CGST ડિવિઝન મહેસાણા પરિસરમાં જ્ઞાનસત્ર ‘આઉટરીચ કાર્યક્રમ’ તથા નવનિયુક્ત કમિશનરશ્રીનો સૌહાર્દપૂર્ણ આવકાર સમારોહ સંપન્ન…

0
Spread the love
Reading Time: 2 minutes

મહેસાણા
૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૬

કેન્દ્રીય કર સંરચનાને વધુ સુદ્રઢ, પારદર્શક અને જનસુલભ બનાવવાની દિશામાં એક પ્રશંસનીય પગલું ભરતાં, કેન્દ્રીય વસ્તુ અને સેવા કર (CGST) ડિવિઝન, મહેસાણા દ્વારા સરદાર પટેલ વેપાર સંકુલ સ્થિત કાર્યાલય ખાતે તારીખ ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ એક વિશેષ જ્ઞાનસત્ર તથા વાર્તાલાપ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવ્ય અવસરે ડિવિઝનના નવનિયુક્ત કમિશનરશ્રી નરેન્દ્રભાઈ યાદવના સન્માન અર્થે અભિનંદન સમારોહ પણ યોજાયો હતો.

આ ગૌરવવંત સમારોહમાં ઉત્તર ગુજરાતના ધારાશાસ્ત્રીઓ, કર સલાહકારો, હિસાબી નિષ્ણાતો તેમજ વિવિધ ઔદ્યોગિક અને વ્યાપારિક મંડળો જેવા કે મહેસાણા, ઊંઝા અને વિસનગરના વેપારી એસોસિએશનો, ઇન્ડસ્ટ્રીઝ ઓનર્સ એસોસિએશન, ટોબેકો વ્યાપારી મંડળ તથા ફાર્માસ્યુટિકલ્સ અને ટેક્સ બાર એસોસિએશનના પ્રતિનિધિઓ અને કરદાતાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જીએસટી કાયદાકીય જોગવાઈઓ અને સમસ્યા નિવારણ અંગે સંવાદ:

કાર્યક્રમના પ્રથમ ચરણમાં સીજીએસટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરદાતાઓને જીએસટી સંબંધિત જટિલ જોગવાઈઓ, આઇટીસી (ITC), ઇનવર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર રિફંડ અને રિટર્ન ફાઇલિંગની સુગમ પ્રક્રિયાઓ વિશે વિગતવાર અને મનનીય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉપસ્થિત કરદાતાઓ અને કર સલાહકારો દ્વારા રજૂ કરાયેલા વિવિધ વ્યવહારિક પ્રશ્નોનું અધિકારીશ્રીઓ દ્વારા સ્થળ પર જ અત્યંત સરળ અને સંતોષકારક સમાધાન કરવામાં આવ્યું હતું.

કરદાતાઓની વ્યાજબી રજૂઆતો અને કમિશનરશ્રીનો સકારાત્મક અભિગમ:

સમારોહ દરમિયાન નવીન ચાર્જ સંભાળનાર કમિશનરશ્રી નરેન્દ્રભાઈ યાદવનું પુષ્પગુચ્છ અને શુભકામનાઓ વડે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહેસાણા ટેક્સ બાર એસોસિએશન તથા ઉત્તર ગુજરાતના વકીલમંડળ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી કે, ઉત્તર ગુજરાતના કરદાતાઓ તથા ધારાશાસ્ત્રીઓને જીએસટી ઓડિટ સંબંધિત કામગીરી અર્થે અવારનવાર અમદાવાદ સુધી લંબાવું પડે છે. કરદાતાઓની આ સુવિધા અને સમયની બચતને ધ્યાને રાખી મહેસાણા અથવા ઉત્તર ગુજરાતના કોઈ મધ્યસ્થ સ્થળે ‘જીએસટી ઓડિટ સેન્ટર’ની સ્થાપના કરવામાં આવે. આ અંગે પૂર્વમાં ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસિએશન, અમદાવાદ દ્વારા કરવામાં આવેલ વિનંતીપત્ર પણ કમિશનરશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, તમાકુ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ તથા અન્ય વિવિધ વ્યાપારી મંડળો દ્વારા વેપાર ક્ષેત્રે નડતી વિસંગતતાઓ અને જીએસટી દરો અંગે કમિશનરશ્રી સમક્ષ સચોટ રજૂઆતો કરવામાં આવી હતી. કમિશનરશ્રીએ તમામ બાબતોને ગંભીરતાપૂર્વક સાંભળી, ઉચ્ચ સત્તામંડળ સુધી યોગ્ય ભલામણ મોકલવાની અને વિભાગ તરફથી પૂર્ણ સહયોગ આપવાની સાંત્વના પાઠવી હતી.

સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ, પ્રેરણાદાયી અને પરસ્પર વિશ્વાસના વાતાવરણમાં સંપન્ન થયો હતો.
.
.
.

ટેક્સ~એડવોકેટ અને નોટરી 🎓
હર્ષદકુમાર વસંતલાલ ઓઝા ✍

(ઉત્તર ગુજરાત ઝોન પ્રેસ રિપોર્ટર / અહેવાલકર્તા)
www.harshadkumarvoza.wordpress.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!