GST હેઠળ જુલાઈ થી સપ્ટેમ્બરનું રિટર્ન છે અત્યંત મહત્વનું!!

તા. ૨૯.૦૯.૨૦૨૬: GST હેઠળ રિટર્ન ફાઇલિંગ માત્ર કર ચૂકવવાની પ્રક્રિયા નથી, પરંતુ વેચાણ, ખરીદી, ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) અને બિઝનેસના GST રેકોર્ડને ચોકસાઈપૂર્વક જાળવવાની મહત્વપૂર્ણ કડી છે. આમ તો જી.એસ.ટી. હેઠળ ભરવામાં આવતા તમામ રીટર્ન ખુબ મહત્વના છે અને આ રીટર્ન ભરવામાં કાળજી રાખવી જરૂરી છે પરંતુ ત્રિમાસિક ધોરણે રીટર્ન ભરતા અને માસિક ધોરણે ટેક્સ ભરતા QRMP (Quarterly Return Monthly Payment) Scheme કરદાતાઓ માટે FY ૨૦૨૬-૨૭ ના ક્વાર્ટર–2 એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર ૨૬ નું ભરવામાં આવતું રીટર્ન ખાસ મહત્વ ધરાવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના વ્યવહારો રીપોર્ટ કરવામાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો તે સુધારવા માટે ત્રિમાસિક રીટર્ન છેલ્લી તક બની રહેતી હોય છે.
GST Portalના માર્ગદર્શન મુજબ, અગાઉના નાણાકીય વર્ષના invoicesમાં થયેલી ભૂલ કે omissionને સુધારવા માટેની અંતિમ સમયમર્યાદા સામાન્ય રીતે આગામી નાણાકીય વર્ષના 30 નવેમ્બર સુધી છે. FY 2025-26 માટે આ cutoff 30 નવેમ્બર 2026 રહે છે. પરંતુ સમયસર ત્રિમાસિક રીટર્ન ભરતાં કરદાતાઓ માટે આ ૩૦ નવેમ્બર ખાસ મહત્વની રહેતી નથી.
30 નવેમ્બર કેમ મહત્વની તારીખ છે?
CGST Actની Section 37 હેઠળ outward suppliesની વિગતો GSTR-1માં રજૂ કરવામાં આવે છે. Section 37માં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અગાઉ રજૂ કરેલી વિગતોમાં થયેલી ભૂલ રહેલી હોય તો તેનો સુધારો નાણાકીય વર્ષ પૂર્ણ થયા બાદ 30 નવેમ્બર સુધી અથવા સંબંધિત Annual Return ફાઇલ થાય ત્યાં સુધી—જે વહેલું હોય ત્યાં સુધી કરી શકાય છે.
તે જ રીતે, ખરીદી પર મળવાપાત્ર ITC માટે પણ Section 16(4) હેઠળ 30 નવેમ્બર સુધીની મહત્વપૂર્ણ સમયમર્યાદા છે. એટલે કે FY 2025-26ની ખરીદીના invoicesમાંથી પાત્ર ITC મેળવવાની પ્રક્રિયામાં પણ આ તારીખ અત્યંત મહત્વ ધરાવે છે.
QRMP કરદાતાઓ માટે Quarter–2નું વિશેષ મહત્વ
QRMP Scheme હેઠળ પાત્ર કરદાતા GSTR-1 અને GSTR-3B quarterly ફાઇલ કરે છે. પ્રથમ બે મહિનામાં IFF દ્વારા B2B invoices વગેરે રજૂ કરવાની વૈકલ્પિક સુવિધા છે અને ત્રીજા મહિનામાં quarterly GSTR-1 ફાઇલ કરવામાં આવે છે. આથી QRMP કરદાતાઓએ એવું માનવું યોગ્ય નથી કે Quarter–2નું રિટર્ન માત્ર એક સામાન્ય રીટર્ન છે. વાસ્તવમાં તે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના વ્યવહારો અંગે સુધારાઓ કરવાં માટેની છેલ્લી તક છે.
ખાસ કરીને સપ્ટેમ્બર 2026માં, FY 2025-26 પૂર્ણ થયા બાદ હવે કરદાતાએ પોતાના સમગ્ર નાણાકીય વર્ષના GST recordsનું reconciliation શરૂ કરી દેવું જોઈએ. Quarter–2ની આસપાસની return filing પ્રક્રિયા દરમિયાન નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
- વેચાણમાં કોઈ invoice છૂટી ગયું છે કે વધુ જતું રહ્યું છે?
ધંધાકીય ચોપડામાં થયેલા sales અને GSTR-1માં દર્શાવેલા વેચાણની સરખામણી કરવી જોઈએ અને ઓનલાઈન ભરેલ રીટર્નના અંકડા સાથે તેને મેળવી લેવું જોઈએ.
- GSTR-3B અને GSTR-1નું reconciliation
ઘણા કરદાતાઓમાં Books, GSTR-1 અને GSTR-3B વચ્ચે નાના-મોટા તફાવતો જોવા મળે છે. આ બાબતે કોઈ તફાવત હોય તો તેનું કારણ તપાસી Q-૨ ના આ રીટર્નમાં સુધારી લેવું જોઈએ.
- Input Tax Creditની પણ સંપૂર્ણ ચકાસણી
માત્ર sales reconciliation પૂરતું નથી. ITC reconciliation પણ એટલું જ મહત્વનું છે. કરદાતાએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં મળવા પાત્ર ક્રેડીટ યોગ્ય રીતે ઓનલાઈન ભરવામાં આવેલ GSTR 3B દ્વારા મેળવી છે કે નહિ તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. જો આમાં કોઈ તફાવત ધ્યાને આવે તો તેનું કારણ તપાસી તેનું યોગ્ય રીપોર્ટીંગ Q-૨ ના રીટર્ન માં કરી આપવું જોઈએ.
- 30 નવેમ્બર પહેલાં action કેમ જરૂરી?
30 નવેમ્બર 2026 પછી FY 2025-26ની કેટલીક ભૂલો સુધારવાની સમયમર્યાદા સમાપ્ત થતી હોય છે. ત્રિમાસિક રીટર્ન ભરતાં કરદાતાઓ માટે Q-૨ નું રીટર્ન ૩૦ નવેમ્બર પહેલાનું છેલ્લું રીટર્ન હોય સમયસર જી.એસ.ટી. રીટર્ન ભરતાં કરદાતાઓ માટે ૩૦ નવેમ્બર કરતા ક્વાટર ૨ નું આ રીટર્ન વધુ મહત્વનું બની જાય છે.
ટેક્સ વ્યવસાયિકો માટે પણ આ રીટર્ન બને છે અતિ મહત્વનું
જી.એસ.ટી. પ્રેક્ટીસ કરતા એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉનટન્ટ, ટેક્સ પ્રેક્ટીશનર્સ માટે આ Q૨ નું રીટર્ન ખુબ મહત્વનું બની જાય છે. અગાઉના નાણાકીય વર્ષમાં કરદાતા, એકાઉનટન્ટ, પોતાના સ્ટાફ કે પોતાનાથી થયેલ ભૂલ નિવારવા માટે પણ આ રીટર્ન મહત્વનું છે. સામાન્ય રીતે ઇન્કમ ટેક્સ ઓડીટમાં કે ઇન્કમ ટેક્સ રીટર્ન ભરવા સમયે અમુક કલેરીકલ કે ટેકનીકલ ભૂલો ધ્યાને આવતી હોય છે જે આ રીટર્નમાં સુધારી લેવી જરૂરી છે. જી.એસ.ટી. હેઠળ વાર્ષિક રીટર્નના ઓટો પોપ્યુલેટેડ ડેટા આ ભૂલ ગોતવાની કામગીરીમાં ખુબ ઉપયોગી સાબિત થતા હોય છે પરંતુ જી.એસ.ટી. પોર્ટલ પર વાર્ષિક રીટર્ન શરૂ કરવામાં ખુબજ વિલંબ થતો હોય છે. જેથી ટેક્સ પ્રોફેશનલ્સએ મહેનત કરી કોઈ કલેરીકલ કે ટેકનીકલ ભૂલ રહી ગઈ નથી તે જોવું ખુબ જરૂરી બની જાય છે.
તેથી QRMP હેઠળના કરદાતાઓએ Quarter–2ની આસપાસ જ પોતાના વેચાણ, ITC, GSTR-1 અને GSTR-3Bનું સંપૂર્ણ ચકાસણી કરવી જોઈએ. આ ચકાસણીમાં કોઈ ભૂલ જણાય તો Q-૨ ના રીટર્નમાં આ ભૂલો સુધારી નાંખવી જોઈએ. એક ટેક્સ પ્રોફેશનલ તરીકે હું વ્યક્તિગત રીતે માનું છુ કે જ્યાં સુધી આ ચકાસણી સંપૂર્ણ પણે થઇ નાં જાય ત્યાં સુધી લેઇટ ફી ભરવાંણી તૈયારી સાથે Q૨ નું રીટર્ન ચકાસણી બાદ જ ભરવું જોઈએ. હા, B2B વેચાણ કરતા કરદાતાઓ માટે GSTR૧ ના ભરવાથી વધુ મુશ્કેલી આવી શકે છે તે વાતની નોંધ લેવી પણ જરૂરી છે.
“GSTમાં 30 નવેમ્બર પહેલાં FY 2025-26ના તમામ વેચાણ અને ITCના હિસાબની છેલ્લી વખત ગંભીરતાથી ચકાસણી કરી લો—કારણ કે ભૂલ શોધવી સરળ છે, પરંતુ સમયમર્યાદા પૂરી થયા પછી તેને સુધારવાની તક હંમેશા સરળ રહેતી નથી.”
