જી. એસ. ટી. કાયદા હેઠળ રદ થયેલ નોંધણી નંબર પુન:ર્જીવિત કરતા કરદાતાને રાહત આપતા ચુકાદા અંગે વાંચો આ વિશેષ લેખ

Spread the love
Reading Time: 4 minutes

 

 

ધવલ એચ. પટવા

એડવોકેટ-સુરત.

 

હાલમાં જ માનનીય નાણામંત્રીશ્રી નિર્મલાસીતારમણે આપેલ એક નિવેદન મુજબ જી. એસ. ટી. કાયદો હજુ પાંચ વર્ષની ઉંમરનું બાળક છે જે સૂચવે છે કે જી. એસ. ટી. કાયદા ને પરિપક્વ થવા માટે હજુ ઘણો સમય બાકી છે. આજ નિવેદન ને યથાર્થ ઠરાવતા તથા જી. એસ. ટી. કાયદાની જોગવાઈઓને કાયદાના મૂળભૂત હેતુ સાથે તર્કસંગત બનાવતા અનેક ચૂકાદાઓ જુદી જુદી હાઇકોર્ટો તરફથી આપણને મળી રહ્યા છે જે પૈકી જી. એસ. ટી. કાયદા હેઠળ રદ થયેલા નોંધણી નંબરને પુનર્જીવિત કરતાં કેટલાક અર્થપૂર્ણ મહત્વના ચૂકાદાઓને  સમજવાનો આપણે અહી પ્રયત્ન કરીએ :

૧ ) જે. જયક્રિષ્નન વિ. એડિશનલ ચીફ સેક્રેટરી/કમિશનર ઓફ કમર્શિયલ ટેક્ષીસ (મદ્રાસ હાઇકોર્ટ –W.P.No.૧૩૪૦૬/૨૦૨૨ )

આ કેસમાં અરજદારને જી. એસ. ટી. ડીપાર્ટમેન્ટ તરફથી જી. એસ. ટી. કાયદા હેઠળ રિટર્ન ન ભરવા બાબતે નોંધણી નંબર રદ કેમ ન કરવો તેવી કારણ દર્શક નોટિસ આપવામાં આવી હતી જેના જવાબમાં અરજદારે પોતાની નાદુરસ્ત તબિયત તથા નાણાકીય તંગી હોવાનું કારણ રજૂ કર્યું હતું. જે નામંજૂર રાખતા જી. એસ. ટી. ડિપાર્ટમેન્ટે અરજદારનો નોંધણી નંબર રદ કરતો આદેશ પસાર કરેલ હતો. આ આદેશની સામે અરજકર્તાએ કમિશ્નરને અપીલ દાખલ કરેલ હતી પરંતુ સદર અપીલ જી. એસ. ટી. કાયદાની કલમ ૧૦૭(૧) તથા (૪) માં જણાવેલ સમયમર્યાદામાં દાખલ ન કરવાના કારણસર કમિશનરે નામંજૂર કરેલ હતી.

આ આદેશ સામે અરજદારે મદ્રાસ હાઇકોર્ટમાં રિટ દાખલ કરેલ હતી. આ રિટની સુનાવણી દરમ્યાન માનનીય મદ્રાસ હાઇકોર્ટે નોંધ્યું કે જી. એસ. ટી. કાયદાનો મૂળભૂત હેતુ જે કરદાતા માલ કે સેવાનો સપ્લાય કરે છે તેમની પાસે વેરો વસૂલ કરવાનો છે. વેરો ભરવાની તથા કાયદાકીય જોગવાઈઓનો પાલન કરવાની શરતે માન્ય વેપાર તથા ધંધો કરવાની કરદાતાને મંજૂરી આપવી જોઈએ. આ કેસમાં હાઇકોર્ટે ઠરાવ્યું કે અરજદારને કાયદા હેઠળ ભરવાપાત્ર બાકી વેરો તથા વ્યાજ ભરી નિયમિત થઈ શકે તે માટેની એક તક આપી તેનો નોંધણી નંબર પુનર્જીવિત કરી આપવો જોઈએ. વધુમાં કોર્ટે એવું સૂચન કર્યું કે સત્તાધિકારીએ કેસના ગુણ દોષ જોઈને કારણદર્શક નોટિસ આપી પેનલ્ટી લેવી જોઈએ તથા કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારે જરૂરી જણાય તો પેનલ્ટી લેવા અંગે નિયમોની જોગવાઈમાં જરૂરી સુધારો કરવો જોઈએ કે જેથી અન્ય કેસોમાં પણ ગુનાની ગંભીરતાને અનુરૂપ પેનલ્ટી લઈ શકાય.

આમ, ઉપરોક્ત ચુકાદામાં માનનીય મદ્રાસ હાઇકોર્ટે અરજદારને ૪૫ દિવસમાં બાકી રિટર્ન વેરો, વ્યાજ તથા પેનલ્ટી અને લાગુ પડતી લેટ ફી સાથે ભરી દેવા તથા વેરા શાખ મેળવવા માટેની કેટલીક કડક શરતો સાથે નોંધણી નંબર પુનર્જીવિત કરવા માટે આદેશ પસાર કર્યો.


૨) કોલાપુડી ઈનોચ વોશિંગ્ટન ઈનેક્ષલ ડિજિટલ વિ. એડિશનલ કમિશનર (જી. એસ. ટી. એન્ડ સેન્ટ્રલ ટેક્ષ ) બેંગલોર. (કર્ણાટક હાઇકોર્ટ – W.P.No.૨૧૨૬૯/૨૦૨૨ )

આ કેસમાં અરજદાર પોતાના ઓડિટરના મૃત્યુના કારણે રિટર્ન તથા રિટર્ન મુજબ ભરવાપત્ર વેરો સમયસર ભરી શક્યા ના હતા. જેને કારણે ડીપાર્ટમેન્ટ તરફથી શો કોઝ નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ પરંતુ અરજદારની રજૂઆત મુજબ આ શો કોઝ નોટિસ મેઈલમાં સ્પામ ફોલ્ડરમાં હોય મળેલ ના હતી અને તેને કારણે આ નોટિસનો જવાબ રજૂ કરી શક્યા ન હોવાથી ડિપાર્ટમેન્ટે નોંધણી નંબર રદ કરવાનો  આદેશ કરેલ હતો.

આ આદેશ સામે પણ નિયત સમયમર્યાદામાં અપીલ દાખલ કરવામાં આવેલ ના હતી જેના માટે પણ અરજદારે અપીલ તબક્કે કારણ જણાવેલ હતું કે ઓડિટરના મૃત્યુને કારણે અરજદારને શો કોઝ નોટિસ કે અન્ય કાયદાકીય કાર્યવાહી કે નંબર રદ કરવાના આદેશ બાબતે જાણ હતી નહીં જેથી અપીલ દાખલ કરવામાં વિલંબ થયેલ હોઇ આ વિલંબને જતો કરી અપીલ દાખલ કરવી જોઈએ પરંતુ અપીલ અધિકારીએ પોતાને અપીલ દાખલ કરવા માટેના વિલંબને જતો કરવા માટે સત્તા ન હોઇ અપીલ નામંજૂર કરી જેની સામે અરજદારે કર્ણાટક હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરેલ હતી.

માનનીય કર્ણાટક હાઇકોર્ટને બંધારણના આર્ટીકલ ૨૨૬ હેઠળ મળેલ સત્તાનો ઉપયોગ કરી રિટ દાખલ કરી અપીલ દાખલ કરવા માટે થયેલ વિલંબને જતો કરવાની અરજ કરવામાં આવી. જે અંગે માનનીય કર્ણાટક હાઇકોર્ટે ઓડિટરના મૃત્યુ જેવા વાજબી તથા ટાળી ન શકાય એવા સંજોગોને કારણે  અરજદાર રિટર્ન, રિટર્ન મુજબનો વેરો ભરી શક્યા ન હોય કે અપીલ દાખલ કરવામાં નિયત સમય કરતાં વિલંબ થયો હોય તો ન્યાયિક તથા માનવીય અભિગમ અપનાવી નોંધણી નંબર પુનર્જીવિત કરવો જોઈએ એવો અભિપ્રાય આપી નોંધણી નંબર પુનર્જીવિત કરવાનો આદેશ આપ્યો.


૩) એસએમએસ ઇન્ફ્રાસ્ટ્રકચર વિ. યુનિયન ઓફ ઈન્ડિયા (W.P.No.૮૭૪૭/૨૦૨૨) :

આ કેસમાં અરજદારે પોતાનો નોંધણી નંબર રદ કરતાં આદેશ સામે અપીલ કરેલ હતી જેને જી. એસ. ટી. કાયદાની કલમ ૩૦ ની જોગવાઈ મુજબ રિવોકેશનની અરજી ન કરવાના કારણસર નામંજૂર કરવામાં આવી હતી. અપીલ નામંજૂર કરતાં આદેશમાં નોંધવામાં આવ્યું હતું કે અપીલ કાયદા મુજબ ટકી શકે તેમ છે પરંતુ નોંધણી નંબર રદ કરતાં આદેશ સામે કલમ ૩૦ ની જોગવાઈ મુજબ નોંધણી નંબર રદ કરવાના આદેશની સામે આદેશ મળ્યા ના ૩૦ દિવસમાં રિવોકેશનની અરજી કરવાનો વિકલ્પ હોવા છતાં રિવોકેશન ની અરજી કરેલ ન હોવાથી અપીલ નામંજૂર કરવામાં આવે છે.

માનનીય બોમ્બે હાઇકોર્ટે આ કેસમાં અપીલ આદેશ સેટ અસાઇડ કરતાં જણાવ્યું કે જી. એસ. ટી. કાયદાની કલમ ૧૦૭ માં કોઈ જગ્યાએ એમ જણાવવામાં નથી આવ્યું કે નોંધણી નબર રદ કરતાં આદેશની સામે અપીલ કરતાં પહેલા કલમ ૩૦ હેઠળ રિવોકેશનની અરજી કરેલ હોવી જોઈએ . આ સાથે ડિપાર્ટમેન્ટને દિશાનિર્દેશ આપતા હાઇકોર્ટે કેસના ગુણ દોષને આધારે નિર્ણય લેવા ઠરાવ્યું. આ સાથે હાઇકોર્ટે કોઈપણ આદેશ પસાર કરવાનાં ૭ દિવસ પહેલા અરજદારને  સુનાવણીની તક આપી તથા જો અરજદાર કોઈ વધારાના ડોક્યુમેન્ટ રજૂ કરવા માંગતા હોય તો સુનાવણીના  ૩ દિવસમાં રજૂ કરવા તથા જે તે ડોક્યુમેન્ટ્સ તથા લેખિત નિવેદનો ને ધ્યાન માં લઈ આદેશમાં લેવાયેલ નિર્ણયોનો  વિગતવાર કારણો જણાવતો (well reasoned order) આદેશ પસાર કરવા જણાવ્યું.

આમ, ઉપરોક્ત ચુકાદા ઑ જોતાં એમ કહી શકાય કે અધિકારીએ કોઈપણ કાર્યવાહીમાં સત્તાની ઉપરવટ જઈ આદેશ ન કરતાં સત્તાના વ્યાપમાં રહી કાયદાના હેતુઓને તર્કસંગત તથા માનવીય વલણ અપનાવી આદેશ પસાર કરવો જોઈએ પછી તે નોંધણી નંબર ઇસ્યુ કરવાની કાર્યવાહી હોય, રિટર્ન સ્ક્રૂટીનીની કાર્યવાહી હોય, ઓડિટ ની કાર્યવાહી હોય કે પછી નોંધણી નંબર રદ કરવાની કાર્યવાહી હોય.

(લેખક સુરત ખાતે ડાયરેક્ટ અને ઇંડાયરેક્ટ ટેક્સ હેઠળ પ્રેક્ટિસ કરતાં નામાંકિત ટેક્સ એડવોકેટ અને લેખક છે)

error: Content is protected !!