વિદ્યાર્થીના ઓછા CIBIL સ્કોરના કારણે એજ્યુકેશન લોન અટકાવવી અયોગ્ય: કેરાલા હાઇકોર્ટ
તા. 12.06.2023: કેરાલા હાઇકોર્ટ દ્વારા એક મહત્વનો આદેશ પસાર કરતાં ઠરાવ્યું છે કે વિદ્યાર્થી દ્વારા માંગવામાં આવેલ એજયુકેશન લોન, ઓછા CIBIL સ્કોરના કારણે અટકાવવી જોઈએ નહીં. અરજ્કર્તા નોએલ પોલ ફ્રેડી દ્વારા માંગવામાં આવેલ 4,07,200/- ની લોન સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ઓછા CIBIL સ્કોરના કારણે નામંજૂર કરવામાં આવી હતી. આ સામે દાદ માંગતી રીટ પિટિશન કેરાલા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. અરજ્કર્તા દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે આ એજ્યુકેશન લોન તેઓને નહીં મળે તો તેઓ ભયંકર મુશ્કેલીમાં મુકાઇ જશે. બેન્ક વતી દલીલ કરવામાં આવી હતી કે અરજ્કર્તા દ્વારા અગાઉ લેવામાં આવેલ લોન પૈકી 16,667/- જેવી રકમ બાકી છે. આ લોનની બાકી રકમ જે તે બેન્ક દ્વારા માંડી વળવામાં આવેલ છે. આ કારણે જ અરજ્કર્તાનો CIBIL સ્કોર ઓછો છે. બેન્ક વતી ઉપસ્થિત વકીલ દ્વારા એ પણ દલીલ કરવામાં આવી હતી કે જો આવી રીતે CIBIL ઓછો હવા છતાં અરજ્કર્તાને લોન આપવામાં આવે તો એ ઇંડિયન બેન્ક એસોસીએશન દ્વારા બહાર પાડવામાં આવેલ સૂચનાઑથી વિરુદ્ધ થશે. આ સાથેજ અરજ્કર્તાના વકીલ દ્વારા એ બાબતે કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે અરજ્કર્તાને મલ્ટીનેશનલ કંપની તરફથી નોકરીનો પ્રસ્તાવ આવેલ છે.
બન્ને પક્ષોની દલીલ સાંભળી કેરાલા હાઇકોર્ટ દ્વારા ઠરાવવામાં આવ્યું હતું કે કાયદાકીય રીતે બેન્ક તદ્દન સાચી છે. પરંતુ પરિસ્થિતીની ગંભીરતા જોતાં સંજોગો અરજ્કર્તાની તરફેણ કરે છે. તેઓને ઓમાન ખાતે નોકરી મળી ગઈ છે તે પુરાવા રેકોર્ડ પર છે. લોન અરજી અંગે નિર્ણય લેતા સમયે બેન્કો માનવીય અભિગમ રાખે તે જરૂરી છે. વિદ્યાર્થીઓ આવતીકાલના દેશનું ભવિષ્ય છે. માત્ર, અરજ્કર્તા વિદ્યાર્થીનો CIBIL સ્કોર ઓછો હોવાથી એજ્યુકેશન લોન અટકાવવી યોગ્ય નથી. બેન્ક આ સમયે ખૂબ “ટેકનિકલ” નિર્ણય લઈ રહી છે જ્યારે કોર્ટ દ્વારા જમીની સ્તરની વાસ્તવિક્તા સ્વીકારવી વધુ જરૂરી લાગે છે. આ કારણોસર કેરેલા હાઈકોર્ટના જસ્ટિસ પી.વી. કુનહીકૃષ્ણન દ્વારા બેન્કને આદેશ કરવામાં આવ્યો કે અરજ્કર્તા વિદ્યાર્થી દ્વારા માંગવામાં આવેલ 4,07,200/- ની લોન તેઓને આપવામાં આવે. માત્ર ઓછા CIBIL સ્કોરના કારણે લોન અટકાવી શકાય નહીં તે બાબત પર આ મહત્વનો ચુકાદો કેરેલા હાઇકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે