કંપોઝીશન સ્કીમ માંથી બહાર નીકળવા ઇચ્છતા વેપારીઓને પડી રહી છે હાલાકી: ટેકનિકલ કારણોસર જી.એસ.ટી. પોર્ટલ પર નથી થઈ રહી અરજી
01 એપ્રિલથી કંપોઝીશન સ્કીમ માંથી બહાર નિકવાની ઈચ્છા ધરાવતા વેપારીઓ પોર્ટલ પર આ અંગે અરજી કરવા અસમર્થ
તા. 03.04.2024: જી.એસ.ટી. કાયદા હેઠળ વેપારીઓ કંપોઝીશન સ્કીમમાં અથવા તો તે સિવાય રેગ્યુલર સ્કીમ હેઠળ જી.એસ.ટી. ભરી શકતા હોય છે. સામાન્ય રીતે નાના વેપારી તથા એવા વેપારી કે જેઓ મુખ્યત્વે B2C એટ્લે કે ગ્રાહકોને વેચાણ કરતાં હોય છે તેઓ જી.એસ.ટી. હેઠળ કંપોઝીશન વિકલ્પ પસંદ કરતાં હોય છે. આવા કંપોઝીશન વિકલ્પ પસંદ કર્યો હોય તેવા વેપારી જી.એસ.ટી. કાયદા હેઠળ પોતાની ઈચ્છા મુજબ સ્વૈઇછીક રીતે વર્ષ દરમ્યાન ગમે ત્યારે આ વિકલ્પ માંથી બહાર નીકળી શકે છે અને રેગ્યુલર વેપારી તરીકે વેરો ભરી શકે છે. પરંતુ એકાઉન્ટ અંગેની તથા રિટર્ન ભરવા અંગેની વ્યાવહારિક મુશ્કેલીના કારણે 01 એપ્રિલ એટ્લે કે નવા નાણાકીય વર્ષના શરુવતથી બહાર નીકળવા અરજી કરતાં હોય છે. આ અરજી સામાન્ય રીતે 01 એપ્રિલના રોજ જ કરવાની રહેતી હોય છે.
આ 01 એપ્રિલે અસંખ્ય વેપારીઓ કંપોઝીશનના બહાર નીકળવા અરજી કરવા પ્રયાસ કરી રહ્યા છે પરંતુ આ અરજો પોર્ટલ પરના ટેકનિકલ કારણોસર થઈ રહી નથી. આ અંગે વાત કરતાં જુનાગઢના જાણીતા ટેક્સ એડવોકેટ અને ગુજરાત સેલ્સ ટેક્સ બારના ભુતપૂર્વ ઉપ પ્રમુખ હેમંગભાઈ શાહ જણાવે છે કે “કંપોઝીશન વિકલ્પમાંથી બહાર નીકળવા વેપારીને સમગ્ર વર્ષ દરમ્યાન અરજી કરવાની છૂટ હોય છે પરંતુ પ્રેક્ટિકલ રીતે 01 એપ્રિલ એ અરજી કરવામાં આવે તો જ વેપારી અમુક પ્રેક્ટિકલ મુશ્કેલીથી બચી શકે છે. આ અરજી હાલ થઈ રહી ના હોય વેપારી પાસે જ્યારે આ ટેકનિકલ ખામી દૂર થાય ત્યારે આ અરજી હેઠળ “Others” નો વિકલ્પ પસંદ કરી 01 એપ્રિલને જ ઇફેક્ટિવ ડેટ તરીકે પસંદ કરવી જોઈએ તેવો મારો મત છે”.
હાલ, કંપોઝીશનની બહાર નીકળવાની અરજી ના થતી હોવાના કારણે અનેક વેપારીઓ તથા તેમના ટેક્સ પ્રોફેશનલ્સ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અરજી કરવામાં રહેલ ટેકનિકલ ક્ષતિ જલ્દી દૂર થાય તેવી માંગ ઉઠી રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે