જી.એસ.ટી. હેઠળ રજીસ્ટ્રેશન માટે શરૂ કરવામાં આવી છે “બાયોમેટ્રિક” પદ્ધતિ: કરચોરી રોકવામાં થશે મદદરૂપ કે માત્ર કરદાતાઓ માટે વધેશે ધરમધક્કા??
રાજ્યમાં 12 “બાયોમેટ્રિક” કેન્દ્રો જાહેર કરવામાં આવ્યા. નવા નંબર મેળવવા કરદાતાએ વ્યક્તિગત રીતે જવું પડશે આ શહેરોમાં વેરિફિકેશન માટે
તા: 25.09.2023: જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી જી.એસ.ટી. ડિપાર્ટમેંટ માટે બોગસ નોંધણી દાખલા સૌથી મોટી સમસ્યા બની રહી છે. આ સમસ્યાને નાથવા સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે પરંતુ આ સમસ્યાનો અંત આવવાનું નામ લેતી નથી. હવે આ બોગસ નોંધણી દાખલા આપવા અટકાવવા એક નવી પદ્ધતિ લાગુ કરવામાં આવી રહી છે. આ પદ્ધતિ અનુસાર નવા જી.એસ.ટી. નંબર માટે અરજી કરતાં કરદાતાએ નોંધણી દાખલો મેળવવાની વિધિના ભાગરૂપે “બાયોમેટ્રિક વેરિફિકેશન” કરાવવું જરૂરી બની જશે. આ “બાયોમેટ્રિક વેરિફિકેશન” માટે હાલ ગુજરાત રાજ્ય જી.એસ.ટી. દ્વારા 12 સ્થળોએ જી.એસ.ટી. સુવિધા કેન્દ્રની પસંદગી કરવામાં આવી છે. આ 12 સ્થળોમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાલનપુર, વડોદરા, ગોધરા, સુરત, વાપી, ગાંધીધામ, રાજકોટ, જુનાગઢ તથા ભાવનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતભરના કરદાતાઓએ પોતે નવા નોંધણી દાખલા મેળવવા માટે અરજી કરેલ હશે તો તેઓએ વ્યક્તિગ્ત રીતે આ સ્થળો ઉપર જઇ પોતે આપેલ હોય તેવા ધંધાકીય પુરાવાઓનું “બાયોમેટ્રિક વેરિફિકેશન” કરાવવાનું રહેશે. કરદાતાએ પોતાના પસંદગીના સમય પ્રમાણે આ સ્થળો ઉપર જવાનું રહેશે “વેરિફિકેશન” કરાવવાનું રહેશે. હા, કરદાતાએ પોતાને મેસેજમાં તથા ઇ મેઈલમાં જણાવવામાં આવ્યું હોય તે સ્થળ ઉપર જ આ વિધિ માટે જવાનું રહેશે. TRN માં દર્શાવેલ હોય તે સમયમર્યાદા સુધીમાંજ આ વિધિ કરદાતાએ પૂર્ણ કરવાની રહેશે. આ પદ્ધતિ કેટલી સફળ નીવડશે એ બાબતે વાત કરતાં ટેક્સ ટુડે એક્સપર્ટ લલિત ગણાત્રા જણાવે છે કે “રાજ્ય જી.એસ.ટી. દ્વારા જે 12 સ્થળોએ બાયોમેટ્રિક વેરિફિકેશન શરૂ કરવાની જાહેરાત થયેલ છે તે મારા મત પ્રમાણે માત્ર સ્ટેટ જી.એસ.ટી. માં પડતી હોય તેવી અરજી નેજ લાગુ પડશે તેવું હું માનું છું. આ સિવાય કોઈ અરજી સેન્ટરલ જી.એસ.ટી. માં પડતી હોય તો તેના માટે હજુ સેંટરલ ડિપાર્ટમેંટ તરફથી ખુલાસો આવે તેવી સંભાવના છે. આ પદ્ધતિના કારણે દૂર નાના નાના શહેરો અને ગામડાઓના કરદાતાઓએ દૂર સુધી ધક્કા ખાવા પડશે તે ચોક્કસ લાગી રહ્યું છે. ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસથી વિરુદ્ધ આ પદ્ધતિ સાબિત થઈ શકે છે તેવું હાલ લાગી રહ્યું છે”. સ્ટેટ જી.એસ.ટી. ડિપાર્ટમેંટના વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવા નોંધણી દાખલો લેવા માટે અરજી કરેલ હોય તેવા કરદાતાએ આ બાયોમેટ્રિક વેરિફિકેશન માટે રૂબરૂ પોતે જે અરજી કરેલ હોય તે ક્ષેત્રાધિકાર હેઠળના વેરિફિકેશન સ્થળ ઉપર જ રૂબરૂ જવાનું રહશે. પરંતુ તમામ પ્રકારના કરદાતાઓ માટે આ પદ્ધતિ દ્વારા વેરિફિકેશન ફરજિયાત નહીં હોય પરંતુ રિસ્ક બેઇઝ પેરામીટર પર રિસ્કી ગણાય તેવા કરદાતા માટે જ આ પદ્ધતિ લાગુ રહેશે. જો કે આ બાબતે જી.એસ.ટી. ડિપાર્ટમેંટ તરફથી ખુલાસાઓ આવે તે જરૂરી છે.
આ પદ્ધતિ કરચોરી રોકવામાં કેટલી કારગર સાબિત થાય છે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ એક બાબત ચોક્કસ છે કે હાલ નવા નોંધણી દાખલા મેળવવા અરજી કરતાં કરદાતાઓએ ખાસ કરીને આ 12 સ્થળો પર રહેતા કરદાતા સિવાયના કરદાતાઓએ દૂર જવાની તૈયારી રાખવાની રહેશે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે