Demo by Namo….. Successful or Failure @ 6….

Spread the love
Reading Time: 5 minutes

તા. 08.11.2022

ભાઈઓ તથા બહેનો…. 08 નવેમ્બર 2016ના રોજ રાત્રિના 8 કલાકે જ્યારે પ્રધાનમંત્રી મોદીએ ડિમોનેટાઇઝેશન/નોટબંધીની જાહેરાત કરી અને ભારત અને ભારતીયોના જીવનમાં અભૂતપૂર્વ પરીવર્તન આવી ગયું. આજે આ નોટબંધીની જાહેરાતને પાંચ વર્ષનો સમય વીતી ગયો છે. આજે પણ આ પ્રશ્ન સામાન્ય રીતે લોકોમાં ચર્ચાનો વિષય બની જતો હોય છે કે શું હતો આ નોટબંધીનો હેતુ?? શું આ હેતુ નોટબંધીના પાંચ વર્ષ બાદ પૂર્ણ થયો છે?? શું છે પરિસ્થિતી જમીનીસ્તરે છ વર્ષ પછી?? નોટબંધી સફળ છે નિષ્ફળ તે બાબતે અવારનવાર ચર્ચાઓ થતી રહે છે. આજે આ લેખમાં નોટબંધીની અંગેની સફળતા-નિષ્ફળતા બાબતેના મારા અંગત મંતવ્ય આપવામાં આવ્યો છે.

નોટબંધીના ઉદ્દેશ:

નોટબંધી લાગુ કરવા પાછળનો સૌથી મોટો ઉદેશ અર્થતંત્રમાં રહેલું કાળું નાણું ઓછું કરવા તથા કળાનાણાં વડે ચાલતા સમાંતર અર્થતંત્રને નાબૂદ કરવાનો અને ટેક્સ કલેક્શન વધારવાનો હતો. આ ઉપરાંત દેશમાં રહેલા નકલી નોટોના કારોબારને નષ્ટ-નાબૂદ કરવા, આતંકવાદી પ્રવૃતિઓમાં વપરાતા નાણાંને રોકવા, દેશમાં ડિજિટલ “કેશલેસ” ઈકોનોમીને વધારવા ના ઉદેશ સાથે નોટબંધી લાગુ કરવામાં આવી હતી.

શું નોટબંધીનો ઉદેશ પૂરા થયા?

નોટબંધીના પાંચ વર્ષ બાદ આજે આ વિષય ઉપર ચર્ચતો સૌથી મહત્વનો પ્રશ્ન હોય તો તે આ પ્રશ્ન છે. શું પાંચ વર્ષ બાદ લાગે છે કે નોટબંધીના ઉદેશ પૂરા થયા છે??? આવો આ વિષય ઉપર એક અંદાજ મેળવવા પ્રયાસ કરીએ.

કાળુંનાણું રોકવામાં જોઈએ તેવી સફળતા મળી નહીં:

સરકાર દ્વારા જ્યારે નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે એવું આંકલન કરવામાં આવ્યું હતું કે નોટબંધીમાં મોટા પ્રમાણમા 500 અને 1000 ની નોટમાં કાળુંનાણું ધરાવનાર વ્યક્તિ પોતાનું કાળુંનાણું બેન્કમાં જમા નહીં કરાવે. આમ, નોટબંધી બાદ કળા નાણાંનું ચલણ નહીં રહે અને દેશના અર્થતંત્ર ઉપર આ કળાનાણાંનો બોજ ઓછો થશે. 2018 ની સાલમાં રિસર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ના અહેવાલ મુજબ ચલણમાં હોય તેવી 500 તથા 1000 ની 99.3% નોટો બેન્કમાં જમા કરાવવામાં આવી હતી. આમ, માત્ર 0.7% નોટ જ જમા કરવવામાં આવી ના હતી. કુલ 15.41 લાખ કરોડની રકમની નોટ “ડિમોનેટાઇઝ” કરવામાં આવેલ હોય, જે પૈકી 15.30 લાખ કરોડ નોટો બેન્કમાં જમા કરવી આપવામાં આવી હતી. માત્ર 10720 કરોડના મૂલ્યની “ડીમોનેટાઇઝ” નોટો જ જમા ના થઈ શકી હતી. નિષ્ણાંતો મને છે કે આ જમા ના થયેલી નોટો પૈકી તમામ રકમ કળાનાણાંની છે તે માનવું ભૂલ ભરેલું છે. ઘણા એવા કિસ્સા છે કે વ્યાવહારિક મુશ્કેલીઓના કારણે લોકો પોતાની મહેનતની કમાણી તથા બચત બેન્કમાં જમા કરવી શક્યા નથી. નોટબંધીનો સૌથી મહત્વનો આ હેતુ મહદ્દઅંશે સફળ થયો નથી તેમ ગણી શકાય.

ટેક્સ કલેક્શનમાં વધારો:

ઇન્કમ ટેક્સ કલેક્શનમાં તથા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરનારાની સંખ્યામાં નોટબંધી બાદ વધારો થયો છે તે ચોક્કસ છે. રિટર્ન ભરનારા વર્ગ સાથે ટેક્સ ભરનાર વર્ગમાં પણ ખાસ્સો વધારો જોવા મળ્યો હતો. ટેક્સમાં થયેલ આ વધારો નોટબંધી પહેલા બહાર પાડવામાં આવેલ “ઇન્કમ ડિસક્લોઝર સ્કીમ” ને પણ આભારી હતો. નોટબંધી બાદ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા “ઓપરેશન ક્લીન મની” શરૂ કરવામાં આવ્યું હતું. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા 2.5 લાખથી વધુની રકમ બેન્કમાં જમા કરાવનાર લોકોને આ જમા રકમ બાબતના સ્ત્રોત અંગે પૂછપરછ કરવામાં આવી હતી. આ જમા રકમ બાબતે અનેક કરદાતાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેક્સ ફિલ્ડ સાથે જોડાયેલ વ્યક્તિ તરીકે એક બાબતની નોંધ ચોક્કસ લેવી પડે કે નોટબંધી બાદ લોકોની માનસિકતામાં પરીવર્તન જરૂર આવ્યું છે. લોકો યોગ્ય ટેક્સ ભરવા અંગે સભાન બન્યા છે અને એવું માનતા થયા છે કે મોદીસાહેબની કામ કરવાની પદ્ધતિ જોતાં હવે જો યોગ્ય ટેક્સ નહીં ભરવામાં આવે તો આગળ જતાં વધુ મુશ્કેલી ભોગવવી પડી શકે છે. આમ, અંગત રીતે હું ચોક્કસ એવું માનું છું કે નોટબંધીના કારણે ટેક્સ ભરવાં અંગેની માનસિકતામાં પરીવર્તન આવ્યું છે.

 નકલી ચલણી નોટોનું દૂષણ:

નોટબંધીના કારણે શરૂઆતમાં 500 અને 1000 ની “ડિમોનેટાઇઝ” નોટોના નકલી ચલણી નોટોના નેટવર્કને ચોક્કસ મોટો ફટકો પડ્યો હશે તે બાબતે બેમત નથી. આ પ્રકારના કળા કારોબાર સાથે જોડાયેલ વ્યક્તિની ઊંઘ હરામ કરનારા આ નિર્ણયથી ટૂંકાગાળામાં નકલી નોટોનું ચલણ ચોક્કસ ઘટ્યું હતું. પરંતુ વિવિધ અહેવાલો મુજબ ધીરે ધીરે 500 ની નવી નોટો તથા 2000 ની નોટોની પણ નકલી નોટો બજારમાં ફરવા માંડી છે. હા, આ કળા કારોબાર સાથે સંકળાયેલ લોકોને ઝટકો આપી નોટબંધીના આ નિર્ણયે તેઓને મુશ્કેલ સ્થિતિમાં મૂકી આપ્યા હશે તથા તેઓની માનસિકતાને નુકશાન થયું હશે તે બાબતે કોઈ શંકાના સ્થાન નથી. નકલી ચલણી નોટો બાબતે નોટબંધી ટૂંકા ગાળા માટે ચોક્કસ સફળ ગણાય પરંતુ લાંબાગાળામાં આ દૂષણને રોકી શકવામાં સફળતા મળી નથી તેવું મનાઈ રહ્યું છે.

આતંકવાદી પ્રવૃતિ ઉપર અસર:

નોટબંધી લાગુ કરવાનો એક ગર્ભિત હેતુ આતંકવાદી પ્રવૃતિમાં વપરાતા કળાનાણાંનો ઉપયોગ રોકવાનો પણ હતો. કશ્મીર વિસ્તારમાં રોજ બરોજ થતાં પત્થરમારા, છૂટા છવાયા પરંતુ નિરંતર થતાં આતંકવાદી છમક્લા તે આર્થિક પીઠબળ દ્વારા થતાં હોવાના સરકાર પાસે અહેવાલો હતા. આ આતંકવાદી પ્રવૃતિને રોકવા આ નોટબંધી ઉપયોગી બનશે તેવી સરકારની માન્યતા હતી. વિવિધ અહેવાલો મુજબ નોટબંધી બાદથી કશ્મીરમાં રોજ થતાં પત્થરમારાની સમસ્યા મહદ્દઅંશે બંધ થઈ ગઈ હતી. આતંકવાદી પ્રવૃતિઓ માટે મળી રહેલા કાળાનાણાં ઉપર રોક લાગી જતાં આ પ્રવૃતિઓ આર્થિક પ્રલોભન વડે ચલાવવી મુશ્કિલ બની ગઈ હતી. આર્થિક સંકળામણને કારણે આતંકવાદી પ્રવૃતિઓ અટકાવવામાં સારી સફળતા મળી છે તેવા અહેવાલો છે અને નોટબંધી દરમ્યાન આતંકવાદીઓ (નક્સલીઓ સહિત) નો પ્રત્યાર્પણનો દર સૌથી ઊચો રહ્યો હોવાના અહેવાલો છે. આમ, આતંકવાદી પ્રવૃતિઓને ઓછી કરવામાં નોટબંધી સફળ રહી છે તેવું કહી શકાય.

કેશ-લેસ ઈકોનોમી વધારવા ઉપર અસર:

નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટ ખાસ્સું એવું લોકપ્રિય બની રહ્યું છે. ડિજિટલ પેમેન્ટ વધારવાને નોટબંધીનો એક મહત્વનો હેતુ ગણવામાં આવે છે. નોટબંધી દરમ્યાન એટલેકે નવેમ્બર તથા ડિસેમ્બર 2016 માં રોકડની તકલીફોને કારણે ડિજિટલ પેમેન્ટમાં ખૂબ મોટો ઉછાળો જોવા મળ્યો હતો. 2018 સુધીમાં ડિજિટલ પેમેન્ટમાં 2016 સાપેક્ષમાં બમણો વધારો જોવા મળ્યો હતો. જો કે ધીરે ધીરે રોકડ તરલતા વધતાં ડિજિટલ પેમેન્ટના આ વધારાની રફતારમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ એક બાબત ચોક્કસ છે આજે ભારતના લોકોએ ખાસ કરીને યુવા વર્ગે ડિજિટલ પેમેન્ટને સંપૂર્ણ રીતે સ્વીકારી લીધું છે. આજે, ડિજિટલ પેમેન્ટ (UPI), ક્રેડિટ કાર્ડ દ્વારા લોકો ચાની લારીથી માંડી મોબાઈલની ખરીદી માટે ચુકવણી કરી રહ્યા છે. છેલ્લા 3 મહિનામાં ભારતના ઉત્તર-દક્ષિણ તથા પૂર્વ-પશ્ચિમ એમ તમામ દિશાઓમાં ફરવાનો મોકો મળ્યો છે. આ પ્રવાસ દરમ્યાન એક બાબતની ચોક્કસ નોંધ લીધી છે કે દિલ્હી હોય કે ચેન્નઈ, કોલકત્તા હોય કે અમદાવાદ ડિજિટલ પેમેન્ટમાં આજે ખાસ્સો એવો વધારો થયો છે. નોટબંધીને આ બાબતનું સંપૂર્ણ શ્રેયના આપવામાં આવે તો પણ નોટબંધીને આ બાબતે પ્રથમ પગલું તો માનવું જ રહ્યું. આમ, કહી શકાય કે ડિજિટલ પેમેન્ટ વધારવામાં નોટબંધી મહદ્દઅંશે સફળ રહી ગણાય.

નોટબંધી દરમ્યાન લોકો દ્વારા વેઠવામાં આવી અનેક મુશ્કેલીઓ:

નોટબંધીની જાહેરાત થતાં લોકો દ્વારા અનેક હાડમારીઓ ભોગવવાની સ્થિતિ ઊભી થઈ હતી. સામાન્ય લોકો માટે પોતાની બચતની પૂંજી બેન્કમાં જમા કરાવવાની મુશ્કેલી હતી તો બીજી તરફ પોતાના રોજ બરોજના વ્યવહારો ચલાવવા નવી નોટો મેળવવા બેન્કમાં લાંબી કતારોમાં ઊભા રહેવાની સમસ્યા હતી. ખૂબ મોટા પ્રમાણમા ચાલતી અર્થવ્યવસ્થામાં જ્યારે અંદાજે 80% થી વધુ ચલણી નાણું રોકી આપવામાં આવ્યું હોય ત્યારે “જલ બિન મછલી” જેવી જ સ્થિતિ ઉપસ્થિત થાય તે સ્વાભાવિક છે. સંસદમાં વિપક્ષ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો મુજબ નોટબંધીના કારણે 100 થી વધુ લોકોના મોત નિપજ્યાં હતા. જોકે સરકાર દ્વારા આધિકારિક રીતે ચાર લોકોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી જે પૈકી 3 બેન્ક કર્મચારીઓ હતા અને 1 ગ્રાહક હતો તેવી વિગતો બહાર પાડવામાં આવી છે.

આજે છ વર્ષ પછી પણ નોટબંધી દરમ્યાન જમા કરાવેલ રકમના સ્ત્રોત બાબતની તપાસ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા હાલ ફેર આકારણી કે અપીલ તબક્કે હાથ ધરવામાં આવી રહી છે. જે કેસોમાં મોટી રકમ જમા કરાવવાના કારણે મોટો ઇન્કમ ટેક્સ ભરવાની જવાબદારી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા ઊભી કરવામાં આવી છે તે માટેની આપીલો વર્ષો સુધી ચાલુ રહેશે. જમીની સ્તરે ટેક્સ અંગેના કેસો સાથે જોડાયેલો હોવાના કારણે એવું ચોક્કસ માનું છું કે નોટબંધીમાં જે કરદાતાઓ વિરુદ્ધ મોટી માંગણાની રકમ ઊભી થઈ છે તેમાથી મોટાભાગની ખોટી અને ટેકનિકલ કારણોસર ઊભી થયેલ છે. આ ઉપરાંત કરદાતાઓને પોતે જમા કરાવેલ રકમ સાબિત કરવા જે મુશ્કેલી થઈ છે તેના અમે ટેક્સ પ્રોફેશનલ્સ મૂક શક્ષી છીએ. કોઈ કરદાતા પોતાની જમા રકમ સાબિત કરવામાં ટેકનિકલ કારણોસર નિષ્ફળ જાઇ તો પણ 77% જેવો ટેક્સ લાદવામાં આવે છે. ટેક્સનો આ દર ખૂબ વધુ, અવ્યવહારિક અને બિનતાર્કિક ગણી શકાય. અવ્યવહારિક્તાની હદ તો ત્યારે ગણાય જ્યારે નોટબંધીના છ વર્ષ પછી પણ આ ટેક્સનો આ ખાસ દર જાળવી રાખવામા આવ્યો છે. નોટબંધીણે આજે છ વર્ષ થઈ ગયા છે આમ છતાં 77% જેવા આ ખાસ દરે આજે પણ ઘણા કિસ્સાઓમાં કરદાતાને ટેક્સ ભરવાં જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. આ દરમાં સુધારો કરવો ખૂબ જરૂરી છે. જો આ ઊંચા દરો દૂર કરવામાં નહીં આવે તો “ટેરેરીઝમ” તો દૂર થતાં થશે પરંતુ “ટેક્સ ટેરેરીઝમ” ચોક્કસ ઘર કરી જશે. મારા અંગત મત પ્રમાણે નોટબંધીનો વિચાર એ ખૂબ જરૂરી અને મહત્વનો નિર્ણય હતો. વડાપ્રધાન મોદીની નીડર વ્યક્તિત્વનો એમાં પ્રભાવ દેખાઈ આવે છે. આ પ્રકારના અલગ તથા સખત નિર્ણયથી તકલીફ તમામને થાય છે પણ લાંબાગાળાના હિત મતે આ પ્રકારના આકરા નિર્ણયો ઉપયોગી થતાં હોય છે. ભારતને “Cashless Economy” બનાવવી શક્ય નથી પણ “Less Cash Economy” ચોક્કસ બનાવી શકાય છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

નોટબંધી આજે 6 વર્ષ બાદ આપના મત મુજબ સારી ગણી શકાય કે ખરાબ તે અંગે આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો)

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તારીખ 07.11.2022 ના રોજ પ્રકાશિત થયેલ છે.)

1 thought on “Demo by Namo….. Successful or Failure @ 6….

  1. જે પ્રોરપોજ થી નોટ બંધી કરી હતી એ સોલ્વ નથી થયો. કાળુ નાણું તો પાછું વધી જ ગયું. અને મોટી રકમ ની નોટ ચલણ માં મૂકી વધારે કાળુ નાણું ભેગુ થયું. જેટલી જગ્યા માં જેટલું નાણું આવતું એટલી જ જગ્યા માં ૨૦૦૦/- ની નોટ ચલણ માં મૂકી એટલી જ જગ્યા માં નાણાં ની વેલ્યુ વધી ગઈ. બાકી કર ચોરી ઓછી થઈ છે.

Comments are closed.

error: Content is protected !!