ફરિયાદો ઉઠી છે. નિષ્ણાંતો એવી પણ ફરિયાદો કરી રહ્યા છે કે નોટબંધી બાદ પસાર કરવામાં આવતા મોટાભાગના આદેશ ઇન્કમ ટેક્સની કલમ 68, 69 કે 69A નીચે પસાર કરવામાં આવે છે. ઇન્કમ ટેક્સ કાયદા હેઠળની આ કલમ કરચોરી માટેની ગંભીર જોગવાઈ હોય, આ કલમ કરદાતા સામે ઉગારતા, કરદાતા ઉપર 100 રૂપિયાની કરચોરીનો આરોપ હોય ત્યારે તેની ઇન્કમ ટેક્સ ભરવાની જવાબદારી 100 રૂપિયા કરતાં પણ વધુ આવતી હોય છે. કરદાતા નો કેસ ગમે તેટલો સાચો હોવા છતાં આ પ્રકારે કાયદા, કુદરતી ન્યાય થી વિરુદ્ધ પસાર કરવામાં આવતા આદેશના કારણે કરદાતા દ્વારા અપીલ કરવાની ફરજ પડે છે. આ અપીલ કરતાં સમયે કરદાતા પાસે કુલ માંગના 20% જેવી રકમ ભરપાઈ કરવાનો આગ્રહ કરવામાં આવે છે. 20% જેવી રકમ અપીલ દરમ્યાન સ્ટે માટે ના કરી શકે તેવા કરદાતા ઉપર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા સખત ઉઘરાણી કરવામાં આવતી હોય છે. સ્ટે માટેની રકમ ના ભરનાર કરદાતાના બેન્ક ખાતા સ્થગિત કરી આપવામાં આવતા હોય છે અને ક્યારેક તો કરદાતાની મિલ્કત સુદ્ધાં ઉપર બોજો મૂકી દેવામાં આવતો હોય છે. હાલ, જમીની સ્તરે મળતી માહિતી મુજબ આ પ્રકારે ઘણા આકારણી આદેશો પસાર કરવામાં આવ્યા છે. આ પ્રકારના આદેશોના કારણે કરદાતા ખૂબ પરેશાન થઈ રહ્યા છે તેવી વિગતો બહાર આવી રહી છે. ઇન્કમ ટેક્સ હેઠળ કલમ 68 કે 69 ની વિવિધ કલમો લગાડવા બાબતે અધિકારીએ તકેદારી રાખવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. આ ઉપરાંત આ પ્રકારની ભયંકર જોગવાઈ દૂર કરવામાં આવે અથવા તો તેના દરોમાં ઘટાડો કરવામાં આવે તેવી પણ સમયની માંગ છે. આ ઉપરાંત આ પ્રકારની કલમ લાગુ કરી “હાઇ પિચ એસેસમેંટ” થયેલ હોય તેવા કિસ્સામાં “પ્રિ ડિપોઝીટ” બાબતે પણ છૂટ આપવી જોઈએ તેવી માંગ પણ ઉઠી રહી છે. પ્રખર અર્થશાશત્રી ચાણક્ય દ્વારા કહેવામા આવ્યું છે કે શ્રેષ્ઠ ટેક્સ ઉઘરાવવાની પદ્ધતિ એવી હોવી જોઈએ જેમ મધમાંખી ફૂલમાંથી મધ લઈ લે અને તેના પાનને તેની ખબર પણ પાડવા ના દે. આ પદ્ધતિથી તદ્દન વિપરીત રીતે હાલ ઇન્કમ ટેક્સ હેઠળ ઘણા કેસોની આકારણી થઈ રહી હોવાની લાગણી કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સમાં ફેલાઈ રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે