GST નોંધણી (Registration) પર સામાન્ય રીતે પૂછાતા પ્રશ્નો
તા. ૨૭.૦૩.૨૦૨૬: જી.એસ.ટી. લાગુ થયાને ૯ વર્ષ જેવો સમય થઇ ગયો છે. આ સમય દરમ્યાન જી.એસ.ટી. કાયદા, નિયમો માં અનેક ફેરફારો લાગુ થયા છે. જી.એસ.ટી. હેઠળ કરદાતાએ જાણવા જેવી મહત્વની બાબતો અવાર નવાર પૂછાતા પ્રશ્નો બાબતે એક સીરીઝ આ લેખથી શરુ કરી રહ્યો છુ. આ લેખોમાં જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો મેળવવા અંગે, કમ્પોઝીશન સ્કીમ અંગે, ઈનપુટ ટેક્સ ક્રેડીટ અંગે, ઈ વે બીલ અંગે, બીલ બનાવવા જેવા અલગ અલગ વિષયો ઉપર લેખ પ્રકાશિત કરવામાં આવશે. આ લેખમાળા હેઠળ આ પ્રથમ લેખ જી.એસ.ટી. હેઠળ રજીસ્ટ્રેશન અંગે પ્રકાશિત કરવા જઈ રહ્યો છુ. આશા રાખું છુ કે આ લેખમાળા વાંચકો માટે ઉપયોગી સાબિત થશે.
કોઈપણ વેપારી કે સેવા પ્રદાતા માટે GST નોંધણી લેવી ક્યારે જરૂરી છે, કેવી રીતે કરવી અને તેના ફાયદા શું છે – તે અંગે લોકોમાં ઘણી શંકાઓ હોય છે. આ લેખમાં અમે સરળ ભાષામાં તમામ મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપી રહ્યા છીએ.
- GST નોંધણી એટલે શું?
GST નોંધણી એટલે કે સરકાર પાસે તમારો ધંધો કે વ્યવસાયની નોંધણી કરાવવી. આમ કરાવવાથી તમે કાયદેસર રીતે GST વસૂલ કરી શકો અને ભરપાઈ કરી શકો.
- GST નોંધણી લેવી કોના માટે ફરજિયાત છે?
નીચેના કરદાતાઓ જી.એસ.ટી. નોંધણી લેવી ફરજિયાત છે:
- જે વેપારીનું માલ (ગુડ્સ) માટેનું વાર્ષિક ટર્નઓવર ₹40 લાખથી વધુ હોય, તેમને ફરજીયાત જી.એસ.ટી. નંબર લેવો જરૂરી છે.
- જે સેવા પ્રદાતાનું વાર્ષિક ટર્નઓવર ₹20 લાખ થી વધુ હોય તેઓ માટે પણ જી.એસ.ટી. નંબર લેવો ફરજીયાત બની જાય છે.
- માલ સાથે થોડી પણ સેવા પૂરી પાડતા વેપારી માટે વાર્ષિક ટર્નઓવરની મર્યાદા ૪૦ લાખ નહિ પણ ૨૦ લાખ થઇ જતી હોય છે જે ધ્યાને લેવું ખાસ જરૂરી છે.
ઉપરોક્ત વાર્ષિક ટર્નઓવરની મર્યાદા સિવાય, નીચેના કરદાતા માટે જી.એસ.ટી. નોંધણી લેવી ફરજીયાત રહેતી હોય છે.
- Inter-State supply (રાજ્ય બહાર વેચાણ) કરતા વેપારીઓ
- E-commerce platform પર વેચાણ કરતા લોકો
- Casual taxable person (હંગામી ધોરણે મેળો કે સેલ ઉભી કરતા કરદાતા)
- Non-resident taxable person (ભારત બહારના વ્યક્તિ જે ભારતમાં ધંધો કરે તેવા કરદાતા)
- શું દરેક નાના વેપારીને GST લેવું પડે?
ના. જો તમારો ટર્નઓવર મર્યાદા કરતા ઓછો છે તો GST ફરજિયાત નથી. પરંતુ તમે ઇચ્છો તો સ્વૈચ્છિક નોંધણી લઈ શકો.
- Composition Scheme શું છે?
Composition Scheme નાના વેપારીઓ માટે સરળ યોજના છે જેમાં:
- ઓછો ટેક્સ (1% / 5%) ભરવો પડે
- રિટર્ન સરળ હોય છે
- પરંતુ ITC (Input Tax Credit) નો લાભ નથી મળતો
- GST નોંધણી માટે કયા દસ્તાવેજ જરૂરી છે?
મુખ્ય દસ્તાવેજો:
- PAN Card
- Aadhaar Card
- Address Proof
- Bank Account Details
- Business Proof (Rent Agreement / Electricity Bill)
- GST નોંધણી કેવી રીતે કરવી?
