જી.એસ.ટી. હેઠળ ક્રેડિટ લેજર થઈ રહ્યા છે “અનબ્લોક”!! જી.એસ.ટી. ના આ પોઝિટિવ સમાચાર જાણવા છે ખાસ જરૂરી
તા. 25.04.2022: જી.એસ.ટી. હેઠળ કરદાતા દ્વારા ખોટી ક્રેડિટ લેવામાં આવેલ હોય તેવા સંજોગોમાં અધિકારીને કરદાતાનું ક્રેડિટ લેજરમાં રહેલી ક્રેડિટ બ્લોક કરવાની સત્તા આપવામાં આવેલ છે. આ સત્તા જી.એસ.ટી. નિયમો હેઠળના નિયમ 86A હેઠળ આપવામાં આવી છે. જી.એસ.ટી. ના નિયમ 86A મુજબ નીચેના સંજોગોમાં અધિકારી કરદાતાની ક્રેડિટ બ્લોક કરી શકે છે.
- ખરીદનાર દ્વારા એવી ખરીદીની ક્રેડિટ લેવામાં આવેલ છે જેમાં વેચનાર ધંધાનું સ્થળ હયાત નથી અથવા તો નોંધણી દાખલામાં દર્શાવેલ છે તે સિવાયની જગ્યાએ ધંધો કરે છે.
- ખરીદનાર ખરેખર માલ કે સેવા મેળવ્યા વગર માત્ર બિલના આધારે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરે છે.
- ખરીદનાર એવા બિલની કે ડેબિટ નોટની ક્રેડિટ લે જે જેના ઉપરનો ટેક્સ વેચનાર દ્વારા સરકારમાં જમા કરાવવામાં આવ્યો નથી.
- ખરીદનાર, ક્રેડિટ લેનાર કરદાતાનું ધંધાનું સ્થળ હયાત નથી અથવા નોંધણી દાખલામાં જણાવેલ સ્થળે તે ધંધો કરતો નથી.
- ખરીદનાર ઇન્વોઇસ કે ડેબિટનોટ પોતાની પાસે ના હોવા છતાં ક્રેડિટ લે છે.
ઉપરોક્ત દર્શાવેલ સંજોગોમાં અધિકારીને કરદાતાના ક્રેડિટ લેજરમાં રહેલ જમા રકમ બ્લોક કરવા સત્તા આપવામાં આવી છે. એ બાબત નોંધવી ખાસ જરૂરી છે કે ક્રેડિટ લેજર બ્લોક કરવાની સત્તા ક્રેડિટ લેજર બ્લોક કર્યાના એક વર્ષ પૂરતી સીમિત છે. બીજા શબ્દોમાં કહીએ તો અધિકારી દ્વારા કરદાતાની ક્રેડિટ લેજર બ્લોક કરવામાં આવેલ હોય તે દિવસથી એક વર્ષની અંદર અધિકારી દ્વારા કરદાતાની ક્રેડિટ અંગે કાયદા મુજબ કાર્યવાહી કરી લેવાની રહે છે. જો એક વર્ષ સુધી કોઈ કાર્યવાહી કરવામાં ના આવેલ હોય તો એક વર્ષના અંતે ક્રેડિટ લેજર બ્લોક કરવાનો આદેશ રદ્દ થઈ જતો હોય છે. પરંતુ આ પ્રકારે 1 વર્ષ પછી પણ અનેક ક્રેડિટ લેજર બ્લોક રહેલાના કિસ્સા સામે આવી રહ્યા છે. વિવિધ હાઇકોર્ટમાં આ બાબત પર ઘણી રિટ પિટિશન દાખલ થઈ હોવાની માહિતી મળી રહી છે. આ પ્રકારના કેસોમાં વિવિધ હાઇકોર્ટ દ્વારા રાજ્ય જી.એસ.ટી. તથા સેંટરલ જી.એસ.ટી. ને અનેક વાર ખખડાવવામાં આવ્યા છે. ખાસ કરીને ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ બાબતે જી.એસ.ટી ડિપાર્ટમેંટ વિરુદ્ધ ખૂબ સંગીન ટિપ્પણીઑ કરવામાં આવી છે અને વિવિધ આદેશ દ્વારા એ જાહેર કર્યું છે કે કોઈ પણ સંજોગોમાં કરદાતાની ક્રેડિટ નિયમ 86A માં દર્શાવવામાં આવેલ 1 વર્ષની સમય મર્યાદાથી વધુ બ્લોક કરી શકાય નહીં.
વિશ્વસનીય સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે હાલ સેંટરલ જી.એસ.ટી. તથા રાજ્ય જી.એસ.ટી. ના અધિકારીઓને જે કરદાતાઑના ક્રેડિટ લેજર 1 વર્ષથી વધુ સમયથી બ્લોક કરવામાં આવેલ છે તેને અનબ્લોક કરવાની સૂચના આપવામાં આવી છે. આ સૂચનાઓને આધીન અધિકારીઓ કરદાતાઓના ક્રેડિટ લેજર અનબ્લોક કરી રહ્યા છે તેવી માહિતી મળી રહી છે. આ અંગે વાત કરતાં અમદાવાદના જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ દર્શિત શાહ ટેક્સ ટુડેને જણાવે છે કે “ક્રેડિટ લેજર અનબ્લોક કરવા અંગેની જાણ જ્યારે ઇ મેઈલ ઉપર થઈ ત્યારે સુખદ આશ્ચર્ય થયું. માનનીય ગુજરાત હાઇકોર્ટ દ્વારા પસાર કરવામાં આવેલ વિવિધ આદેશની આ અસર ગણી શકાય. હાઇકોર્ટની સતત ટકોરને પગલે કરદાતાના ક્રેડિટ લેજર અનબ્લોક થતાં અનેક કરદાતાઓ કાયદાકીય લડતમાં પાડવાથી બચી ગયા છે.”
“દેર આયે દુરુસ્ત આયે’ હાઇકોર્ટ દ્વારા અનેક કેસોમાં સખ્ત ટકોર કરવામાં આવી હોય સેંટરલ અને સ્ટેટ જી.એસ.ટી. દ્વારા કરદાતાને આ રાહત આપવામાં આવી છે જે ચોક્કસ આવકારદાયક બાબત ગણાય. હજુ કોઈ કરદાતાની ક્રેડિટ લેજર બ્લોક થયાને 1 વર્ષ થઈ ગયું હોય તેવા કરદાતાએ અધિકારીનો સંપર્ક કરવો જોઈએ તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.