ફરી ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર ઓડિટ રિપોર્ટની “સ્કીમાં” માં કરવામાં આવ્યો ફેરફાર!!! ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા ટેક્સ પ્રોફેશનલ્સ થયા ત્રસ્ત
ઓડિટ ફાઇલ કરવાને માત્ર 9 દિવસની મુદત બાકી હોય, “સ્કીમાં” બદલવાની આ નીતિથી છે ટેક્સ પ્રોફેશનલ્સ ખાસ કરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પરેશાન
તા. 07.01.2022: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ઓડિટ રિપોર્ટ અપલોડ કરવવાની મુદત 15 જાન્યુઆરી 2022 છે. આ મુદત સુધીમાં ઓડિટ રિપોર્ટ દાખલ ના કરવામાં આવે તો કરદાતાઓને મોટો દંડ લાગી શકે છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિતના ટેક્સ પ્રોફેશનલ્સ અત્યારે દિવસ-રાત એક કરી પોતાના અસીલની આ ઓડિટ રિપોર્ટની કામગીરી સમયસર પૂરી કરવા મહેનત કરી રહ્યા છે. હવે આવા સમયે વારંવાર ઓડિટ રિપોર્ટ તથા રિટર્ન ઓનલાઈન અપલોડ કરવાની “સ્કીમાં” માં ફેરફાર કરવાંની આ પદ્ધતિથી ખૂબ પરેશાન થઈ ગયા હોય તેવી માહિતી મળી રહી છે. 06 જાન્યુઆરી 2022 ના રોજ, જ્યારે માત્ર ઓડિટ અપલોડ કરવાની મુદતમાં માત્ર 9 દિવસ બાકી હોય ત્યારે ફરી ઇન્કમ ટેક્સ ઓડિટ રિપોર્ટની સ્કીમાંમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર થતાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા તૈયાર કરી રાખેલા ઓડિટ રિપોર્ટમાં પણ ફેરફાર કરવો જરૂરી બની જશે. શું આ પ્રકારના સુધારા “સ્કીમાં” માં મુદત નજીક હોય ત્યારે કરવાં જરૂરી છે? શું આ પ્રકારના સુધારા તથા ફેરફાર દર વર્ષે સતત કરતાં રહેવા જરૂરી છે? શું નાણાકીય વર્ષ શરૂ થાય તે પહેલા આ તમામ સુધારાઓ અંગે “સ્કીમાં” માં જરૂરી ફેરફાર કરવાની જવાબદારી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટના પોર્ટલનું સંચાલન કરતી કંપનીની ના હોવી જોઈએ? આ તમામ પ્રશ્ન ટેક્સ પ્રોફેશનલ્સમાં ચર્ચાનો વિષય બની ગયા છે. સંપૂર્ણ વર્ષમાં ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર ટેકનિકલ ખામીઓ બાબતે અનેક ફરિયાદો ઉઠી હતી. હવે સતત કરવામાં આવી રહેલા “સ્કીમાં” ના ફેરફારોએ ટેક્સ પ્રોફેશનલ્સ માટે સ્થિતિ બદથી બદતર કરી નાંખી છે. આ પ્રકારે મુદત નજીક હોય ત્યારે ઇન્કમ ટેક્સ ઓડિટ રિપોર્ટ તથા ઇન્કમ ટેક્સ રિટર્નની “સ્કીમાં” માં ફેરફારો કરવામાં ના આવે તેવી માંગ ઉઠી રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે
.