ચોક્કસ કારણ દર્શાવ્યા વગર આપવામાં આવેલ કારણ દર્શક નોટિસ રદ્દ કરતી દિલ્હી હાઇકોર્ટ
તા. 02.06.2023:
જી.એસ.ટી. હેઠળ કાયદા હેઠળ અધિકારીને કરદાતા દ્વારા કોઈ કસૂર કરવામાં આવે તો કારણ દર્શક નોટિસ આપી કરદાતાઓનો નોંધણી દાખલો રદ કરવાની સત્તા આપવામાં આવેલ છે. આ કારણદર્શક નોટિસ અધિકારી દ્વારા આપવામાં આવે ત્યારથી જ કરદાતાનો નોંધણી નંબર સ્થગિત (સસ્પેન્ડ) કરી આપવામાં આવતો હોય છે. તાજેતરના એક કેસમાં, દિલ્હી હાઈકોર્ટે અધિકારી દ્વારા કરદાતાને આપવામાં આવેલ કારણ બતાવો નોટિસ (SCN) ને રદ્દ ઠરાવવામાં આવેલ છે. કોઈ ચોક્કસ આરોપ દર્શાવ્યા વિના કરદાતાનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) નોંધણીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાના કારણે આ નોટિસ રદ્દ ઠરાવવામાં આવેલ હતી. ફૈઝ નંગાપારંબિલ નામના અરજદારે 20.05.2023 ની કારણ બતાવો નોટિસને દિલ્હી હાઇકોર્ટમાં પડકારી હતી, જેમાં અરજદારને તેનો GST નોંધણી કેમ રદ ન કરવામાં આવે તે અંગે કારણ દર્શાવવા જણાવવામાં આવ્યું હતું. કારણ બતાવો નોટિસ એ પણ નોંધ્યું છે કે અરજદારની GST નોંધણી 20.05.2023 થી સસ્પેન્ડ કરવામાં આવી છે. કારણ બતાવો નોટિસમાં દર્શાવેલ એકમાત્ર કારણ એ હતું કે કલમ 29(2)(e)-નોંધણી છેતરપિંડી, જાણીજોઈને ખોટું નિવેદન અથવા હકીકતો છુપાવી મેળવવામાં આવ્યો છે. કારણ બતાવો નોટિસમાં કરદાતા તરફે શરતચૂક બાબતે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ (CGST), 2017 ની કલમ 29(2)(e) મુજબ, યોગ્ય અધિકારી એવી તારીખથી વ્યક્તિનું રજિસ્ટ્રેશન રદ કરી શકે છે, તેવી સત્તા આપવામાં આવી છે. જો કે આ જોગવાઈ મુજબ યોગ્ય અધિકારી વ્યક્તિને સાંભળવાની તક આપ્યા વિના નોંધણી રદ કરશે નહીં તેવી પણ જોગવાઇઓ છે. વધુ જોગવાઈ કે નોંધણી રદ કરવા સંબંધિત કાર્યવાહીની પેન્ડન્સી દરમિયાન, યોગ્ય અધિકારી નોંધણીને સ્થગિત કરી શકે છે તેવી પણ સત્તા આપવામાં આવેલ છે. કોર્ટ દ્વારા એ નોંધવામાં આવ્યું હતું કે નોટિસ આપનારને તેનો અર્થપૂર્ણ જવાબ આપવા માટે કરદાતા સક્ષમ તે માટે કારણો સ્પષ્ટ રીતે લખવા જરૂરી છે.ન્યાયમૂર્તિ વિભુ બખરુ અને ન્યાયમૂર્તિ અમિત મહાજનની બનેલી બે ન્યાયાધીશોની બેન્ચે અસ્પષ્ટ કારણ બતાવો નોટિસને રદ્દ કરી અને અરજદારની GST નોંધણીને સ્થગિત કરવાના આદેશને પણ રદ કર્યો. જો કે આ સાથે જ કરદાતાને ફરી યોગ્ય કારણો સાથે નોટિસ આપવા અંગે કોઈ મનાઈ ફરમાવવામાં આવી નથી.
જી.એસ.ટી. હેઠળ અધિકારીને આપવામાં આવેલ સત્તાનો ન્યાયપૂર્ણ ઉપયોગ થાય અને કરદાતાને અસ્પષ્ટ કારણદર્શક નોટિસ ના આપવામાં આવે તે અંગે કરદાતાની તરફેણનો આ ચુકાદો ઉપયોગી બની શકે છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે