જી.એસ.ટી. હેઠળ કરવામાં આવેલ અરજી થઈ છે “લાપતા”!!
કરદાતા દ્વારા કરવામાં આવેલ અરજી નથી દર્શાવી રહી અધિકારીના લૉગિનમાં!!
તા. 20.01.2023: જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી જી.એસ.ટી. પોર્ટલ બાબતે ફરિયાદો સતત ઉઠતી રહી છે. છેલ્લા ઘણા સમયથી પોર્ટલ સામાન્ય રીતે ખૂબ સારી રીતે ચાલે છે તે બાબત પણ સ્વીકારવી જરૂરી છે. પરંતુ હજુ અમુક કિસ્સાઓમાં જી.એસ.ટી. પોર્ટલની ખામીઓ કરદાતાને મુશ્કેલીમાં મૂકી આપતી હોય છે. આવો એક આશ્ચર્યજનક કિસ્સો એક કરદાતાના કેસમાં હાલ બની રહ્યો છે. કરદાતાનો જી.એસ.ટી. નંબર કોઈ ત્રુટિના કારણે જી.એસ.ટી. વિભાગ દ્વારા રદ્દ કરવામાં આવ્યો હતો. જી.એસ.ટી. કાયદાની જોગવાઈ મુજબ આ ત્રુટિ દૂર કરી કરદાતા દ્વારા જી.એસ.ટી. નંબર પુનઃસ્થાપિત (રિસ્ટોર) કરવા રિવોકેશન અરજી કરવામાં આવી હતી. 22 ડિસેમ્બર 2022 ના રોજ આ અરજી કરવામાં આવી હતી અને કરદાતાને આ અરજી સ્વીકાર્યા બાબતે ARN (એકનોલેજમેંટ રેફરન્સ નંબર) ફાળવવામાં આવ્યો હતો. આ અરજી બાબતે જી.એસ.ટી. વિભાગ દ્વારા કોઈ પ્રત્યુત્તરના આવતા, કરદાતાના વકીલ દ્વારા જી.એસ.ટી. ડિપાર્ટમેંટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ નોંધણી દાખલો સેંટરલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગમાં પડતો હોય કરદાતાના વકીલ દ્વારા આ ઓફિસમાં તપાસ કરતાં તેઓને જણાવવામાં આવ્યું કે આ ARN વાળી કોઈ અરજી તેઓના અધિકારીના લૉગિનમાં નથી. સેંટરલ અને સ્ટેટ જી.એસ.ટી. વિભાગ વચ્ચે ક્યારેક આ પ્રકારે અરજીની અદલાબદલી થઈ જતી હોય છે તે શક્યતા વિચારી કરદાતાના વકીલશ્રી રાજ્ય જી.એસ.ટી. ઓફિસમાં પણ આ અરજી બાબતે તપાસ કરવા ગયા. પરંતુ રાજ્ય જી.એસ.ટી. અધિકારીશ્રીના લૉગિનમાં પણ આ અરજી દર્શાવતી ના હોવાના જવાબ મળ્યા. આ અંગે ફરિયાદ નોંધાવવા કરદાતાના વકીલશ્રીએ જી.એસ.ટી. પોર્ટલ ઉપર આ અરજી ગુમશુંદા હોવાની ફરિયાદ કરી. જી.એસ.ટી. પોર્ટલ દ્વારા કરદાતાને આ ફરિયાદના નિકાલ કરતાં જણાવવામાં આવ્યું કે તમારી અરજી સેંટરલ જી.એસ.ટી. ના અધિકારી પાસે પડેલ છે. તેઓ દ્વારા આ અરજી સંદર્ભે તમને કોઈ જાણ કરવામાં આવે તેની રાહ જુઓ. ફરિયાદ નિકાલ કરતાં આ ઇ મેઈલ માં એમ પણ જણાવવામાં આવ્યું છે કે જો જી.એસ.ટી. અધિકારીને કોઈ તકલીફ હોય તો તેઓને જી.એસ.ટી. “બેકેન્ડ ટિમ” ને વિગતો સાથે ગ્રીવન્સ કરવા જણાવશો!! આ ઇ મેઈલ માં કરદાતાના ધૈર્ય માટે જી.એસ.ટી. પોર્ટલ દ્વારા આભાર પણ માનવમાં આવ્યો છે!!! પણ કરદાતા ધૈર્ય ના રાખે તો કરી શું શકે?? કરદાતાના એડવોકેટ દર્શિતભાઈ શાહ, અમદાવાદ જણાવે છે કે “જી.એસ.ટી. રિવોકેશનની અરજી કરી હોવા છતાં કોઈ પણ અધિકારીના લૉગિનમાં આ દર્શાવતીના હોય, કરદાતાનો જી.એસ.ટી. નંબર જે જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા રદ્દ કરી આપવામાં આવ્યો છે તે પુનઃજીવિત થઈ શકતો નથી. જી.એસ.ટી. નોંધણી દાખલો ના હોવાના કરને કરદાતા પોતાનો ધંધો કરી શકતા નથી. જી.એસ.ટી. પોર્ટલની ટેકનિકલ ખામીના કારણે વેપારીને ધંધાનું તથા દેશને ટેક્સની આવકનું નુકસાન થઈ રહ્યું છે. વેપારીને આ પ્રકારની ટેકનિકલ ખામીના કારણે સહન કરવાનો વારો આવી રહ્યો છે”.
આ પ્રકારની ટેકનિકલ ખામીઓ બાબતે અવારનવાર ફરિયાદો ઉઠતી રહેતી હોય છે. જી.એસ.ટી. ગ્રીવન્સના રિસ્પોન્સ બાબતે પણ ફરિયાદો સાંભળવા મળતી હોય છે. આ અરજી અને આ પ્રકારની અન્ય તકલીફો બાબતે કરદાતાને પડતી હેરાનગતિ સમજી આ નિવારવા કોઈ ચોક્કસ અને ઠોસ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.