તારીખ પે તારીખ!!! લો આવી હજુ એક તારીખ… 15 સપ્ટેમ્બર સુધી ઇન્કમ ટેક્સ પોર્ટર્લ દુરુસ્ત કરવા ઈન્ફોસિસને તાકીદ
નાણાંમંત્રી તથા ઈન્ફોસિસના MD વચ્ચેની મૂલકતમાં નાણાં મંત્રીએ પોર્ટલની ક્ષતિઓ બાબતે દર્શાવી નારાજગી
તા. 24.08.2021: નવા ઇન્કમ ટેક્સ પોર્ટલને લોન્ચ થયે અઢી મહિના જેવો સમય થઈ ગયો હોવા છતાં કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સ આ પોર્ટલના ઉપયોગમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. નવા પોર્ટલ ઉપર અનેક ટેકનિકલ ક્ષતિઓની કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સ સતત ફરિયાદ કરી રહ્યા છે. આ બાબતે નાણાંમંત્રી નિર્મલા સિથારમણ દ્વારા ઈન્ફોસિસના MD સલિલ પારેખને 23 ઓગસ્ટના રોજ મળવા બોલાવ્યા હતા. આ મિટિંગ બાદ આ મિટિંગના નિર્ણય બાબતે જે આધિકારિક પ્રેસ વિજ્ઞપ્તિ બહાર પાડવામાં આવી છે તેમાં કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સ માટે વધુ એક તારીખ નાંખવામાં આવી છે. નાણાંમંત્રીએ ઈન્ફોસિસને 15 સપ્ટેમ્બર સુધી IT પોર્ટલને દુરુસ્ત કરવા તાકીદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારે અગાઉ પણ ઈન્ફોસિસને મુદત આપવામાં આવી હતી પણ જેનું ખાસ કોઈ પરિણામ આવ્યું ના હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે ઇન્કમ ટેક્સ હેઠળ ઘણા કરદાતાઓના રિટર્ન ભરવાની મુદત 30 સપ્ટેમ્બરે પૂર્ણ થાય છે. આમ, કદાચ ઈન્ફોસિસ 15 સપ્ટેમ્બરની ડેડલાઇનનું પાલન કરી પોર્ટલ દુરુસ્ત કરી આપે તો પણ કરદાતાનો ઘસારો મોટા પ્રમાણમા પોર્ટલ ઉપર જોવા મળે તેવી સંભાવના છે. જોકે જાણકારો માની રહ્યા છે કે ઈન્ફોસિસની ભૂલના કારણે 30 સપ્ટેમ્બરની મુદતમાં વધારો જાહેર કરી આપવામાં આવશે. જો કે આ પ્રકારે જ્યારે વધારા અંગે જાહેરાત કરવામાં આવશે ત્યારે આ મુદત વધારાનું કારણ તો કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સની સરળતા માટેનું જાહેર કરવામાં આવશે અને પોર્ટલની ખામીઓ અંગે કોઈ ઉલ્લેખ કરવામાં નહીં આવે તેવું પણ ટેક્સ પ્રોફેશનલ્સનો બહુ મોટો વર્ગ માની રહ્યો છે.
ઈન્ફોસિસના MD દ્વારા નાણાંમંત્રીને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તેઓ આ ક્ષતિઓ બાબતે સંવેદનશીલ છે અને ઈન્ફોસિસની તેમના COO પ્રવીણ રાવ સહિત 750 જેટલા નિષ્ણાંતોની ટિમ પોર્ટલની ક્ષતિઓ દૂર કરવા સતત પ્રયત્નશીલ છે. ઈન્ફોસિસ જેવી દિગ્ગજ કંપનીની જ્યારે આટલી મોટી ટિમ કોઈ કામ કરી રહી હોય ત્યારે આ પ્રમાણે ટેકનિકલ ગ્લિચ રહેતા જાણકારો આશ્ચર્ય અનુભવી રહ્યા છે. ક્યાક ક્ષતિઓ પાછળ ઇન્કમ ટેક્સના ડિપાર્ટમેંટની ટેકનિકલ ટિમની ભૂલો હોવાનું પણ ટેક્સ પ્રોફેશનલ્સ વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.