જી.એસ.ટી. કાઉન્સીલની 54 મી મિટિંગની મહત્વની ભલામણો

Spread the love
Reading Time: 3 minutes

-By Bhavya Popat, Advocate

તા. 13.09.2024

જી.એસ.ટી. કાઉન્સીલની 54 મી મિટિંગ કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સિથારામણની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે મળી હતી. આ મિટિંગમાં કેન્દ્રિય રાજ્ય કક્ષાના નાણાંમંત્રી પંકજ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યોના નાણાંમંત્રી પણ આ મિટિંગમાં હાજર રહ્યા હતા. આ મિટિંગમાં નીચેના મહત્વના સૂચનો જી.એસ.ટી. કાઉન્સીલ દ્વારા સરકારને કરવામાં આવ્યા છે.

જી.એસ.ટી. દરો અંગે સૂચનો:

  1. પ્રોસેસ થયેલા અને પકાવેલ તમામ ફરસાણની ચીજવસ્તુના (ખાસ કરીને પેકેટમાં વેચાણ થતાં ફરસાણ) જેનો HSN 1905 90 30 છે તેમના દરોમાં 18% થી ઘટાડો કરી 12% કરવા સૂચન. આ ઘટાડેલ દરો જાહેરનામું બહાર પડે ત્યારથી થશે અમલી. જૂના વ્યવહારો માટે જૂનો દર જ લાગુ રહેશે.
  1. પાપડ, ફ્રાઈમ્સ જેવા પકાવેલ ના હોય તેવી ચીજવસ્તુ ઉપર 5% નો દર યથાવત રહેશે.
  1. ખાસ પ્રકારની કેન્સરની દવા ઉપર જી.એસ.ટી. દર ઘટાડી 5% કરવા સૂચન કરવામાં આવ્યું.
  1. “સ્ક્રેપ” ભંગારની ચીજ વસ્તુઓ ઉપર જ્યારે જી.એસ.ટી. હેઠળ બિનનોંધાયેલ વ્યક્તિ પાસેથી ખરીદી કરવામાં આવે ત્યારે ખરીદનાર વેપારી RCM ભરે તેવી જોગવાઈ કરવા સૂચન કરવામાં આવ્યું.
  1. કાર તથા મોટર સાઇકલની “સીટ” ઉપર હાલ જે 18% ના દરે જી.એસ.ટી. લાગે છે તેમાં વધારો કરી 28% કરી આપવા સૂચન કરવામાં આવ્યું છે.
  1. સામાન્ય હેલિકોપ્ટર યાત્રા ઉપર જી.એસ.ટી. નો દર ઘટાડી 5% કરવામાં આવ્યો.
  1. બિન નોંધાયેલ વ્યક્તિ દ્વારા જી.એસ.ટી. હેઠળ રજિસ્ટર્ડ વ્યક્તિને કમર્શિયલ પ્રોપર્ટી ભાડે દેવાની પ્રવૃતિને RCM હેઠળ આવરી લેવા સૂચન કરવામાં આવ્યું.
  1. ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા ટ્રાન્સપોર્ટેશન દરમ્યાન લોડીંગ, અનલોડીંગ, પેકિંગ, અનપેકિંગ વી. જેવા સલગ્ન સેવાઓ આપવામાં આવે તો તેનો સમાવેશ પણ કંપોઝીટ સેવામાં થાય અને તેના ઉપર પણ જી.ટી.એ. ના દરે જ વેરો લાગુ પડે.
  1. હેલ્થ ઈન્સ્યોરન્સ ઉપર જી.એસ.ટી ઘટાડો કરવાનો મુદ્દો આ મિટિંગમાં ચર્ચામાં લેવામાં આવ્યો હતો. પરંતુ આ મુદ્દા ઉપર સર્વસંમતિ ના થતાં આ મુદ્દો ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (GOM) ને આપવામાં આવ્યો છે. આ ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ દ્વારા ઓક્ટોબર 2024 ના અંત સુધીમાં આ અંગે પોતાનો રિપોર્ટ આપવાનો રહે છે. આ રિપોર્ટ આવ્યા બાદ આગામી જી.એસ.ટી. કાઉન્સીલ મિટિંગમાં આ મુદ્દા અંગે ચર્ચા હાથ ધરવામાં આવશે.
  1. તમાકુ, એરિએટેડ કોલ્ડડ્રિંક વગેરે ઉપર લગતા કંપેનસેશન સેસના ભવિષ્ય અંગે વિચારણા કરવા એક ખાસ ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ, સેસના ભવિષ્ય વિષે ચર્ચા વિચારણા કરી જી.એસ.ટી. કાઉન્સીલને પોતાનો રિપોર્ટ આપશે.

વિવિધ બાબતો ઉપર ખુલાસા કરતાં સર્ક્યુલર બહાર પાડવા સૂચન:

જી.એસ.ટી. કાઉન્સીલ દ્વારા નીચેના મુદ્દા કે જે અંગે વેપાર જગતમાં અસમનજસતા પ્રવર્તતી હોય, આ બાબતો ઉપર ખુલાસા કરવા સરકારને સર્ક્યુલર બહાર પાડવા સૂચન કરવામાં આવ્યું છે. આ અંગેના સર્ક્યુલર સરકાર દ્વારા બહાર પણ પાડી આપવામાં આવ્યા છે.

  • વિદેશી એકમને ભારતમાં જાહેરાતોની સેવા પૂરી પાડવા બાબતે “પ્લેસ ઓફ સર્વિસ” અંગે ખુલાસો બહાર પાડવા સરકારને જણાવવામાં આવ્યું છે.
  • મોટર વિહિકલ ઉત્પાદકના વિક્રેતા (ડીલર) ને ડેમો વિહિકલ ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે કે ના મળે તે બાબતે સ્પષ્ટતા કરવા સર્ક્યુલર બહાર પાડવા સૂચન કરવામાં આવ્યું છે.
  • ભારતના કરદાતા દ્વારા વિદેશી એકમને “કલાઉડ કોંપ્યુટિંગ સર્વિસ” પૂરી પાડવામાં આવે તેવા સંજોગોમાં ટેક્સ જવાબદારી અંગે સ્પષ્ટતા કરતો સર્ક્યુલર બહાર પાડવા સૂચન કરવામાં આવ્યું છે.

વેપાર જગતને રાહત આપતા નિર્ણય:

  1. જી.એસ.ટી. કાઉન્સીલની 53 મી મિટિંગમાં જાહેર કરવામાં આવેલ એમ્નેસ્ટી સ્કીમને સલ્ગ્ન કલમ 128A ને 1.11.2024 થી નોટિફાય કરવામાં આવશે તેવું સૂચન. આ એમ્નેસ્ટી સ્કીમ કે જેમાં નાણાકીય વર્ષ 2017 18, 2018 19, 2019 20 માટે વ્યાજ અને દંડમાં રાહત આપવામાં આવેલ છે તે યોજના હેઠળના નિયમો અને શરતો દર્શાવતો પરિપત્ર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે તેવી જાહેરાત.
  1. જી.એસ.ટી. હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવાની સમયમર્યાદા વધારતી કલમો 16(5) અને 16(6) ને પણ જલ્દી નોટિફાય કરવા સૂચન. આ બાબતે પસાર થયેલ આદેશો બાબતે કલમ 148 હેઠળ રેકટિફિકેશન માટેની ખાસ પ્રક્રિયા પણ બહાર પાડવા કરવામાં આવ્યું સૂચન. આ અંગે પણ વિગતવાર સર્ક્યુલર આપવા કરવામાં આવ્યું સૂચન.
  1. હાલ 5 કરોડ કે તેથી વધુ ટર્નઓવર હોય તેવા કરદાતાઓને B2B વ્યવહારો માટે ઇ ઇંવોઇસ બનાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. વધુ ટર્નઓવર  B2C ના વ્યવહારોને પણ લાગુ કરવા પ્રાયોગિક ધોરણે આ પદ્ધતિ દાખલ કરવામાં આવશે તેવું સૂચન કરવામાં આવ્યું છે.
  1. ટૂંક સમયમાં “ઇંવોઇસ મેનેજમેંટ સિસ્ટમ” નામની નવી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ સ્વીકારવાની, રાહ જોવાની અથવા રિજેક્ટ કરવાની પદ્ધતિ લાગુ કરવામાં આવશે. જી.એસ.ટી. લાગુ થયો ત્યારે જે જી.એસ.ટી.આર. 1, 2, 3 ની પદ્ધતિ હતી તે પદ્ધતિ નું સુધારેલું સ્વરૂપ આ “ઇંવોઇસ મેનેજમેંટ સિસ્ટમ” ને ગણવામાં આવી રહ્યું છે. આ પદ્ધતિ અમલમાં આવતા ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેચિંગ સરળ બનશે તેવી આશા સેવાઇ રહી છે.

જી.એસ.ટી. કાઉન્સીલની મિટિંગમાં ઉપરોક્ત મહત્વના મુદ્દા આગે સરકારને સૂચન કરવામાં આવ્યું છે. એક બાબત નોંધવી જરૂરી છે કે જી.એસ.ટી. કાઉન્સીલના દ્વારા જી.એસ.ટી. અંગે માત્ર સરકારને સૂચન આપવામાં આવે છે. સરકાર આ અંગે અમલ કરવા અંગે જાહેરનામું બહાર પાડે ત્યારે જ આ જોગવાઈ લાગુ પડે છે. આમ, આ જાહેરાતો અંગે જાહેરનામું બહાર પડે ત્યારે જ આ બાબતો અમલી બનશે તે જાણવું ખૂબ જરૂરી છે.

error: Content is protected !!