GST હેઠળ રજિસ્ટર્ડ વ્યક્તિની રિટર્ન ફાઇલ કરવાની જવાબદારી અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

0
Spread the love
Reading Time: 5 minutes

By Bhavya Popat, Advocate, Notary, Editor-Tax Today

તા. ૨૮.૦૫.૨૦૨૬: ભારતમાં Goods and Services Tax Network દ્વારા સંચાલિત GST વ્યવસ્થામાં દરેક રજિસ્ટર્ડ વ્યક્તિ માટે સમયસર અને યોગ્ય રીતે રિટર્ન ફાઇલ કરવી અત્યંત મહત્વપૂર્ણ જવાબદારી છે. કોઈ વેપારી જી.એસ.ટી. નોંધણી દાખલો લે ત્યારે તેઓને સ્પષ્ટ રીતે ખબર હોવી જોઈએ કે નોંધણી નંબર મળતાની સાથે જ તેઓ જી.એસ.ટી. હેઠળ રીટર્ન ભરવા જવાબદાર બની જતા હોય છે. જી.એસ.ટી. હેઠળ વેપારીએ ક્યાં રીટર્ન ભરવાના છે, ક્યારે રીટર્ન ભરવાના છે, મોડું રીટર્ન ભરવાથી શું નુકસાન થાય અને કોઈ પણ વેચાણ કે ખરીદી ના હોય તો પણ NIL રિટર્ન ભરવાની ફરજ શું છે તે વેપારીએ સમજવું જરૂરી છે.

આ લેખમાં GST હેઠળ રજિસ્ટર્ડ વ્યક્તિની રિટર્ન ફાઇલ કરવાની જવાબદારી અંગે વિગતવાર અવારનવાર પૂછવામાં આવતા પ્રશ્નો (FAQ) રજૂ કરવામાં આવ્યા છે. લેખ ખાસ કરીને વેપારીઓ, ટ્રેડર્સ, મેન્યુફેક્ચરર્સ, સર્વિસ પ્રોવાઇડર્સ અને નાના ઉદ્યોગકારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.

પ્રશ્ન 1 : GST હેઠળ “રિટર્ન” નો અર્થ શું થાય?

GST રિટર્ન એટલે ટેક્સપેયર દ્વારા સરકારને આપવામાં આવતી માહિતી, જેમાં વેચાણ, ખરીદી, ટેક્સ ચુકવણી, ITC (Input Tax Credit), ડેબિટ-ક્રેડિટ નોટ વગેરેની વિગતો આપવામાં આવે છે.

GST રિટર્ન દ્વારા સરકારને નીચેની બાબતોની માહિતી મળે છે:

  • કેટલું વેચાણ થયું
  • કેટલો GST વસૂલાયો
  • કેટલી ઈનપુટ ટેક્સ ક્રેડીટ (ITC) લેવામાં આવી
  • કેટલો ટેક્સ ભરવાનો બાકી છે
  • રિફંડ કે એડજસ્ટમેન્ટ છે કે નહીં

પ્રશ્ન 2 : GSTમાં રજિસ્ટર્ડ થયા પછી રિટર્ન ભરવી ફરજિયાત છે?

હા. એકવાર કોઈ વ્યક્તિ GST હેઠળ રજિસ્ટર્ડ થાય પછી રિટર્ન ભરવી ફરજિયાત બને છે, ભલે તે મહિનામાં કોઈ વ્યવહાર ન થયો હોય તો પણ જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ વેપારીએ જી.એસ.ટી. રીટર્ન ભરવું ફરજીયાત છે.

ઘણા વેપારીઓ માને છે કે “ધંધો બંધ છે એટલે રિટર્ન ભરવાની જરૂર નથી.” આ માન્યતા ખોટી છે. જ્યાં સુધી GST Registration Cancel ન થાય ત્યાં સુધી રિટર્ન ફાઇલ કરવાની જવાબદારી ચાલુ રહે છે.

પ્રશ્ન 3 : NIL Return શું છે?

જો કોઈ ટેક્સ પીરિયડ દરમિયાન:

  • વેચાણ ન થયું હોય
  • ખરીદી ન થઈ હોય
  • ટેક્સ લાયબિલિટી ન હોય
  • ITC ક્લેમ ન કરવાની થતી હોય

તો પણ “NIL Return” એટલે કે શૂન્ય વ્યવહાર અંગેના ભરવી ફરજિયાત છે. NIL Return ન ભરવાથી પણ Late Fee અને Notice આવી શકે છે.

પ્રશ્ન 4 : સામાન્ય ટેક્સપેયરને ક્યાં રિટર્ન ભરવાની જવાબદારી રહેતી હોય છે?

સામાન્ય રીતે Regular Taxpayer (કમ્પોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતા સિવાય) માટે નીચેની મુખ્ય રિટર્ન મહત્વપૂર્ણ છે:

માસિક કે ત્રિમાસિક ધોરણે:

GSTR ૧: કરદાતા દ્વારા પોતાની વેચાણની વિગતો દર્શાવતું રીટર્ન જેમાં B2B એટલે કે નોંધાયેલ વેપારીને કરવામાં આવેલ વેચાણની બીલ અને જી.એસ.ટી. નંબર પ્રમાણેની વિગતો, B2C ની સામાન્ય રીતે વેરાના દર પ્રમાણે થયેલ વેચાણની વિગતો આપવાની રહેતી હોય છે.

