કંપોઝીશન ટેક્સ પેયર્સ માટે આફત!! નેગેટિવ ટેક્સ લાયાબિલિટીના કારણે GSTR 4 ભરવામાં પડી રહી છે મુશ્કેલી

Spread the love
Reading Time: 2 minutes

25 એપ્રિલ 2022 ના રોજ એક સાથે દેશભરમાં ઇ મેઇલ દ્વારા કરદાતાઑના કેશ લેજરમાં પસાર કરવામાં આવી “ડેબિટ એન્ટ્રી”

તા. 26.04.2022: જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી જી.એસ.ટી. પોર્ટલ તેના છબરડા માટે જાણીતું છે. આવો એક વધુ છબરડો પોર્ટલ ઉપર કરવામાં આવેલ હોવાની માહિતી મળી રહી છે. આ વખતે જી.એસ.ટી. હેઠળ પ્રમાણમા નાના ગણાતા વેપારીઓ ભોગ બની રહ્યા છે.  કંપોઝીશન હેઠળ વેરો ભરતા વેપારીઓ માટે વાર્ષિક રિટર્ન GSTR 4 માં ભરવાનું હોય છે. 2019 20 તથા 2020 21 ના વર્ષના GSTR 4 રિટર્ન ભરવામાં ટેકનિકલ ક્ષતિના કારણે ઘણા વેપારીઓના કેસમાં ભૂલ થયેલ હતી. આ ક્ષતિના કારણે GSTR 4 ભરવા સાથે વેપારીઓના “કેશ લેજર” માં જે રકમ “ડેબિટ” થવી જોઈતી હતી તે થઈ ના હતી. આ રકમ ડેબિટ થયેલ ના હોય ઘણા વેપારીઓ દ્વારા DRC 03 દ્વારા આ રકમ ડેબિટ કરવામાં આવેલ હતી. આ અંગે GST નેટવર્ક (GSTN) દ્વારા એક “એડવાઈસરી” બહાર પાડવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે આ ટેકનિકલ ક્ષતિના કારણે કેશ લેજરમાં ડેબિટ થયેલ ના હોય તેવી રકમ અંગે ગ્રીવન્સ કરવાથી આ અંગે યોગ્ય ડેબિટ એન્ટ્રી કરી આપવામાં આવશે. એવા ઘણા વેપારીઓ છે જેઓ આ રીતે ગ્રીવન્સ કરેલ હોય તેવા અમુક કેસોમાં આ રકમ ડેબિટ પણ કરવામાં આવી હતી.

હવે તારીખ 25 એપ્રિલના રોજ અગાઉના વર્ષમાં GSTR 4 ભરવામાં ક્ષતિ હોય તેવા તમામ કેસોમાં એક સાથે આવી રકમ “ડેબિટ” કરી નાંખવામાં આવેલ છે. કરદાતાને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર આ “ડેબિટ એન્ટ્રી” કરદાતાના કેશ લેજરમાં નાંખવામાં આવેલ છે. આ અંગેના ઇ મેઇલ કરદાતાને મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ઇ મેઇલમાં કરદાતાનું નામ કે તેના GSTIN નો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી. હવે જ્યારે GSTR 4 ભરવાની તારીખ ખૂબ નજીક છે ત્યારે આ પ્રકારે કરદાતાના કેશ લેજરમાં “ડેબિટ એન્ટ્રી” પસાર કરવાની પદ્ધતિ સામે કરદાતાઓ ખાસ કરીને ટેક્સ પ્રોફેશનલ્સમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે વાત કરતાં અમરેલીના ટેક્સ કન્સલ્ટન્ટ નીરવ જિંજુવાડિયા જણાવે છે કે “25 એપ્રિલ ના રોજ અનેક કંપોઝીશનની પરવાનગી ધરાવતા વેપારીઓના ક્રેડિટ લેજરમાં આ એન્ટ્રી જોઈ નવાઈ લાગી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે આ અગાઉના વર્ષો ના GSTR 4 માં રહેલી ભૂલો અંગેની “ડેબિટ એન્ટ્રી” છે. કરદાતાના કેશ લેજરમાં આ પ્રકારે કોઈ શો કોઝ નોટિસ વગર “ડેબિટ” કરવું અન્યાયી ગણાય. હવે જ્યારે GSTR 4 ની મુદત નજીક છે અને આ કારણોસર આવા નાના વેપારીઓ પોતાના GSTR 4 સમયસર નહીં ભરે ત્યારે તેઓને રોજના 200/- જેવી મોટી લેઇટ ફી લગાડવામાં આવશે જે ચોક્કસ વેપારીઓમાં રોષ ઊભો કરશે.”

આ સમયે આ ડેબિટ એન્ટ્રી GSTN દ્વારા ત્વરિત પરત ખેંચવામાં આવે અને GSTR 4 ભરવાની મુદતમાં પણ વધારો કરવામાં આવે તેવી માંગ ટેક્સ પ્રોફેશનલ્સ કરી રહ્યા છે. કરદાતાના કુદરતી ન્યાયનો ભંગ થતો હોય આ પગલાં સામે હાઇકોર્ટમાં રિટ પિટિશનની તૈયારીઓ પણ થઈ રહી હોવાની માહિતી મળી રહી છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.

2 thoughts on “કંપોઝીશન ટેક્સ પેયર્સ માટે આફત!! નેગેટિવ ટેક્સ લાયાબિલિટીના કારણે GSTR 4 ભરવામાં પડી રહી છે મુશ્કેલી

  1. In gstr 4 input purchase from registerd persons details are compulsory or not?

    1. હા ખરીદીની વિગતો નાંખવી ફરજિયાત છે.

Comments are closed.

error: Content is protected !!