ઇન્કમ ટેક્સ હેઠળ AIS તથા TIS કરદાતા માટે છે ઉપયોગી કે આફતરૂપ??

Spread the love
Reading Time: 3 minutes

ઇન્કમ ટેક્સ હેઠળ કરદાતાની આવક તથા આર્થિક વ્યવહારોની માહિતી દર્શાવે છે AIS તથા TIS

તા. 08.06.2023

ઇન્કમ ટેક્સ હેઠળ રિટર્ન ભરવાની પદ્ધતિમાં તથા તેને લગતા નિયમોમાં સતત ફેરફાર થતાં રહેતા હોય છે. આ પદ્ધતિમાં છેલ્લા ત્રણ વર્ષથી આમૂલ પરીવર્તન આવી ગયું છે. ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર કરદાતા પોતાના આર્થિક વ્યવહારોની માહિતી એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એટ્લેકે AIS તથા ટેક્સ પેયર્સ ઇન્ફોર્મેશન સમરી એટલેકે TIS દ્વારા જોઈ શકે છે. AIS હેઠળ કરદાતાને તેઓના તમામ મોટા વ્યવહારોની વિગતો મળે છે જ્યારે TIS હેઠળ કરદાતાને પોતાની આવક સબંધી મહત્વની માહિતી મળી રહેતી હોય છે. આ AIS તથા TIS એ અન્ય કરદાતાઑ દ્વારા જે તે સરકારી તથા ખાનગી એજન્સી દ્વારા આપવામાં આવતી વિગતો તથા અન્ય કરદાતા સાથેના વ્યવહારોની આપવામાં આવતી વિગતો ઉપરથી તૈયાર કરવામાં આવતું હોય છે.

શું છે આ AIS તથા TIS?

સામાન્ય ભાષામાં વાત કરીએ તો AIS એક એવું પત્રક છે જે પત્રકમાં કરદાતા દ્વારા કરવામાં આવેલ વિવિધ નાણાકીય વ્યવહારોની ત્રાહિત વ્યક્તિઓ પાસેથી મળેલ માહિતીની વિગતો હોય છે. આ વિગતોમાં કરદાતા દ્વારા બેન્કમાં કરવામાં આવેલ રોકડ-જમા ઉપાડ, મોટી મિલ્કતની ખરીદી-વેચાણ, કોઈ એક ઉત્પાદક-વેપારી પાસેથી કરવામાં આવેલ મોટી ખરીદીઓ, શેર બજારના મોટા વ્યવહાર જેવી વિગતોનો સમાવેશ થાય છે. આ વિગતો ઉપરથી કરદાતાને ઇન્કમ ટેક્સ ભરવામાં ઉપયોગી માહિતી સંક્ષિપ્ત સ્વરૂપમાં TIS માં આપવામાં આવે છે. કરદાતા TIS ઉપરથી પોતાના રિટર્ન ભરવા માટે ઘણી ઉપયોગી માહિતી મેળવી શકે છે.

આ વિગતો કરદાતા માટે છે ઉપયોગી કે આફતરૂપ??

AIS તથા ખાસ કરીને TIS ની વિગતો ગત વર્ષથી કરદાતાઓને ઉપલબ્ધ કરવવામાં આવી છે. આ વિગતો કરદાતા માટે ઉપયોગી છે કે આફતરૂપ છે તે વિષે અનેક પ્રશ્નો અને વિવિધ મંતવ્યો ઉપસ્થિત થતાં હોય છે. આ બાબતે ટેક્સ પ્રોફેશનલ્સમાં પણ અલગ અલગ મંતવ્યો રહેતા હોય છે. એક ટેક્સ એડવોકેટ તરીકે હું ચોક્કસ માનું છું કે AIS અને ખાસ કરીને TIS દ્વારા પ્રાપ્ત થતી વિગતો કરદાતા માટે આફતરૂપ નહીં પણ ઉપયોગી છે. TIS ની વિગતો કરદાતા માટે આફત સમાન નહીં પણ ચેતવણી સમાન ગણી શકાય. અગાઉ આ પ્રકારની ઘણી વિગતો આકારણી અધિકારીને પોતાના સૉફ્ટવેરમાં તો દર્શાવતી જ હતી. આ વિગતોનો ઉપયોગ કરી ઘણા કરદાતાઓના કેસોમાં આકારણી તથા ફેર આકારણી કરવામાં આવતી હોય તેવા અનેક ઉદાહરણો છે. હવે જ્યારે આ માહિતી AIS તથા TIS માં કરદાતાને ઉપલબ્ધ કરવવામાં આવેલ છે ત્યારે કરદાતા પાસે રહેલી આ માહિતીનો યોગ્ય ઉપયોગ કરી પોતાનું રિટર્ન અને તેમાં દર્શાવેલ આવકો આ AIS/TIS નો અભ્યાસ કરી દર્શાવવામાં આવે તે જરૂરી છે. જો કરદાતા તથા તેમના ટેક્સ પ્રોફેશનલ્સ દ્વારા યોગ્ય કાળજી રાખી આ વિગતોનો ઉપયોગ કરી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં આવે તો ચોક્કસ આ AIS તથા TIS કરદાતા માટે ઉપયોગી સાબિત થતી હોય છે. પરંતુ જો કોઈ કરદાતા આ વિગતોને ધ્યાને લીધા સિવાય પોતાનું રિટર્ન ગાફેલ રહીને ભરવામાં આવે તો આ AIS તથા TIS ની માહિતી તેના માટે આફતરૂપ પણ બની શકે છે.

AIS કે TIS ધ્યાને લીધા સિવાય ભરવામાં આવેલ રિટર્ન રિવાઈઝ કરી શકાય છે!!

31 જુલાઇ સુધીમાં સામાન્ય રીતે ઓડિટ લાગુ ના પડતું હોય તેવા કરદાતાઓ એ પોતાના રિટર્ન ભરી આપવાના હોય છે. ઘણા કરદાતા એવા છે કે જેઓએ AIS તથા TIS ને ધ્યાને લીધા સિવાય પોતાના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી આપ્યા છે. આવા કરદાતાઓમાં મોટાભાગે એવા કરદાતાઓનો સમાવેશ થાય છે કે જેઓ પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન જાતે, કોઈ ટેક્સ પ્રોફેશનલની મદદ લીધા વિના ભરી આપતા હોય છે. સામાન્ય રીતે ટેક્સ પ્રોફેશનલ્સ AIS તથા TIS ની ઉપયોગિતા બરાબર સમજે છે અને આથી તેઓ દ્વારા ભરવામાં આવેલ રિટર્નમાં આ પ્રકારે AIS/TIS ધ્યાને ના લેવામાં આવ્યું હોય તેવું જવલ્લેજ બને. કોઈ પણ સંજોગોમાં જો કરદાતાએ પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન AIS અને TIS ધ્યાને લીધા સિવાય ભર્યું હોય તેઓ તેઓ દ્વારા AIS તથા TIS ચકાસી જરૂર લાગે તો પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન રિવાઈઝ કરી આપવું હિતાવહ છે.

AIS અથવા TIS માં દર્શાવવામાં આવેલ માહિતી સાચી ના હોય તો કરદાતા પાસે શું છે વિકલ્પ??

ઉપર જણાવેલ છે તેમ AIS તથા TIS ની માહિતી ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર ત્રાહિત વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ હોય છે. ક્યારે એવી શક્યતા પણ રહેતી હોય છે કે આ માહિતી આપવામાં કોઈ ભૂલ થયેલ હોય. જ્યારે AIS કે TIS ની માહિતી સાચી ના હોય તેવા સંજોગોમાં કરદાતાએ આ ખોટી માહિતી અંગે ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર ફિડબેક આપવો જરૂરી છે. આ ફિડબેકમાં કરદાતા દર્શાવી શકે છે કે AIS કે TIS માં તેમના PAN ઉપર દર્શાવવામાં આવેલ માહિતી તેઓની નથી. કરદાતા જાણતા હોય કે આ માહિતી ક્યાં PAN (કરદાતા) ને લગતી છે તો તે અંગે તે PAN દર્શાવી ફિડબેક આપી શકે છે. આ માહિતી જે વર્ષમાં દર્શાવવામાં આવેલ હોય તે સિવાયની હોય તો પણ કરદાતા આ અંગે વર્ષ બાબતે ફિડબેક આપી શકે છે. આ માહિતી અધૂરી કે સંપૂર્ણપણે સાચી ના હોય કે સંપૂર્ણ પણે માહિતી ખોટી હોય તો પણ કરદાતા આ ફિડબેક આપી આ માહિતીનો અસ્વીકાર કરી શકે છે.

ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર 01 નવેમ્બર 2021 થી શરૂ કરવામાં આવેલ AIS તથા TIS ની સગવડ કરદાતા માટે આ કારણે ફાયદાકારક જ ગણી શકાય. પોતાના ઇન્કમ ટેક્સ રિટર્નમાં કઈ માહિતી ભરવી જરૂરી છે તેનો અંદાજ તેઓને આવી જતો હોય છે. આ ઉપરાંત AIS-TIS ના કારણે ક્યારેક શરત ચૂકથી કોઈ આવક કે વ્યવહાર દર્શાવવામાં ચૂક થયેલ હોય તો પણ આ માહિતી ઉપરથી કરદાતા આ આવક કે વ્યવહાર યોગ્ય રીતે દર્શાવી શકે છે. આમ, કરદાતા દ્વારા AIS તથા TIS માં દર્શાવવામાં આવેલ માહિતીનો ઉપયોગ કરી ભારે તે જરૂરી છે.

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તારીખ 05 જૂન 2023 ના રોજ પ્રકાશિત થયેલ છે)

error: Content is protected !!
18108