બજેટ 2023: Old is Now Not Gold!!!
By Bhavya Popat
તા. 07.02.2023
નાણામંત્રીએ નિર્મલા સિથારમણ દ્વારા 01 ફેબ્રુઆરીના રોજ મોદી સરકાર 2.0 નું કદાચ છેલ્લું બજેટ રજૂ કર્યું ગણાશે. આગામી વર્ષે એટ્લે કે વર્ષ 2024 માં લોકસભાની ચૂટણી યોજવાની હોય, ત્યારે પૂર્ણ બજેટ રજૂ ના કરવામાં આવતા માત્ર “વોટ ઓન એકાઉન્ટ” રજૂ કરવામાં આવતું હોય છે. આમ, મોદી સરકારનો કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ હોય, આ બજેટમાં અનેક લોકલુભાવણી જાહેરાતો થશે તેવી માન્યતા લોકો સેવી રહ્યા હતા. જન સામાન્ય માટે ઇન્કમ ટેક્સના દરોમાં ઘટાડો કરવામાં આવે અને નવા કોઈ વેરો નાંખવામાં આવે એટ્લે તે બજેટને સારું ગણવામાં આવે છે. નિર્મલા સીથારમનનું આ બજેટ મારા અંગત માટે લોક લુભાવણું નહીં પણ પોતાની છેલ્લા અમુક વર્ષોની નીતિઓની તરફ આગળ વધારતું સ્થિર બજેટ ગણું છું.
જૂના દરોને વિધિવત “ડિલીટ” કરાયા નહીં પરંતુ નવા દરોને બનાવવામાં આવ્યા “ડિફોલ્ટ”!!:
હાલ પ્રવર્તમાન જોગવાઈ મુજબ ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ વ્યક્તિ તથા HUF કરદાતાઓ માટે બે પ્રકારના ઇન્કમ ટેક્સના દરો ઉપલબ્ધ હતા. એક દરોની પદ્ધતિ મુજબ કરદાતાને પોતાના રોકાણ બાદ આપવામાં આવે છે. આ દરોની પદ્ધતિને ઇન્કમ ટેક્સ હેઠળ જૂની પદ્ધતિ (ઓલ્ડ રિજીમ) તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બજેટ 2020 થી ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ નવી પદ્ધતિ (ન્યુ રિજીમ) લાગુ કરવામાં આવી હતી. આ વેરાની નવી પદ્ધતિ મુજબ કરદાતાને રોકાણ સંદર્ભે કોઈ કપાત આપવામાં આવતી નથી. પરંતુ આ નવી પદ્ધતિએ વેરાના દરો વ્યાપક રીતે ઘટાડવામાં આવ્યા હતા.
પ્રવર્તમાન જોગવાઈ મુજબ કરદાતા માટે જૂના દરો મુજબ ટેક્સ ભરવો “ડિફોલ્ટ” રહે છે. આમ, કરદાતાએ સામાન્ય રીતે જૂના દરો ઉપર વેરો ભરવાનો થતો. પરંતુ કરદાતા ઈચ્છે તો તેઓ નવા દરે વેરો ભરી શકતા હતા. આ માટે તેઓ દ્વારા શરતોને આધીન નિયત સમય સુધીમાં અરજી કરવાની રહેતી હોય છે. જ્યારે હવે બજેટ 2023 માં ઇન્કમ ટેક્સના દવા દરોને “ડિફોલ્ટ” બનાવી આપવામાં આવ્યા છે. આમ, કરદાતાએ સામાન્ય રીતે હવેથી (એટ્લે કે નાણાકીય વર્ષ 2023 24 થી) નવા દરે જ વેરો ભરવાનો થશે. હા, કરદાતા ધારે તો નિયત શરતોને આધીન, નિયત સમયમાં જૂના દરે વેરો ભરવા અરજી કરી શકશે. મોદી સરકારના 2.0 ના પ્રથમ બજેટથી શરૂ કરવામાં આવેલ વેરાની નવી સ્કીમ ને તેઓના કાર્યકાળના અંતિમ બજેટ સુધી જાળવી રાખવામા આવી છે એટલું જ નહીં પરંતુ તેને વધુ સુદ્રઢ રીતે અમલ કરાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
નવા દરો ફાયદાકારક કે નુકસાનકારક???
ઉપર જોયું તેમ હવે કરદાતા માટે નવા દરે વેરો ભરવું “ડિફોલ્ટ” બની ગયું છે. પરંતુ તે ધારે તો જૂના દરે વેરો ભરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. હવે આ પસંદગીમાં કરદાતાઓ માટે એ પ્રશ્ન સ્વાભાવિક રીતે ઊઠે કે મારા માટે નવા દરો ફાયદાકારક રહેશે કે નુકસાનકારક?? નિષ્ણાંતો માની રહ્યા છે કે મોટાભાગના કરદાતાઓ માટે જૂના દરો કરતાં નવા દરો પર ટેક્સ ભરવો ફાયદાકારક રહેશે. જૂના દરોએ વેરો ભરતા કરદાતા માટે વેરા મુક્તિ મર્યાદા 2.5 લાખ જ રાખવામા આવી છે. જ્યારે નવા દરો ઉપર વેરો ભરતા કરદાતાઓ માટે વેરા મુક્તિ મર્યાદા 3 લાખ કરી આપવામ આવી છે. આવી જ રીતે, જૂના દરો ઉપર વેરો ભરવા પસંદ કરતાં કરદાતાઓ માટે ઇન્કમ ટેક્સની કલમ 87A હેઠળ આપવામાં આવતું રિબેટ 5 લાખ સુધી જ ઉપલબ્ધ છે જ્યારે નવા દરો પ્રમાણે વેરો ભરતા કરદાતા માટે આ રિબેટનો લાભ 7 લાખ સુધી મળશે. બીજા અને સરળ શબ્દોમાં કહીએ તો જૂના દરો ઉપર વેરો ભરવાનું સ્વીકારતા કરદાતાઓ માટે 5 લાખ સુધીની આવક સુધી જ મુક્તિ મળશે જ્યારે નવા દરો મુજબ વેરો ભરતા કરદાતાઓ માટે 7 લાખની મહતમ મુક્તિ મર્યાદાનો લાભ મળશે.
રિબેટ બાદ માર્જિનલ રિલિફ છે ખૂબ જરૂરી!!
ઇન્કમ ટેક્સ હેઠળ નાણાકીય વર્ષ 2019 20 માં દાખલા કરવામાં આવેલ રિબેટ અંગે એક ટીકા સતત થઈ રહી છે કે આ રિબેટ બાદ કરદાતાને માર્જિનલ રિલિફ આપવી જરૂરી છે. સરળ શબ્દોમાં વાત કરીએ તો કરદાતાને પ્રવર્તમાન દરો મુજબ 5 લાખની આવક સુધી ઇન્કમ ટેક્સની કલમ 87A હેઠળ 12500/- સુધીનું રિબેટ બાદ મળે છે. આમ, 5 લાખ સુધી કરદાતાને કોઈ ટેક્સ લાગુ પડતો નથી. પરંતુ કરદાતાની આવક 5 લાખ કરતાં 1 રૂપિયો પણ વધે ત્યારે કરદાતાનો ન્યૂનતમ ટેક્સ 12500 થઈ જતો હોય છે. આમ, માત્ર 1 રૂપિયો વધુ કમાવાના કારણે કરદાતાએ 12500 નો ટેક્સ ભરવાનો થતો હોય છે. બજેટમાં કરવામાં આવેલ નવી જોગવાઈ મુજબ નવા દરો સ્વીકારતા કરદાતાઓ માટે 7 લાખ સુધી મહત્તમ 25000 સુધી રિબેટનો લાભ મળશે. પરંતુ કરદાતાની આવક 7 લાખ ઉપર 1 રૂપિયો પણ વધુ થશે ત્યારે તેઓને આ 1 રૂપિયો કમાવવા 25000 નું નુકસાન થશે. કરદાતાને આપવામાં આવેલ 87A નું રિબેટ ખરેખર આવકારદાયક બાબત છે, પરંતુ આ સાથે કરદાતાને વધારાની ઇન્કમ ઉપર માર્જિનલ રિલિફ આપવાની માંગ સતત ઉઠી રહી છે. આ બજેટમાં પણ કરદાતાઓની આ આશા ફળીભૂત થઈ નહીં.
ઇન્કમ ટેક્સની સ્કૃટીની-સર્વે-સર્ચ દરમ્યાન ઉમેરવામાં આવતી આવક ઉપર 60% જેવો અવ્યવહારિક વેરનો દર રહ્યો યથાવત:
નવેમ્બર 2016 માં સરકાર દ્વારા નોટબાંધીની જાહેરાત કરવામાં આવી હતી. આ નોટબંધી પહેલા કરદાતાઓ પોતાની બિનહિસાબી આવક સરકારને મરજિયાત રીતે દર્શાવી તેના ઉપર 45% જેવા ઊચા દરે વેરો-દંડ ભરવાની વેરા સમાધાન યોજના લાવવામાં આવી હતી. આ મરજિયાત યોજનામાં વેરો ના ભારે અને નોટબંધી દરમ્યાન જમા કરાવવામાં આવતી બિનહિસાબી રકમ ઉપર 60% જેવા ઊંચા દારો લાગુ કરવામાં આવ્યા હતા. વેરાનો આ અતિ ઊંચો દર નોટબંધી જેવી વિશિષ્ટ પરિસ્થિતી માટે લાગુ કરવામાં આવ્યો હતો જે સમજી શકાય તેવી બાબત છે. પરંતુ આજે નોટબંધીને 6 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં વેરાનો આ ઊંચો દર યથાવત રહ્યો છે. આ દરોમાં ઘટાડો થવાની આશા ફળીભૂત થઈ નથી.
બજેટ 2023 માં વેરાના દરો ઉપરાંત અન્ય મહત્વના ફેરફારો પણ કરવામાં આવેલ છે. આ ફેરફારો અંગે આગામી લેખમાં માહિતી આપવા પ્રયાસ કરવામાં આવશે.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની સોમવારે પ્રકાશિત વ્યાપારભૂમિમાં તારીખ 06.02.2022 ના રોજ પ્રકાશિત થયેલ છે.)