શું ફરી જાહેર કરવામાં આવી છે નોટબાંધી???

Spread the love
Reading Time: 4 minutes

તા. 30.05.2023

2000 રૂપિયાની નોટ બંધ થવા અંગે જ્યારે RBI ગવર્નર દ્વારા જાહેરાત કરવામાં આવી ત્યારે ઘણા નાગરિકો ફરી આ કવાયતને નોટબંધી સમજી ચિંતિત થઈ ગયા હતા. એક ટેક્સ પ્રોફેશનલ તરીકે આ બાબતે ફોન આવવાની શરૂઆત થઈ જાય તે સ્વાભાવિક છે. RBI ની આ કવાયત અંગે અનેક લોકો દ્વારા અનેક પ્રશ્નો પુછવામાં આવ્યા. પરંતુ તમામ પ્રશ્નને એક પ્રશ્નમાં વણી લઈએ તો એ પ્રશ્ન હતો RBI ની 2000 ની નોટ બંધ કરવાની કવાયતને શું નોટબંધી ગણી શકીએ?? આ પ્રશ્નનો જવાબ છે “ના”. RBI ની આ કવાયતને કોઈ પણ રીતે નોટબંધી સાથે સરખાવી શકાઈ નહીં. RBI દ્વારા અગાઉ 2013-14 માં પણ આ પ્રકારના પગલાં લેવામાં આવ્યા જ છે. માટે વાંચકોએ એક બાબત સ્પષ્ટ રીતે જાણવી જરૂરી છે કે RBI દ્વારા 2000 ની નોટો સર્ક્યુલેશન માંથી હટાવવાનો નિર્ણય એ અપેક્ષિત પ્રક્રિયા જ ગણી શકાય. 2016 માં નોટબંધી જાહેર થઈ ત્યારે બજારમાં ફરી રહેલી લગભગ 86% ચલણી નાણું પાછું ખેચવામાં આવ્યું હતું. આ સમયે બજારમાં ઊભી થયેલી નાણાંની ખેંચને પહોચી વળવા RBI દ્વારા આ 2000 ની નોટ બહાર પાડવામાં આવી હતી. હવે જ્યારે સ્થિતિ સામાન્ય થઈ ગઈ હોય આ પ્રકારની ઊંચા રકમની નોટ પાછી ખેંચી લેવામાં આવે તે તદ્દન સ્વાભાવિક પ્રક્રિયા છે. અલબત્ત 2018-19 થી જ 2000 ની નવી નોટો છાપવાનું તો RBI દ્વારા બંધ કરી આપવામાં આવ્યું હતું. RBI દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ નોટોનું આયુષ્ય 4 થી 5 વર્ષ હોતું હોય છે. 89% 2000 ની નોટો 2017 કે તે પહેલા બહાર પાડવામાં આવી હતી. આમ, આ નોટોનું આયુષ્ય પણ પૂરું થઈ ગયું હોવાનું ગણાય છે. RBI દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ બજારમાં રહેલ કુલ નાણાં પૈકી 2000/- ની નોટ માત્ર 10.08% જ છે. આ ટકાવારી માર્ચ 18 ના સમયમાં 37.3% હતી. આમ, હાલ RBI દ્વારા લેવામાં આવેલ નિર્ણયના કારણે સામાન્ય લોકોને ખૂબ ઓછી અસર થશે.

RBI ની જાહેરાતના મહત્વના મુદ્દા:

 • 2000/- ની નોટ એ માન્ય ચલણ ગણાશે જ.
 • 2000/- ની નોટ જાહેર જનતા પોતાના બેન્ક ખાતામાં જમા કરવી શકશે કે અન્ય નોટો સામે તબદીલ કરવી શકશે. આ જમા કરાવવામાં કે તબદીલ કરવામાં કોઈ વિશેષ નિયંત્રણ રહેશે નહીં.
 • બેન્કની વ્યાવહારિક સરળતા માટે 2000/- ની નોટો એક સાથે 20000/- ની મર્યાદામાં તબદીલ (એક્સચેન્જ) કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.
 • 2000/- ની નોટનું ચલણ બંધ કરવાની આ કવાયત 30 સપ્ટેમ્બર સુધીની સમયમર્યાદામાં પુર્ણ કરવા બેન્ક ખાતેદારોને યોગ્ય સમય આપશે.
 • 2000/- ની નોટો 20000/- ની મર્યાદામાં તબદીલ કરવાની સગવડ RBI ની 19 રિજિનલ ઓફિસો પર પણ ઉપલબ્ધ રહેશે.
 • તાત્કાલિક અસરથી બેન્કોને 2000/- ની નોટો ગ્રાહકોને આપવાની મનાઈ કરવામાં આવી છે.
 • જાહેર જનતાને 2000/- ની નોટો 30 સપ્ટેમ્બર સુધીમાં બેન્કમાં જમા કે તબદીલ કરવા RBI દ્વારા વિનંતી કરવામાં આવી છે.

