આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ – પરંતુ કોના માટે? જાણો તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ
ભારતમાં દર વર્ષે લાખો કરદાતાઓ પોતાની આવકવેરાની જવાબદારી નિભાવવાના ભાગરૂપે આવકવેરા રિટર્ન (Income Tax Return – ITR) ફાઈલ કરે છે. ઘણા લોકોમાં એવી માન્યતા જોવા મળે છે કે દરેક વ્યક્તિ માટે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હોય છે, પરંતુ હકીકતમાં આ વાત દરેક કરદાતા માટે સાચી નથી. અલગ-અલગ પ્રકારના કરદાતાઓ માટે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ અલગ હોય છે. બજેટ ૨૦૨૬માં આવકવેરાની ડ્યુ ડેઈટ બાબતે મહત્વની રાહત આપવામાં આવી છે. આથી, દરેક કરદાતાએ પોતાની આવક અને આવકવેરા રીટર્નના પ્રકાર મુજબની છેલ્લી તારીખ જાણવી અને તે પહેલાં જ રિટર્ન ફાઈલ કરી આપવું જરૂરી છે.
31 જુલાઈની છેલ્લી તારીખ કોના માટે લાગુ પડે છે?
31 જુલાઈની છેલ્લી તારીખ મુખ્યત્વે એવા વ્યક્તિગત કરદાતાઓ (Individuals), હિંદુ અવિભાજિત કુટુંબ (HUF) તથા અન્ય એવા કરદાતાઓ માટે લાગુ પડે છે જેઓને કોઈ ધંધો કે વ્યવસાય (Business) કે (Profession) માંથી આવક નથી અને જેમના હિસાબોનું ઓડિટ કરાવવું ફરજિયાત નથી.
બીજા શબ્દોમાં કહીએ તો, જો કોઈ વ્યક્તિ માત્ર પગાર (Salary), પેન્શન, ઘર મિલકતની આવક, બેંક વ્યાજ, મૂડી લાભ (Capital Gain) અથવા અન્ય સામાન્ય સ્ત્રોતોમાંથી આવક મેળવે છે તો સામાન્ય રીતે તેની આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ રહેશે.
વ્યવસાય ધરાવતા દરેક વ્યક્તિ માટે 31 જુલાઈ લાગુ પડતી નથી
ઘણા વેપારીઓ અને વ્યવસાયિકો એવી ભૂલ કરે છે કે તેઓ પણ 31 જુલાઈને પોતાની છેલ્લી તારીખ માની લે છે. હકીકતમાં, જો કરદાતાને વ્યવસાય અથવા વ્યવસાયિક સેવાઓ (Business/Profession)માંથી આવક હોય, તો તેની રિટર્નની છેલ્લી તારીખ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના રીટર્ન ભરતા સમયથી અલગ રહે છે જે ૩૧ ઓગસ્ટ છે.
જો હિસાબોનું ઓડિટ ફરજિયાત હોય, તો રિટર્ન ભરવાની છેલ્લી તારીખ આગળ વધે છે. તેથી દરેક વ્યવસાયીએ પોતાની આવક, ટર્નઓવર અને કાયદાકીય જોગવાઈઓ મુજબ યોગ્ય છેલ્લી તારીખ જાણી લેવી જોઈએ.
આવકવેરા રિટર્ન ભરવાની વિવિધ છેલ્લી તારીખો
સામાન્ય રીતે આવકવેરા કાયદા મુજબ નીચે મુજબની છેલ્લી તારીખો લાગુ પડે છે:
(1) 31 જુલાઈ
- એવા વ્યક્તિગત કરદાતાઓ કે જેમને વ્યવસાય અથવા પ્રોફેશનમાંથી આવક નથી.
- જેમના હિસાબોનું ઓડિટ જરૂરી નથી.
(2) 31 ઓક્ટોબર
- એવા કરદાતાઓ કે જેમના હિસાબોનું ટેક્સ ઓડિટ કરાવવું ફરજિયાત છે.
- મોટાભાગની ઓડિટ હેઠળ આવતી ફર્મો, કંપનીઓ તથા વ્યવસાયિકો.
- આવા કરદાતાઓએ પોતાનું ઓડીટ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં કરાવી ઓનલાઈન અપલોડ કરી આપવાનું રહે છે.
સરકારે ખાસ સંજોગોમાં આ તારીખોમાં વધારો પણ કરી શકે છે, પરંતુ કરદાતાએ હંમેશા મૂળ કાયદાકીય તારીખને ધ્યાનમાં રાખીને સમયસર રિટર્ન ભરવાની તૈયારી રાખવી જોઈએ.
આવકવેરા રિટર્ન ભરવું કેમ જરૂરી છે?
ઘણા લોકો એવું માને છે કે જો ટેક્સ ભરવાનો બાકી નથી, તો રિટર્ન ભરવાની જરૂર નથી. પરંતુ આ માન્યતા દરેક કિસ્સામાં સાચી નથી. આવકવેરા રિટર્ન માત્ર ટેક્સ ભરવાનો દસ્તાવેજ નથી, પરંતુ તે વ્યક્તિની નાણાકીય ઓળખ (Financial Identity) પણ છે. સમયસર રિટર્ન ભરવાથી નીચે મુજબના અનેક લાભ મળે છે:
- બેંકમાંથી હોમ લોન, કાર લોન અથવા બિઝનેસ લોન મેળવવામાં સરળતા રહે છે.
- વિઝા માટે અરજી કરતી વખતે છેલ્લા વર્ષોના ITRની નકલ ઘણી વખત જરૂરી બને છે.
- આવકનો સત્તાવાર પુરાવો ઉપલબ્ધ રહે છે.
- TDS કપાયો હોય તો તેનો રિફંડ સરળતાથી મેળવી શકાય છે.
- ભવિષ્યમાં આવકવેરા વિભાગ તરફથી પૂછપરછ થાય તો યોગ્ય દસ્તાવેજ તરીકે ઉપયોગ થઈ શકે છે.
- સરકારી ટેન્ડર, વિવિધ નાણાકીય સંસ્થાઓ અને અન્ય ઘણી પ્રક્રિયામાં ITR મહત્વનો પુરાવો બને છે.
આથી, ભલે ટેક્સ ભરવાનો બાકી ન હોય, છતાં કાયદાકીય રીતે રિટર્ન ભરવું જરૂરી હોય તો સમયસર રિટર્ન ફાઈલ કરવું જોઈએ.
સમયસર રિટર્ન ભરવાનું મહત્વ
ઘણા કરદાતાઓ છેલ્લા દિવસ સુધી રાહ જુએ છે. પરિણામે વેબસાઈટ પર ભારે ટ્રાફિક, બેંકની માહિતીમાં વિલંબ, AIS અથવા Form 26ASમાં તફાવત, અથવા અન્ય ટેકનિકલ મુશ્કેલીઓને કારણે રિટર્ન સમયસર ભરવામાં મુશ્કેલી આવી શકે છે.
જો રિટર્ન નિયત તારીખ પછી ભરવામાં આવે તો તેના કેટલાક ગંભીર પરિણામો આવી શકે છે:
- મોડા રિટર્ન પર કાયદા મુજબ લેટ ફી ચૂકવવી પડી શકે છે.
- બાકી ટેક્સ પર વ્યાજ લાગુ પડી શકે છે.
- કેટલીક પરિસ્થિતિઓમાં નુકસાન (Loss) આગળના વર્ષોમાં Carry Forward કરવાની સુવિધા ગુમાવી શકાય છે.
- ભવિષ્યમાં આવકવેરા વિભાગની તપાસ દરમિયાન વધારાના પ્રશ્નો ઉભા થઈ શકે છે.
- કેટલીક રાહતો અને કાયદાકીય લાભો સમયસર રિટર્ન ન ભરવાના કારણે મળી શકતા નથી.
તેથી છેલ્લી તારીખની રાહ જોવાને બદલે જરૂરી દસ્તાવેજો તૈયાર કરીને વહેલી તકે રિટર્ન ભરવી વધુ યોગ્ય છે.
રિટર્ન ભરતા પહેલાં આ બાબતો ચકાસો
રિટર્ન ફાઈલ કરતાં પહેલાં નીચેની બાબતોની ખાસ ખાતરી કરવી જોઈએ:
- Form 26AS, AIS અને TISની માહિતીનું મિલાન કરો.
- તમામ બેંક ખાતાઓમાંથી મળેલ વ્યાજ દર્શાવો.
- તમામ પગાર, પેન્શન તથા અન્ય આવકનો સમાવેશ કરો.
- શેર, મ્યુચ્યુઅલ ફંડ અથવા મિલકત વેચાણથી થયેલા Capital Gain યોગ્ય રીતે દર્શાવો.
- વિદેશી બેંક ખાતા અથવા વિદેશી સંપત્તિ હોય તો તેની વિગતો યોગ્ય રીતે આપો.
- યોગ્ય ટેક્સ રેજીમ (Old Regime અથવા New Regime) પસંદ કરો.
- બેંક ખાતાની વિગતો અને IFSC કોડ સાચા દાખલ કરો જેથી રિફંડમાં વિલંબ ન થાય.
આવકવેરા રીટર્ન ભરવાની સમયમર્યાદામાં નાણાકીય વર્ષ ૨૦૨૫ ૨૬ થી માહ્ત્વના ફેરફારો થયા છે. આ ફેરફારોને ધ્યાને લેવા ખુબ જરૂરી છે. ધંધાકીય આવક ધરાવતા કરદાતા માટે ૩૧ જુલાઈ હવે રીટર્ન ભરવાની છેલ્લી તારીખ નથી પરંતુ તેઓના માટે ૩૧ ઓગસ્ટ ધ્યાને લેવાની રહે છે. આ બાબત પ્રથમ વર્ષ હોવાથી ઘણા કરદાતાના ધ્યાને નથી.
યાદ રાખો, આવકવેરા રિટર્ન માત્ર એક કાયદાકીય ફરજ નથી, પરંતુ કરદાતાના નાણાકીય જીવનનો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેથી છેલ્લી ઘડીએ ઉતાવળ કરી રીટર્ન ભરવાને બદલે આજે જ જરૂરી દસ્તાવેજો તૈયાર કરી, યોગ્ય વ્યવસાયિક માર્ગદર્શન મેળવી અને સમયસર આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવે તે જરૂરી છે.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તારીખ ૨૭.૦૭.૨૬ ના રોજ પ્રકાશિત થયેલ છે.)