GST નોંધણી ઓનલાઈન થાય છે:
- GST Portal પર જવું
- PAN અને મોબાઇલ નંબર દાખલ કરવો
- OTP verification કરવું
- ઓનલાઈન Application form ભરવું
- Documents upload કરવા
આ નોંધણીની વિધિ કરવા સમયે જી.એસ.ટી. ના કાયદાની પ્રાથમિક જાણકારી હોવી જરૂરી છે. આ પ્રાથમિક જાણકારી ના હોય તો કરદાતા ક્યારેક મુશ્કેલીમાં મુકાઇ જતા હોય છે. આમ, જી.એસ.ટી. નોંધણીની કાર્યવાહી આ કામ કરતા નિષ્ણાંત પાસે કરાવવી હિતાવહ છે.
- GSTIN શું છે?
GSTIN એટલે 15 અંકનો નંબર, જે તમારા વ્યવસાયની ઓળખ માટે આપવામાં આવે છે. જેમાં પ્રથમ બે આંકડા જે તે રાજ્યના કોડ (ગુજરાત માટે ૨૪) હોય છે, ત્યારબાદ ૧૦ આકડા તમારા PAN નંબરમાંથી હોય છે, ત્યારબાદએક આકડો તમારા રાજ્યમાના જી.એસ.ટી. નંબર કેટલા છે તે સૂચિત કરે છે અને છેલ્લા બે અક્ષર/આંકડા “રેન્ડમ” હોય છે.
- નોંધણી લેવા કેટલો સમય લાગે?
હાલ, જી.એસ.ટી. હેઠળ નિયમ ૧૪a લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ મુજબ સામાન્ય રીતે 3 થી 7 દિવસમાં GST નોંધણી મળી જતી હોય છે. આ રીતે આપવામાં આવેલ જી.એસ.ટી. નંબરમાં કરદાતાને પોસ્ટ દ્વારા “વેલકમ કીટ” મોકલવામાં આવતી હોય છે. આ “વેલકમ કીટ” યોગ્ય રીતે નાં મળે તો કરદાતાને ત્યાં “સ્પોટ વીઝીટ” હાથ ધરવામાં આવતી હોય છે.
- “વન નેશન-વન ટેક્સ” હોવા છતાં શું એકથી વધુ ધંધા કે વ્યવસાય માટે અલગ GST લેવો ફરજીયાત છે?
હા, જો અલગ અલગ રાજ્યમાં ધંધો કે વ્યવસાય હોય તો દરેક રાજ્ય માટે અલગ નોંધણી લેવો ફરજીયાત છે. રાજ્યમાં જ રહેલ એકથી વધુ ધંધા કે વ્યવસાય માટે અલગ અલગ નંબર લેવા ફરજીયાત નથી પણ મરજિયાત છે.
- GST નોંધણીના ફાયદા શું છે?
- કાયદેસર વ્યવસાય માન્યતા અને ધંધાકીય ક્ષેત્રે વિશ્વસનીયતા
- Input Tax Credit (ITC) નો લાભ
- મોટા ક્લાયન્ટ સાથે કામ કરવાની તક
- Inter-State વેપાર સરળ
- ITC શું છે?
ITC (Input Tax Credit) એટલે તમે ખરીદી પર ચૂકવેલ GST ને વેચાણના GST સામે સેટ કરી શકો.
- નોંધણી લીધા પછી શું કરવું પડે?
- નિયમિત GST Return ભરવા. જી.એસ.ટી. નંબર લીધા પછી કોઈ પણ ટર્નોવર ના હોય તો પણ જી.એસ.ટી. રીટર્ન ભરવા ફરજીયાત છે.
- Tax સમયસર ચૂકવવો
- Invoiceમાં GST દર્શાવવો
- જો GST નંબર લેવા જવાબદાર હોય અને કરદાતા નોંધણી ન લો તો શું થશે?
જી.એસ.ટી. હેઠળ નોંધણી લેવા જવાબદાર હોય અને જી.એસ.ટી. નંબર નાં લે તો કરદાતાને
- મોટો દંડ (Penalty) લાગી શકે
- કાયદેસર કાર્યવાહી થઈ શકે
- GST Registration રદ (Cancel) કરી શકાય?
હા, જો તમારો વ્યવસાય બંધ થઈ જાય અથવા ટર્નઓવર નિયત મર્યાદાથી ઓછુ થઈ જાય તો તમે નોંધણી ચોક્કસ રદ કરી શકો.
- Voluntary Registration શું છે?
જો તમારો ટર્નઓવર મર્યાદા કરતા ઓછુ હોય છતાં તમે GST નંબર લેતા હોય તો તેને voluntary registration એટલે કે મરજિયાત નોંધણી કહે છે.
- GST નોંધણી લેવા બેંક નંબર ફરજીયાત છે?
નાં, જી.એસ.ટી. નંબર લેવા સમયે બેંક ખાતું હોવું ફરજીયાત નથી. જી.એસ.ટી. નંબર આવી ગયા બાદ નિયત સમયમાં એટલે કે ૪૫ દિવસ સુધીમાં આ બેંક ખાતાની વિગતો અપલોડ કરી આપવી ફરજીયાત છે.
આ અંગે વાંચકોને કોઈ પ્રશ્ન હોય તો adv.bhavyapopat@gmail.com પર પૂછી શકો છો.