RBI ના આ પગલાં અંગેના ઉપયોગી પ્રશ્નો તથા તેના જવાબ

 1. શું કરવા 2000/- ની નોટ ચલણ માંથી દૂર કરવામાં આવી રહી છે?

જવાબ: 2000/- ની નોટ ચલણમાં લાવવાનો મુખ્ય હેતુ નોટબંધી દરમ્યાન જાહેર જનતાને તકલીફ ના પડે તે હતો. હાલ આ હેતુ પૂર્ણ થઈ ગયો હોય 2000/- ની નોટો દૂર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત RBI ની “ક્લીન નોટ પોલિસી” અંતર્ગત પણ આ બેન્ક નોટને 4-5 વર્ષનો સમય થઈ ગયો હોય જાહેર જનતાને સારી નોટ મળી રહે તે હતુંથી પણ આ કવાયત હાથ ધરવામાં આવેલ છે.

 1. શું RBI ની જાહેરાત બાદ પણ 2000/- ની નોટ માન્ય નાણું ગણાશે? શું ખરીદ વેચાણના વ્યવહારોમાં આ નોટનો ઉપયોગ થઈ શકે?

જવાબ: હા, 2000/- ની નોટ સરક્યુંલેશન માંથી દૂર કરવામાં આવેલ છે. આનો સામાન્ય અર્થ એ થાય કે એક વાર આ નોટ બેન્કમાં જમા થાય પછી પાછી આપવામાં આવશે નહીં. પરંતુ આ 2000/- ની નોટ ચોક્કસ માન્ય ચલણી નાણું છે અને ખરીદ-વેચાણના વ્યવહારમાં ચોક્કસ તેનો ઉપયોગ થઈ શકે છે.

 1. 2000/- ની ચલણી નોટો બેન્કમાં જમા કરાવવા ઉપર કોઈ મર્યાદા જાહેર કરેલ છે?

જવાબ: ના, 2000/- ની નોટો બેન્કમાં જમા કરાવવામાં કોઈ મર્યાદા જાહેર કરેલ નથી. 20000/- રૂપિયાની મર્યાદા એ માત્ર નોટ તબદીલ કરવા બાબતે છે અને તે પણ માત્ર બેન્કની વ્યાવહારિક મુશ્કેલી જોઈ આ મર્યાદા RBI દ્વારા જાહેર કરેલ છે.

 1. 2000/- ની ચલણી નોટ માત્ર વ્યક્તિ પોતાનું ખાતું જે બેન્કમાં હોય ત્યાં જ તબદીલ કરી શકે?

જવાબ: ના, વ્યક્તિ પોતાનું ખાતું બેન્કમાં હોય કે ના હોય તો પણ 20000/- સુધીની એક સમયની મર્યાદામાં 2000/- ની નોટ તબદીલ કરવી શકે છે.

 1. હું પેટ્રોલ પંપ ધરાવું છું. 2000/- ની નોટ રદ્દ થઈ રહી છે તેમ માની અમારે ત્યાં ગ્રાહક નાની રકમનું પેટ્રોલ/ડીઝલ ભરવી 2000/- ની નોટો આપે છે. આવા સમયે ગ્રાહકને ના પાડવામાં આવે તો ગ્રાહક સાથે ઝઘડો થાય છે. શું અમે લીધેલ 2000/- ની નોટ બાબતે ઇન્કમ ટેક્સ તરફથી કનડગત આવી શકે છે.?

જવાબ: ના, આ કોઈ નોટબંધી નથી. એવું કહેવું શક્ય નથી કે આ બાબતે કોઈ પૂછ પરછ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા કરવામાં ના આવી શકે. પરંતુ પ્રમાણિક વેપારી માટે પૂછ પરછ થાય તો પણ કોઈ તકલીફ પડે નહીં તેવો મારો મત છે. ગ્રાહકો કોઈ પણ માન્ય નોટ આપે તો તેના બદલ પેટ્રોલ ડીઝલ આપવું જોઈએ તેવો મારો મત છે. ગ્રાહકોએ પણ એ બાબત સમજવી જરૂરી છે કે 2000/- ની નોટમાં કોઈ નોટબંધી થઈ નથી પરંતુ આવનારા 4 મહિનામાં તેને સર્ક્યુલેશન માંથી હટાવી દેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવેલ છે. આમ, આવી રીતે આ 2000 ની નોટ પધરાવવા માટે પેટ્રોલ કે ડીઝલ ભરાવવું યોગ્ય નથી.

 1. હું સોનાના વેપાર સાથે જોડાયેલ છું. 2000/- ની નોટ બંધ થઈ રહી છે તે જાણી અમારી પાસે ગ્રાહકોનો ઘસારો થઈ રહ્યો છે. ગ્રાહકો પોતાની મોટાભાગની ચુકવણી 2000/- ની નોટો માં કરી રહ્યા છે. તો આવા સમયે આ 2000/- ની નોટ માં વેચાણ કરવા બાબતે ઇન્કમ ટેક્સ તરફથી કોઈ પૂછ પરછ થઈ શકે ખરી?

જવાબ: અગાઉના જવાબમાં જણાવ્યુ છે તેમ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ આ બાબતે પૂછ પરછ જરૂરી કરી શકે છે પરંતુ પ્રમાણિક વેપારીએ પોતાની પાસે રહેલી વિગતો રજૂ કરી તેનો જવાબ આપવો જોઈએ. પ્રમાણિક વેપાર માટે 2000/- ની નોટ લેવામાં આવે તો કોઈ મુશ્કેલી આવે નહીં તેવો મારો મત છે.

2000/- ની નોટ સરક્યુંલેશન માંથી ધીરે ધીરે પરંતુ ચોક્કસ પણે હટાવી લેવામાં આવશે તેવું નિષ્ણાંતો માની રહ્યા હતા. નોટબંધી જેવુ કોઈ પગલું આ પગલાંને ગણવામાં ના આવે તે માટે જ આ પગલાં ની જાહેરાત પ્રધાનમંત્રી દ્વારા નહીં પરંતુ RBI ગવર્નર દ્વારા કરવામાં આવી છે. 2000/- ની નોટો તુરંત જ માન્ય નહીં ગણાય (લીગલ ટેન્ડર) તેવી જાહેરાત ના બદલે 2000/- ની નોટને માન્ય જ રહેવા દેવામાં આવી છે. આ નોટ પોતાના ખાતામાં જમા કરાવવા કે તબદીલ કરાવવા 4 મહિનાથી પણ વધુ સમય આપવામાં આવેલ છે. આમ, RBI ના આ પગલાંથી ગભરાવવાની જરૂર રહેતી નથી. કાળાનાણાંના સમાંતર અર્થતંત્રને તોડવા, ભ્રષ્ટાચાર ઓછો કરવામાં RBI નું આ પગલું લાંબાગાળે ઉપયોગી થશે તે ચોક્કસ છે.

(આ લેખ જાણીતા દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તારીખ 29 મે 2023 ના રોજ પ્રકાશિત થયેલ છે)

2 thoughts on “શું ફરી જાહેર કરવામાં આવી છે નોટબાંધી???

 1. aapno upar pramane je pramanik vepari, pramanik vepari ni samaj aapo choo e practical nathi, 90% vepario kai rete dhandho kare chee e sarkarne pan khabar chhe, mate vatte ochhe anse taklif to badhane padvani j chhe.

  vali tamo kaho chho em lokone sagvadta mate 2000 ni note issue kari hati e vaat pan gale utarti nathi,

  1. Ok, Shahidbhai. These are my views. It is very obvious that my view can not be acceptable to all. Totally agree to your disagreement.

Comments are closed.

error: Content is protected !!