બજેટ 2022: જી.એસ.ટી. હેઠળના મહત્વના પ્રસ્તાવ જે જાણવા છે તમારા માટે ખૂબ જરૂરી

Spread the love
Reading Time: 4 minutes

બજેટ 2022: જી.એસ.ટી. હેઠળ ઓછા પણ મહત્વના ફેરફારો

તા. 14.02.2022:

નાણાં મંત્રી નિર્મલા સિથારમણ દ્વારા 01 ફેબ્રુઆરી 2022 ના રોજ પોતાનું તથા મોદી સરકાર 2.0 નું ચોથુ બજેટ રજૂ કરવામાં આવ્યું. દેશના ઉત્તર પ્રદેશ સહિત પાંચ મહત્વના રાજ્યમાં ચૂટણી નજીક હોય સામાન્ય રીતે એવું માનવમાં આવી રહ્યું હતું કે આ બજેટમાં અનેક લોક લુભાવનારી જાહેરાતો કરવામાં આવી શકે છે. સામાન્ય રીતે નાણાંમંત્રી આ પ્રકારની સ્થિતિમાં મોટી રાહતો જાહેર કરી ચૂટણીમાં આ જાહેરાતોનો ફાયદો લેવાનો પ્રયાસ જરૂર કરતાં હોય છે. પરંતુ નિર્મલા સીથારમણ દ્વારા ફરી એક વાર તેમની તથા પ્રધાનમંત્રી મોદીની એ “ઇમેજ” સાબિત કરી આપી છે કે તેઓ દેશના હિતમાં કઠોર નિર્ણયો લેવામાં અચકતા નથી. જી.એસ.ટી. હેઠળ પ્રસ્તાવિત બદલાવોમાં સૌથી આવકારદાયક બદલાવ પાછલા વર્ષને લગતી ક્રેડિટ લેવાની, ભૂલ સુધારણા કરવાની સમય મર્યાદા વધારવાના સુધારાને ગણી શકાય. તો તેની સામે ફરી ટેક્સ ક્રેડિટ લેવા ઉપર ફરી નવી શરતો ચોક્કસ પ્રકારના કરદાતાઓ માટે નાંખવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષથી વધુ સમય થઈ થયો હોવા છતાં જી.એસ.ટી હેઠળ કરચોરી ડામવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં આ દૂષણ ડામવામાં જોઈએ તેવી સફળતા મળી નથી. કરચોરી ડામવા માટે ઉઠાવવામાં આવેલ મોટાભાગના પગલાં તો કરચોરીના બદલે કરદાતાઓને ડામી રહ્યા હોય તેવી પ્રતીતિ જમીની સ્તરે થઈ રહી છે. આજના આ લેખમાં જી.એસ.ટી. હેઠળ આ બજેટમાં પ્રસ્તાવિત મહત્વના ફેરફારો વિષે વાત કરીએ:

ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવાની સમય મર્યાદામાં વધારો:

જી.એસ.ટી. હેઠળ કોઈ પણ ઇંવોઇસની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા માટેની સમય મર્યાદા જી.એસ.ટી. કાયદાની કલમ 16(4) હેઠળ સૂચિત કરવામાં આવેલ છે. હાલમાં આ સમયમર્યાદા જે તે વર્ષ પુર્ણ થયા પછીના વર્ષના સપ્ટેમ્બર મહિનાની GSTR 3B ભરવાની મુદત સુધીની છે. ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવાની આ મર્યાદામાં વધારો આ બજેટમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. હવે કરદાતા જે તે વર્ષ પછીના વર્ષના 30 નવેમ્બર સુધી આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવી શકશે. આ સુધારાના કારણે હવે કરદાતાને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરવા વધુ સમય મળશે. આ સુધારો કરદાતાઓ માટે ખૂબ અગત્યનો તથા ફાયદાકારક છે.

કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાઓ માટે વાર્ષિક રિટર્ન ભરવામાં ચૂક થાઈ તો નોંધણી દાખલો રદ કરવાની નવી જોગવાઈ:

જી.એસ.ટી. કાયદા હેઠળ હાલ કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતા સતત ત્રણ રિટર્નના કસૂરદાર હોય તેવા કરદાતા માટે અધિકારી દ્વારા નોંધણી નંબર રદ્દ કરવાની સત્તા અંગેની જોગવાઈ છે. આ જોગવાઈમાં સુધારો પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. આ સુધારા મુજબ હવે કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતા જો કોઈ પણ નાણાકીય વર્ષ માટેનું GSTR 4 માં ભરવાનું થતું વાર્ષિક રિટર્ન મુદત પુર્ણ થયાના ત્રણ મહિના સુધીમાં ના ભારે તો અધિકારી દ્વારા નોટિસ આપી આ નંબર રદ્દ કરી શકશે તેવી જોગવાઈ પ્રસ્તાવિત કરવામાં આવી છે.

 

પાછલા વર્ષના વ્યવહારોની ક્રેડિટ નોટ આપવાની સમય મર્યાદામાં વધારો:

જી.એસ.ટી. કાયદાની કલમ 34(2) હેઠળ વેચનાર વેપારી દ્વારા ખરીદનાર વેપારીને આપવાની થતી ક્રેડિટ નોટ અંગેની સમયમર્યાદા આપવામાં આવી છે. હાલ, આ સમય મર્યાદા જે તે નાણાકીય વર્ષ પછીના સપ્ટેમ્બર મહિનાના GSTR 3B ની મુદત સુધીની છે. આ બજેટમાં આ સમય મર્યાદામાં ફેરફાર સૂચવવામાં આવ્યો છે. સૂચિત જોગવાઈ મુજબ હવે વેચનાર વેપારી ખરીદનારને કોઈ પણ નાણાકીય વર્ષ માટેની ક્રેડિટ નોટ પછીના વર્ષના 30 નવેમ્બર સુધી આપી શકશે. આ સુધારો કરદાતાઓ માટે ફાયદાકારક રહેશે.

 

પાછલા GSTR 1 બાકી હશે તો કરદાતા નહીં ભરી શકે ત્યાર પછીના GSTR 1

GSTR 1 એ કરદાતા માટેનું વેચાણ દર્શાવતુ રિટર્ન છે. હાલ, કોઈ પણ પાછળના મહિનાનું GSTR 1 રિટર્ન ભરવાનું બાકી હોય તો પણ પછીના મહિનાનું GSTR 1 રિટર્ન કરદાતાઓ દ્વારા ભરી શકાય છે. બજેટ 2022 માં આ અંગે ફેરફાર સૂચિત કરવામાં આવ્યો છે. આ ફેરફાર મુજબ હવે કોઈ કરદાતાનું કોઈ જૂનું GSTR 1 ભરવાનું બાકી હશે તો ત્યાર પછીના GSTR 1 તેઓ ભરી શકશે નહીં. જો કે સરકાર આ નિયમમાં કોઈ કરદાતા કે અમુક ખાસ પ્રકારના કરદાતાઓને છૂટછાટ આપી શકે છે તેવી જોગવાઈ પણ કરવામાં આવી છે.  જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી અવાર નવાર ટેક્સ ચોરીના સમાચારો મળતા રહેતા હોય છે. સરકાર દ્વારા આ કરચોરી રોકવા કાયદા, નિયમો તથા સિસ્ટમમાં અનેક આ સુધારા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કરચોરી રોકવાના પ્રયાસમાં જ આ સુધારો પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે.

 

GSTR 2 ની વિધિગત રીતે વિદાય

જી.એસ.ટી. લાગુ થયા તેના મૂળ સ્વરૂપની રિટર્ન પદ્ધતિમાં વેચનાર કરદાતા દ્વારા ભરવામાં આવેલ GSTR 1 માં સુધારો વધારો કરવાની સત્તા ખરીદનાર કરદાતાને આપવામાં આવેલ હતી. આ વ્યવસ્થામાં કરદાતાઓએ જમીની સ્તરે અનેક મુશ્કેલી ભોગવવી પડતી હતી. આ કારણે નાણાકીય વર્ષ 2017 થી જ GSTR 2 ભરવાની વ્યવસ્થા સ્થગિત કરવામાં આવી હતી. હવે બજેટ 2022 માં આ GSTR 2 ની વૈધાનિક જોગવાઈને વિધિગત વિદાય આપવામાં આવી છે. વેચનાર કરદાતા દ્વારા ભરવામાં આવતા GSTR 1 ઉપરથી તૈયાર થતાં GSTR 2B જ હવે GSTR 2 ના સ્થાને મહત્વનું રહેશે. આ GSTR 2 B માં વેચનાર વેપારી દ્વારા ટેક્સ ભરવામાં, અન્ય નિયમોના પાલનમાં કરવામાં આવેલ ચૂક અંગે પણ જાણકારી આપવામાં આવશે.

GSTR 3B માં ભૂલ સુધારવા માટેની સમયમર્યાદામાં વધારો:

જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી રિટર્ન ભરવાની મૂળ પદ્ધતિમાં સૂચવવામાં આવેલ GSTR 3 ના સ્થાને સમરી રિટર્ન GSTR 3B કાર્યરત કરવામાં આવ્યું છે. કરદાતાના ખરીદ-વેચાણ, આઉટપુટ-ઈન્પુટ ટેક્સની વિગત દર્શાવતુ આ મહત્વનુ રિટર્ન છે. જી.એસ.ટી. હેઠળ રિટર્ન રિવાઈઝ કરવા અંગેની કોઈ જોગવાઈ નથી. જી.એસ.ટી. કાયદાની કલમ 39(9) હેઠળ કરદાતા આ GSTR 3B રિટર્ન ભરવામાં કોઈ ક્ષતિ જણાય તો આ ક્ષતિ તેઓ જે તે નાણાકીય વર્ષ પછીના વર્ષના સપ્ટેમ્બર મહિનાના રિટર્નની મુદત સુધી આ સુધારો કરી શકતા હતા. બજેટ 2022 ની સૂચિત જોગવાઈ મુજબ હવે કરદાતાને પાછલા નાણાકીય વર્ષના રિટર્નમાં સુધારો કરવા પછીના વર્ષના 30 નવેમ્બર સુધીની મુદત આપવામાં આવશે. આ સુધારો પણ કરદાતાઓ માટે ફાયદાકારક સુધારો ગણી શકાય.

કરદાતાના કેશ લેજરમાં રહેલ રકમ એક PAN ઉપર લેવામાં આવેલ અન્ય જી.એસ.ટી. નંબર પર તબદીલ કરવાની સગવડ:

જી.એસ.ટી. હેઠળ કેશ લેજર એ કરદાતાનું કરંટ ખાતું જ ગણી શકાય. હાલ આ કેશ લેજરમાં રહેલ રકમ એક ટીન ઉપર CGST SGST IGST માં તબદીલ થઈ શકે છે. હવે આ અંગે વધુ સગવડ કરદાતાઓને આપવામાં આવશે. બજેટ 2022 ની સૂચિત જોગવાઈ મુજબ કરદાતાઓ હવે એક જ PAN ઉપર લેવામાં આવેલ અન્ય જી.એસ.ટી. નંબર (રાજયમાં તથા રાજ્ય બહાર) ઉપર પણ કેશ લેજરમાં રહેલ બેલેન્સ તબદીલ કરી શકશે. આ સુવિધા મળતા કેશ લેજરમાં રહેલ બેલેન્સ માટે રિફંડ અરજીમાં ઘટાડો થશે અને કરદાતાઓ માટે વહીવટી સરળતા વધશે.

બજેટ 2022 માં પ્રસ્તાવિત જી.એસ.ટી. હેઠળની જોગવાઇઓ વિષે સરળ ભાષામાં સમાજ આપવા આ લેખમાં પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અંગે વાંચકોના કોઈ પ્રશ્ન હોય તો તેઓ લેખકનો ઇ મેઈલ દ્વારા સંપર્ક કરી શકે છે.

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા. 14.02.2022 ના રોજ પ્રકાશિત થયેલ છે.)

error: Content is protected !!