બજેટ 2024 થઈ ગયું છે લાગુ!! વાંચો આ બજેટ દ્વારા લાગુ થયેલા મહત્વના ફેરફારો
-By Bhavya Popat, Advocate
તા. 29.08.2024
23 જુલાઇ 2024 ના રોજ નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટ બન્ને સદનમાં ચર્ચા બાદ થોડા સુધારા સાથે પસાર કરી આપવામાં આવ્યું છે. આ બજેટને રાષ્ટ્રપતિનું અનુમોદન પણ 16 ઓગસ્ટ 2024 ના રોજ મળી ગયું શે. આમ આ બજેટ હવે લાગુ થઈ ગયું છે. આ બજેટમાં ઇન્કમ ટેક્સ કાયદા તથા જી.એસ.ટી. કાયદા હેઠળ મહત્વના ફેરફારો લાગુ થઈ ગયા છે. આ પૈકી અમુક ફેરફારોને આ લેખમાં રજૂ કરવામાં આવ્યા છે.
ઇન્કમ ટેક્સ કાયદા હેઠળના મહત્વના ફેરફારો
- મિલ્કત વેચાણના સંદર્ભે ટૂંકા ગાળાની મિલ્કતની ગણતરી કરવા 23 જુલાઇ 2024 પછીના વેચાણ માટે 24 મહિનાનો સમય ધ્યાને લેવાશે. બીજા શબ્દોમાં કહીએ તો 24 મહિના ઉપર વેચાણ કરવામાં આવેલ મિલ્કતનું વેચાણ એ લાંબા ગાળાનું વેચાણ ગણાશે. અગાઉ આ ગાળો 36 મહિનાનો હતો.
- નોકરિયાત કરદાતા માટે સ્ટાન્ડર્ડ ડિડકશનની મર્યાદા 50000/- થી વધારી 75000/- કરવામાં આવી છે.
- હવેથી “હાઉસ પ્રોપર્ટી” માંથી થતી આવક એ ધંધાકીય આવક ગણી શકાશે નહીં. આ તકે એ બાબત સમજવી જરૂરી છે કે “હાઉસ પ્રોપર્ટી” માં કોમર્શિયલ અને રેસિડનશિયલ બંને મિલ્કતનો સમાવેશ થઈ જાય છે. આમ, ઘર, દુકાન, ગોડાઉન વગેરેની ભાડાની આવકને કરદાતા ધંધાકીય આવક દર્શાવી કોઈ ખર્ચ બાદ લઈ શકશે નહીં. હા, ભાડાની આવક ઉપર મળતું 30% નું “સ્ટાન્ડર્ડ ડિડકશન” આ આવક ઉપર ચોક્કસ મળશે.
- ભાગીદારી પેઢીને ભાગીદારોને મહેનતાના સંદર્ભે મર્યાદામાં મહત્વનો વધારો કરવામાં આવ્યો છે. નવા સુધારા મુજબ હવે ભાગીદારી પેઢીનો નફો 6 લાખ સુધી હોય ત્યાં સુધી 3 લાખ અથવા 90% બે માંથી જે વધુ હોય તે રકમ મહેનતાના તરીકે ચૂકવી શકશે.
- “ગિફ્ટ” કે “વિલ” (વસિયત) દ્વારા કોઈ મિલ્કત તબદીલ કરવામાં આવે ત્યારે ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 47 હેઠળ ટેક્સ આ વ્યવહાર ટ્રાન્સફર ગણાતા નહીં. હવે આ વ્યવહાર માત્ર વ્યક્તિગત કરદાતા તથા HUF માટે જ “ટ્રાન્સફર” ગણાશે નહીં. આ સિવાયના કરદાતા માટે નાણાકીય વર્ષ 2024 25 થી આ વ્યવહાર એ “ટ્રાન્સફર” ગણાશે.
- ફેમિલી પેન્શનમાં મળતી કપાતમાં 15000 થી વધારો કરી 25000 કરવામાં આવી છે.
- ઇન્કમ ટેક્સની કલમ 80CCD હેઠળ પગારદાર કરદાતા પોતાના પગારના 10% રકમ “પેન્શન” સ્કીમ” માં રોકાણ કરે તેટલી મર્યાદા માંજ તેઓને બાદ મળવા પાત્ર હતું. હવે આ 10% માં વધારો કરી 14% કરવામાં આવ્યા છે. આમ, કરદાતા પોતાના પગારના 14% જેટલી રકમ “પેન્શન” સ્કીમમાં રોકાણ કરશે અને તેઓ પોતાનો ટેક્સ ઇન્કમ ટેક્સ હેઠળ નવા દરો મુજબ ભરશે તો આ 14% સુધી કરવામાં આવેલ રોકાણ બાદ મળશે.
- શેર અથવા ઇક્વિટી લિંક્ડ મ્યુચઅલ ફંડ ઉપર ઉધભવતા લાંબાગાળાના મૂડી નફાની મુક્તિ મર્યાદા 1 લાખથી વધારી 1.25 લાખ કરવામાં આવી છે.
- લાંબા ગાળાના મૂડી નફા ઉપર ઇન્કમ ટેક્સના દર નીચે મુજબ રહેશે.
શેર અથવા ઇક્વિટી લિંક્ડ મ્યુચઅલ ફંડ સિવાયની મિલ્કત
23 જુલાઇ સુધીમાં કરવામાં આવેલ વેચાણ | 20% ટેક્સ | ઇંડેક્સેશનનો લાભ મળશે |
23 જુલાઇ બાદમાં કરવામાં આવેલ વેચાણ | 12.5% ટેક્સ | ઇંડેક્સેશનનો લાભ નહીં મળે |
શેર અથવા ઇક્વિટી લિંક્ડ મ્યુચઅલ ફંડ સ્વરૂપે મિલ્કત
23 જુલાઇ સુધીમાં કરવામાં આવેલ વેચાણ | 10% ટેક્સ | 1.25 લાખ સુધી મુક્તિ |
23 જુલાઇ બાદમાં કરવામાં આવેલ વેચાણ | 12.5% ટેક્સ | 1.25 લાખ સુધી મુક્તિ |
ઉપરોક્ત શેર કે એકવિટી લિંક્ડ મ્યુચઅલ ફંડના કિસ્સામાં જે 1.25 લાખ સુધીની મુક્તિ આપવામાં આવી છે તે મુક્તિ નાણાકીય વર્ષ 2024 25 માટે સંયુક્ત રીતે ગણવાની રહેશે.
- હાલના નિયમો મુજબ PAN માટેની અરજીમાં તથા ઇન્કમ ટેક્સ રિટર્નમાં આધાર કાર્ડની જગ્યાએ આધાર કાર્ડ માટેની અરજી કરેલ હોય તેની એનરોલમેંટ ID દર્શાવવાની છૂટ છે. આ નિયમમાં ફેરફાર કરી 01 ઓક્ટોબર 2024 થી એનરોલમેંટ ID દર્શાવવાના નિયમને રદ્દ કરવી નાંખવામાં આવશે. આમ, 01 ઓક્ટોબર 2024 થી PAN અરજીમાં તથા ઇન્કમ ટેક્સ રિટર્નમાં આધાર કાર્ડ દર્શાવવા જ ફરજિયાત રહેશે, એનરોલમેંટ ID દ્વારા આ કામ થઈ શકશે નહીં.
- ફેર આકારણીના નિયમમાં મહત્વના ફેરફાર:
ઇન્કમ ટેક્સ હેઠળ જ્યારે ડિપાર્ટમેંટ પાસે કરદાતા વિરુદ્ધ કોઈ ચોક્કસ વિગતો ઉપલબ્ધ હોય અને અધિકારીને કરદાતા દ્વારા કરચોરી થઈ હોવાનું પ્રાથમિક તારણ હોય તેવા સંજોગોમાં ફેર આકારણીની જોગવાઈ નો ઉપયોગ કરી કરદાતાની આકારણી કરવામાં આવતી હોય છે.
ઇન્કમ ટેક્સ હેઠળ ફેર આકારણીના નિયમમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર મુજબ હવે કોઈ અધિકારી પાસે જ્યારે એવી માહિતી હોય કે કોઈ કરદાતાની આવક રિટર્નમાં દર્શાવવાથી છૂટી ગઈ હોય તો અધિકારી દ્વારા કરદાતાને પોતાનું રિટર્ન રજૂ કરવા તથા વિગતો રજૂ કરવા પ્રાથમિક નોટિસ દ્વારા જણાવી શકે છે. આ રિટર્ન તથા વિગતો રજૂ કરવા મહત્તમ 3 મહિનાનો સમય કરદાતાને આપવામાં આવી શકે છે.
આ નોટિસ આપવા માટેની સમયમર્યાદા જે તે આકારણી વર્ષ પૂર્ણ થયાના ત્રણ વર્ષ અને ત્રણ મહિનાનો સમય અધિકારી પાસે રહે છે. ઉદાહરણ તરીકે નાણાકીય વર્ષ 2020-21 (આકારણી વર્ષ 2021-22) માટેની નોટિસ કરદાતાને આપવામાં આવે તો તે આપવા માટેની સમયમર્યાદા 30 જૂન 2025 રહેશે.
જ્યારે કરદાતા દ્વારા છુપાવવામાં આવેલી આવક 50 લાખ કે તેથી વધુ હોય ત્યારે પ્રાથમિક નોટિસ આપવાની સમયમર્યાદા ત્રણ વર્ષ અને ત્રણ મહિનાના સ્થાને પાંચ વર્ષ ત્રણ મહિનાની રહેશે.
કરદાતાને અધિકારી દ્વારા આપવામાં આવેલ પ્રાથમિક નોટિસ સામે કરદાતા દ્વારા નોટિસમાં આપવામાં આવેલ સમયમર્યાદામાં રિટર્ન ભરી આપવાનું રહેશે. આ ઉપરાંત અધિકારી દ્વારા માંગવામાં આવેલ વિગતો પણ કરદાતાએ રજૂ કરવાની રહેશે.
અધિકારી દ્વારા કરદાતાના જવાબ અને વિગતોની ચકાસણી કરી જો તેઓને જરૂરી જણાય તો ફેર આકારણી માટેની નોટિસ કરદાતાને આપી શકે છે. આ નોટિસ આપવામાં આકારણી અધિકારીને આકારણી વર્ષના અંતથી ત્રણ વર્ષનો સમય મળે છે. આ સમય બાદ કોઈ કરદાતાને આકારણી અધિકારી નોટિસ આપી શકશે નહીં.
કરદાતા દ્વારા છુપાવવામાં આવેલ આવક 50 લાખ કે તેથી વધુ હોવાની સંભાવના હોય તો આ નોટિસ આપવાની સમયમર્યાદા ઉપર જણાવેલ ત્રણ વર્ષના સ્થાને પાચ વર્ષ ગણવાની રહેશે.
આજે આ લેખમાં બજેટ 2024 માં કરવામાં આવેલ ઇન્કમટેક્સના મહત્વના ફેરફારોની માહિતી આપવા પ્રયાસ કરવામાં આવેલ છે. આ બજેટમાં ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. માં આવેલ અન્ય ફેરફારોની માહિતી પણ આગળના લેખોમાં આપવામાં આવશે.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા. 26.08.2024 ના રોજ પ્રકાશિત થયેલ છે.)