ગ્રાહકો પાસે બિલિંગ સમયે ફરજિયાત મોબાઈલ નંબર માંગવો નથી યોગ્ય: ગ્રાહક બાબતોના મંત્રાલયે બહાર પાડી માર્ગદર્શિકા
મોબાઈલ નંબર ના આપવાના કારણે માલ ના વેચાણ કરવો, માલ પરત અટકાવવું કે રિફંડ અટકાવવું નથી યોગ્ય: મંત્રાલય
તા. 06.06.2023: ગ્રાહકો બાબતના મંત્રાલય દ્વારા એક મહત્વની માર્ગદર્શિકા બહાર પાડી વેપાર જગતને ગ્રાહકો પાસેથી ફરજિયાત માંગવામાં આવતા મોબાઈલ નંબર બાબતે નારાજગી વ્યક્ત કરવામાં આવેલ છે. મંત્રાલય દ્વારા આ માર્ગદર્શિકામાં જણાવાયું છે કે કોઈ પણ ગ્રાહક પાસે તેઓની સ્પષ્ટ મરજી સિવાય મોબાઈલ નંબર માંગવામાં આવે તે ગ્રાહક સુરક્ષાના નિયમો હેઠળ “અનફેર ટ્રેડ પ્રેક્ટિસ” ગણાય. આ બાબત ઇન્ફોર્મેશન ટેકનૉલોજિ એક્ટની કલમ 72-A નો પણ ભંગ ગણી શકાય. ગ્રાહકો દ્વારા પોતાનો મોબાઈલ નંબર આપવામાં આવે છે ત્યારબાદ સામાન્ય રીતે તેઓના ઉપર ગમતા-ના ગમતા મેસેજ આવવા શરૂ થઈ જતાં હોય છે. આવા મેસેજ ગ્રાહકો એ મોબાઈલ નંબર આપવાના કારણે આવતા હોય છે જે ક્યારેય ગ્રાહકોનો ઇરાદો હોતો નથી. મોબાઈલ નંબર ના આપવાના કારણે ગ્રાહકોને કોઈ માલ કે સેવા લેતા અટકાવવું, તે માલ પરતના હક્કો અટકાવવા, તેઓનું રિફંડ અટકાવવું તે ગ્રાહક સુરક્ષાના કાયદા હેઠળ “અનફેર ટ્રેડ પ્રેક્ટિસ” (અયોગ્ય વેપાર વ્યવહાર) ગણાય તેવું સ્પષ્ટ રીતે આ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે. વિવિધ ગ્રાહકો પાસેથી મળેલી ફરિયાદોના કારણે આ માર્ગદર્શિકા બહાર પાડી વિવિધ વેપારી સંગઠનોને પોતાના સભ્યોને આ બાબતે સૂચનાઓ આપવા આગ્રહ કરવામાં આવ્યો છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે