બજેટ 2025: મધ્યમ વર્ગથી માંડી સૌ કરદાતાઓને આપવામાં આવી મોટી રાહત
12 લાખ સુધીની આવક ઉપર નહીં લાગે ઇન્કમ ટેક્સ. આ સિવાય અન્ય વધુ આવક ધરાવતા કરદાતાઓને પણ ચોક્કસ થશે લાભ:
તા. 03.02.2025: નિર્મલા સિથરમન દ્વારા આ સતત આઠમું કેન્દ્રિય બજેટ તા. 01 ફેબ્રુઆરી 2025 ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. આ આઠ બજેટમાં 6 પૂર્ણકાલીન બજેટ હતા જ્યારે બે વચગાળાના એટ્લે કે ઈંટરિમ બજેટ હતા. આ બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવી છે. આ ઉપરાંત તમામ કરદાતાઓને ઇન્કમ ટેક્સમાં રાહત આપવામાં આવી છે. આ બજેટની મુખ્ય જોગવાઈ આ લેખમાં આપવામાં આવેલ છે.
ઇન્કમ ટેક્સ હેઠળ મહત્વની જોગવાઈઓ:
- ઇન્કમ ટેક્સ હેઠળ 12 લાખ સુધીની આવક સુધી નહીં લાગે કોઈ ટેક્સ.
- ટેક્સના દરો નીચે મુજબ રહેશે
ક્રમ | કુલ આવક | ઇન્કમ ટેક્સનો દર |
1 | 4,00,000/- સુધીની આવક | NIL |
2 | 4,00,001 થી 8,00,000/- સુધી આવક | 5% |
3 | 8,00,001 થી 12,00,000/- સુધીની આવક | 10% |
4 | 12,00,001/- થી 16,00,000/- સુધીની આવક | 15% |
5 | 16,00,001/- થી 20,00,000/- સુધીની આવક | 20% |
6 | 20,00,001/- થી 24,00,000/- સુધીની આવક | 25% |
7 | 24,00,000/- થી વધુ આવક | 30% |
- આમ, ઉપરના નવા સ્લેબ હેઠળ તમામ કરદાતાઓને ટેક્સમાં લાભ મળશે તે ચોક્કસ છે.
- 12 લાખ સુધીને આવક ધરાવતા કરદાતાઑ ને ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 87A ના રિબેટનો લાભ મળશે. આમ, 12 લાખ સુધી કોઈ વ્યક્તિગત કરદાતા ઉપર ઇન્કમ ટેક્સ ભરવાની જવાબદારી આવશે નહીં.
- 12 લાખ સુધી કરમુક્તિ બાબતે એ બાબત યાદ રાખવી જરૂરી છે કે આ રિબેટ “સ્પેશિયલ રેઇટ ઇન્કમ” ને લાગુ પડશે નહીં. આમ, શોર્ટ ટર્મ કેપિટલ ગેંઇન જેવી વિશિષ્ટ દરે લાગુ પડતાં ટેક્સ ઉપર રિબેટનો લાભ મળશે નહીં.
- કરદાતા હાલ ચાલુ વર્ષના રિટર્ન ઉપરાંત પાછલા બે વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન અપડેટેડ રિટર્ન સ્વરૂપે ભરી શકે છે. આ બજેટમાં આ જોગવાઈમાં સુધારો કરી હવે કરદાતાને આકારણી વર્ષથી બે ના બદલે 4 વર્ષ સુધીના અપડેટેડ સ્વરૂપે રિટર્ન ભરવા છૂટ આપવામાં આવી છે.
- “સિનિયર સીટીઝન” માટે વ્યાજ આવક ઉપર જે TDS થતો હોય છે તેની કર કપાત (TDS) ની મર્યાદા 50,000/- હતી જે વધારી 1 લાખ કરવામાં આવી છે. આમ, 1 લાખથી વધુ વ્યાજચુકવણી વ્યાજ ચૂકવનર દ્વારા કરવામાં આવી હોય તો જ “સીનીયર સિટીઝન” કરદાતા ફોર્મ 15H માટે ચિંતા કરવાની રહેશે.
- ભાડાની ચુકવણી માટે હાલ મુક્તિ મર્યાદા 2.4 લાખ છે. આ મર્યાદામાં વધારો કરીને 6 લાખ કરવા પ્રવધાન કરવામાં આવ્યું છે.
- ભારતમાંથી અન્ય દેશમાં “રેમિટન્સ” કરવાની મર્યાદા જે હાલ 7 લાખ છે તેમાં વધારો કરી 10 લાખ કરવામાં આવી છે.
- માલ વેચાણ સંદર્ભે TCS ની જોગવાઈ છે તે જોગવાઈ 01 એપ્રિલ 2025થી નાબૂદ કરવામાં આવશે.
- નાણાંમંત્રી દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે ઇન્કમ ટેક્સ અંગેનો નવો કાયદો આગામી સપ્તાહમાં સાંસદમાં રજૂ કરવામાં આવશે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) અંગેની બજેટની મહત્વની જોગવાઈ
- સુપ્રીમ કોર્ટ દ્વારા સફારી રીટ્રીટના કેસમાં આપવામાં આવેલ ચુકાદાની અસર દૂર કરવા 01 જુલાઇ 2017 ની પાછલી અસરથી જી.એસ.ટી. કાયદાની કલમ 17(5)(d) માં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારા મુજબ પાછલી અસરથી જ્યાં “પ્લાન્ટ ઓર મશીનરી” શબ્દ છે ત્યાં “પ્લાન્ટ એન્ડ મશીનરી” શબ્દ લાગુ કરવામાં આવ્યો છે.
- જી.એસ.ટી. કાયદાની કલમ 34(2) કે જે વેચનાર દ્વારા આપવામાં આવેલ ક્રેડિટ નોટ બાબતે છે તેમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. બજેટમાં કરવામાં આવેલ જોગવાઈ મુજબ વેચનાર વેપારીને ક્રેડિટ નોટ બાબતે પોતાની જવાબદારી ઓછી કરવાની છૂટ તો જ મળશે જો ખરીદનારે આ ક્રેડિટ નોટ અન્વયે પોતાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટમાં ઘટાડો કર્યો હોય.
- જી.એસ.ટી. કાયદાની કલમ 107 કે જે અપીલ અંગેની જોગવાઈ ધરાવે છે તેમાં પણ આ બજેટમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. માત્ર પેનલ્ટીને લગતા ઓર્ડર હોય તેવા કિસ્સામાં પણ હવે 10% પ્રિ ડિપોઝિટ સાથે અપીલ ફાઇલ કરી શકાશે. અગાઉ કરદાતાએ પેનલ્ટીના 25% ની રકમ પ્રિ ડિપોઝિટ તરીકે ભરવાની રહેતી હતી. ઉલ્લેખનિય છે કે અગાઉ માત્ર ઇ વે બિલ ને લગતા પેનલ્ટીના (દંડના) આદેશો માટે જ 25% ની પ્રિ ડિપોઝિટ લાગુ પડતી હતી જ્યારે હવે 10% ની આ નવી મર્યાદા તમામ દંડના કેસોમાં લાગુ પડશે.
- જી.એસ.ટી. કાયદા હેઠળ કરચોરી રોકવા નવી નિયત કરવામાં આવશે તેવા માલ ઉપર અથવા નિયત કરવામાં આવેલ વ્યક્તિ ઉપર “ટ્રેક એન્ડ ટ્રેસ મીકેનીઝમ” ની નવી પદ્ધતિ દાખલ કરવામાં આવશે.
- જી.એસ.ટી. હેઠળ નવી દાખલ કરવામાં આવેલ “ટ્રેક એન્ડ ટ્રેસ મિકેનીઝમ” પદ્ધતિ અનુસરવા જવાબદાર કરદાતા જો આ પદ્ધતિ અનુસરવામાં કસૂર કરશે તો તેઓ ઉપર 1 લાખ સુધીની કે ટેક્સની રકમના 10% બન્ને માંથી જે વધુ હોય તેટલી પેનલ્ટી લાગુ થશે તેવી જોગવાઈ કરવામાં આવેલ છે.
બજેટ 2025 માં નાણાંમંત્રી દ્વારા ઇન્કમ ટેક્સ અને જી.એસ.ટી. હેઠળ મહત્વની જોગવાઈ અંગે માહિતી આ લેખમાં આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ તમામ જોગવાઈ હાલ સંસદમાં બજેટ સ્વરૂપે રજૂ કરવામાં આવેલ છે. આ બાબતે સંસદમાં બજેટ સત્ર દરમ્યાન ચર્ચા વિચારણા થશે. આ ચર્ચા વિચારણા બાદ, સંસદ માં આ બજેટને જેમ રજૂ કરવામાં આવ્યું છે તેવી રીતે જ કે તેમાં સુધારા વધારા સાથે મંજૂર કરાતું હોય છે. ત્યારબાદ રાષ્ટ્રપતિની મહોર લગતી હોય છે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે ઉપરોક્ત ફેરફારો લાગુ થઈ શકે છે. આ તકે એ બાબત પણ જાણવી જરૂરી છે કે ઉપર જણાવેલ તમામ પ્રક્રિયા પૂર્ણ થતાં ઇન્કમ ટેક્સ અંગેની જોગવાઈ 01 એપ્રિલ 2025 થી અને જી.એસ.ટી. અંગેની જોગવાઈઓ આ અંગે સરકાર દ્વારા પરિપત્રથી જાહેરાત થાય ત્યારથી લાગુ પડતી હોય છે.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા. 03.02.2025 ના રોજ પ્રકાશિત થયેલ છે.)