GSTR 3B: આ રીટર્ન એ કરદાતાનું મુખ્ય રીટર્ન છે જેમાં વેચાણની વિગતો, ઉપરાંત ખરીદી ઉપર મળવાપાત્ર ઈનપુટ ટેક્સ ક્રેડીટ, ટેક્સની જવાબદારીની વિગતો દર્શાવવાની રહેતી હોય છે.

વાર્ષિક રીટર્ન: ઉપરોક્ત માસિક કે ત્રિમાસિક રીટર્ન ભરવા ઉપરાંત કરદાતા વાર્ષિક રીટર્ન ભરવા પણ જવાબદાર રહેતા હોય છે. જો કે વાર્ષિક ૨ કરોડ સુધીનું વેચાણ હોય તેવા કરદાતાને આ રીટર્ન ફરજીયાત ભરવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે.

 

પ્રશ્ન 5 : GSTR-1 શું છે?

GSTR-1 માં કરદાતા દ્વારા કરાયેલા તમામ outward supplies એટલે કે વેચાણની વિગતો આપવામાં આવે છે.

તેમાં સામેલ છે:

  • B2B Invoice
  • B2C Sales
  • Export
  • Credit Note
  • Debit Note

આ રિટર્ન પરથી જ ખરીદદારે ITC મેળવી શકે છે.

પ્રશ્ન 6 : GSTR-1 ક્યારે ભરવાનું રહે છે?

સામાન્ય રીતે:

  • કોઈ પણ વર્ષમાં ૫ કરોડથી ઉપર વેચાણ થઇ જાય ત્યારે કરદાતાએ GSTR ૧ ફરજીયાત માસિક ધોરણે ફાઈલ કરવાનું રહેતું હોય છે. આ રીટર્ન પછીના મહિનાની 11મી તારીખ સુધીમાં ભરવાનું રહેતું હોય છે.
  • ૫ કરોડ સુધી જેમનું વેચાણ હોય તેઓ પોતાનું જી.એસ.ટી.આર. ૧ રીટર્ન પોતાની મરજીથી માસિક કે ત્રિમાસિક ભરી શકે છે. તેઓ ક્વાર્ટર પૂર્ણ થયા પછીના મહિનાની 13મી તારીખ સુધીમાં આ રીટર્ન ભરી શકે છે.

પ્રશ્ન 7 : GSTR-3B શું છે?

GSTR-3B એ Summary Return છે જેમાં:

  • કુલ વેચાણ
  • ટેક્સ લાયબિલિટી
  • ITC
  • નેટ ટેક્સ પેમેન્ટ

ની માહિતી આપવામાં આવે છે.

જી.એસ.ટી. કાયદા હેઠળ માસિક અથવા ત્રિમાસિક ધોરણે આ રીટર્ન સૌથી મહત્વપૂર્ણ રિટર્ન માનવામાં આવે છે કારણ કે ટેક્સ ચુકવણી આ રિટર્ન દ્વારા થાય છે.

પ્રશ્ન 8 : GSTR-3B સમયસર ન ભરવાથી શું થાય?

સમયસર GSTR-3B ન ભરવાથી:

  • Late Fee લાગે
  • Interest લાગે
  • ITC બ્લોક થઈ શકે
  • E-way Bill બ્લોક થઈ શકે
  • Notice આવી શકે
  • Registration Suspend અથવા Cancel થઈ શકે

પ્રશ્ન 9 : Late Fee કેટલી લાગે?

સામાન્ય રીતે:

  • CGST ₹25 પ્રતિ દિવસ
  • SGST ₹25 પ્રતિ દિવસ

અર્થાત કુલ ₹50 પ્રતિ દિવસ.

NIL Return માટે સામાન્ય રીતે ઓછો દંડ લાગુ પડે છે જે CGST તથા SGST હેઠળ 10/- નો લાગુ પડતો હોય છે.

પ્રશ્ન 10 : Interest કેટલા દરે લાગે?

ટેક્સ મોડો ભરવામાં આવે તો સામાન્ય રીતે 18% વ્યાજ લાગુ પડે છે. ખોટી રીતે ITC લેવામાં આવી હોય અને ઉપયોગમાં લેવામાં આવી હોય તો 24% સુધી Interest લાગી શકે છે.

પ્રશ્ન 11 : QRMP Scheme શું છે?

QRMP એટલે:

Quarterly Return Monthly Payment Scheme.

નાના કરદાતા માટે સરકાર દ્વારા સરળતા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

જે કરદાતાનું વાર્ષિક ટર્નઓવર ૫ કરોડ સુધીનું હોય તેઓ:

  • GSTR-1 અને GSTR-3B ત્રિમાસિક ભરી શકે
  • પરંતુ ટેક્સતો સૌ કોઈ વેપારીએ માસિક ધોરણે ભરવાનો રહે

પ્રશ્ન 12 : IFF એ શું છે?

IFF (ઇન્વોઇસ ફીલિંગ ફેસીલીટી એ ત્રિમાસિક GSTRB ભરવાનું પસંદ કરેલ વેપારીઓ માટે પોતાના B2B વેચાણ માસિક ધોરણે દર્શાવવા માટેનું ફોર્મ છે. વેચનાર દ્વારા આ ફોર્મ ભરવાથી ખરીદનારને ઈનપુટ ટેક્સ ક્રેડીટ સમયસર મળી રહેતી હોય છે.  

પ્રશ્ન 13 : શું Composition Dealer એ ક્યાં ફોર્મ ભરવાના રહે છે?

કમ્પોઝીશન ડીલરે ત્રિમાસિક ધોરણે ટેક્સની વિગતો તથા ભરેલ ટેક્સ દર્શાવતું ફોર્મ CMP ૦૮ ભરવાનું રહે છે. આ ઉપરાંત વાર્ષિક ધોરણે પોતાનું વેચાણ તથા ખરીદી દર્શાવતું ફોર્મ GSTR4 ભરવાનું રહે છે જે પછીના વર્ષના ૩૦ જુન સુધીમાં ભરવાનું રહે છે.

પ્રશ્ન 14 : Annual Return શું છે?

Annual Return એટલે આખા નાણાકીય વર્ષનું સંકલિત રિટર્ન.

તેમાં વર્ષ દરમિયાન:

  • વેચાણ
  • ખરીદી
  • ITC
  • ટેક્સ ચુકવણી

ની વિગતો ભરવાની રહેતી હોય છે.

પ્રશ્ન 15 : GSTR-9 ભરવી કોને ફરજિયાત છે?

GSTR 9 એ વાર્ષિક રીર્ટન છે. સામાન્ય રીતે તમામ Regular Taxpayer માટે GSTR-9 ફરજિયાત બને છે. આ અંગે ૨ કરોડ સુધીનું વેચાણ ધરાવતા કરદાતાઓ માટે આ વાર્ષિક રીટર્ન GSTR 9 ભરવું મરજિયાત બનાવવામાં આવ્યું છે.

પ્રશ્ન 16 : GSTR-9C શું છે?

GSTR-9C એ Reconciliation Statement છે જેમાં:

  • Books of Accounts
  • GST Returns

વચ્ચે ચકાસણી અને વિવરણ કરવામાં આવે છે. ૫ કરોડ ઉપર વેચાણ ધરાવતા હોય તેવા કરદાતા માટે આ ફોર્મ ભરવું ફરજીયાત રહેતું હોય છે.

પ્રશ્ન 17 : શું રિટર્ન ભર્યા વગર GST Registration Cancel થઈ શકે?

હા. જો સતત છ મહિનાના સમયના રીટર્ન ન ભરવામાં આવે તો અધિકારી Registration Suspend કરી શકે

તથા Registration Cancel પણ કરી શકે. આ રીતે અધિકારી દ્વારા જી.એસ.ટી. રજીસટ્રેશન રદ્દ કરવામાં આવે ત્યારે ભવિષ્યમાં નવો જી.એસ.ટી. નંબર લેવામાં અને ખરીદનારોને ઈનપુટ ટેક્સ ક્રેડીટ લેવામાં ગંભીર મુશ્કેલી ઉભી થવાની શક્યતા રહે છે.

પ્રશ્ન 18 : Final Return શું છે?

જો Registration Cancel થાય તો GSTR-10 એટલે કે Final Return ભરવાનું રહે છે. તે Cancellation પછી સામાન્ય રીતે 3 મહિનાની અંદર ભરવાનું રહે છે જેમાં કરદાતાએ સ્ટોક ઉપર ભરવાના થતા ટેક્સની માહિતી આપવાની રહેતી હોય છે. આ ફાઈનલ રીટર્ન કમ્પોઝીશન કરદાતાએ ભરવાનું થતું નથી.

જી.એસ.ટી કાયદા હેઠળ નોંધણી દાખલો મેળવવામાં આવે એટલે કરદાતા રીટર્ન ભરવા જવાબદાર બની જાય છે તેમાં કોઈ વિકલ્પ નથી. કરદાતા ક્યાં અને ક્યારે રીટર્ન ભરવા જવાબદાર છે તે જાણી કરદાતાએ સમયસર રીટર્ન ભરવા અત્યંત જરૂરી છે. ઘણીવાર રીટર્ન ભરવાની જવાબદારી અંગે અજાણ હોવાથી કરદાતા પોતે તથા તેમના ખરીદનાર પણ ગંભીર મુશ્કેલીમાં મુકાઇ જતા હોય છે. આમ, કરદાતાએ જી.એસ.ટી. હેઠળ પોતાની રીટર્ન ભરવાની જવાબદારી સમજી સમયસર રીટર્ન ભરવા જોઈએ.

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા ૨૫.૦૫.૨૦૨૬ ના રોજ પ્રકાશિત થયેલ છે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!