ખોટી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લઈ કરચોરી આચારનાર આરોપીને આપવામાં આવ્યા આગોતરા જામીન

Spread the love
Reading Time: 2 minutes

જી.એસ.ટી. હેઠળ કરચોરીના આરોપીને આગોતરા જમીન મળ્યા હોય તેવા જૂજ કિસ્સાઓ બને છે. 

તા. 19.07.2021: જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી ટેક્સચોરી પકડવીએ સેન્ટરલ અને સ્ટેટ જી.એસ.ટી. માટે સૌથી મોટી સમસ્યા બની રહી છે. આવા જ એક કિસ્સામાં કરદાતાને ત્યાં મોરબી ખાતે સેન્ટરલ જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ બાદ આરોપી તથા તેના પિતા ઉપર મોટી ટેક્સ ચોરીના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આરોપીના પિતાની પૂછપરછ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી કોઈ પણ રીતે ધરપકડથી બચી ત્યાંથી પલાયન થઈ જવામાં સફળ થયા હતા. આરોપી વતી તેમના વકીલ શ્રી અપૂર્વ મહેતા દ્વારા આગોતરા જામીન અરજી રાજકોટ સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી. આરોપી વતી તેમના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે તેમના અસીલ જે પેઢીના ભાગીદાર હતા તે પેઢી ઉપર માત્ર 32 લાખ જેવી ટેક્સ ચોરીનો આક્ષેપ ડિપાર્ટમેંટ દ્વારા કરવામાં આવ્યો છે. અન્ય પેઢીઓ કે જેમના ઉપર મોટી કરચોરીનો આક્ષેપ કરવામાં આવ્યો છે તેમની સાથે તેમના અસીલના કોઈ લેવાદેવા નથી. રૂપિયા 1 કરોડથી ઓછી કરચોરી કરવામાં આવી હોય તો જી.એસ.ટી. કાયદાની કલમ 132 લાગુ પડે નહીં. આરોપીના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ એમ પણ રજૂઆત કરવામાં આવી હતી કે તેમના અસીલ ભૂતકાળમાં કોઈ પણ ગુનાહિત ઇતિહાસ નથી. આ ઉપરાંત કરચોરીની તપાસમાં જરૂરી તમામ સાહિત્યો જી.એસ.ટી. ડિપાર્ટમેંટ પાસે જ છે અને તેમાં તેમના અસીલની ધરપકડ કરવાની કોઈ જરૂર રહેતી નથી. તેઓ દ્વારા એમ પણ રજૂઆત કરવામાં આવી હતી કે તેમના અસીલએ મોરબીના રહીશ છે અને તેઓ ભાગી જાય તેવી કોઈ શક્યતા રહેતી નથી. તેઓના અસીલ તપાસમાં પૂર્ણ સહકાર આપશે તેવી બાહેધરી પણ તેમના દ્વારા આપવામાં આવી હતી. કરદાતાના વકીલે પોતાની દલીલોના સમર્થનમાં વિવિધ ચૂકાદાઓ પણ ટાંકવામાં આવ્યા હતા. આ દલીલો સામે સેન્ટરલ જી.એસ.ટી. વતી ઉપસ્થિત થતાં વકીલ દ્વારા આગોતરા જામીનનો વિરોધ કરવામાં આવ્યો હતો અને રજૂઆત કરી હતી કે કરદાતાની મિલીભગત દ્વારા આચરવામાં આવેલ કરચોરી 18.04 કરોડ જેટલી મોટી છે. બન્ને પક્ષોની દલીલ સાંભળી કોર્ટ દ્વારા આરોપીની આગોતરા જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી. જોકે આ જામીન મંજૂર કરવા સાથે 15000 ની સ્યોરિટી, 15000 નો વ્યક્તિગ્ત બોન્ડ આપવા જણાવવામાં આવ્યું હતું. આરોપી તપાસમાં સહકાર આપશે અને પોતાનો પાસપોર્ટ જમા કરવી કોર્ટની પરવાનગી વગર દેશ છોડી શકશે નહીં તેવી શરતો લાદવામાં આવી હતી.

સામાન્ય રીતે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 438 હેઠળ જૂજ કેસોમાં આગોતરા જામીન આપવામાં આવતી હોય છે. આ કેસમાં કેસના તથ્યોને યોગ્ય રીતે કોર્ટ સમક્ષ રજૂ કરી પોતાની ધારદાર દલીલોના કારણે રાજકોટના જાણીતા વકીલ અપૂર્વ મહેતા સફળ રહ્યા હતા. ટેક્સચોરી કરનારને યોગ્ય સજા થાય તે જરૂરી છે પણ એટલું જ જરૂરી એ પણ છે કે કોઈ નિર્દોષ વ્યક્તિ સખત જોગવાઇઓનો ભોગ ના બને. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!