બોગસ ખરીદીના કારણથી નોંધણી દાખલો રદ કરતાં પહેલા ડિપાર્ટમેંટ દ્વારા ખરીદનાર-વેચનાર વચ્ચે સાંઠગાંઠ સાબિત કરવી છે જરૂરી: ઓરિસ્સા હાઇકોર્ટ
Reading Time: 3 minutes
Important Case Law With Tax Today
M/s Bright Star Plastic Industries Vs Additional Commissioner of Sales Tax (Appeals) and Others
Writ Petition no. 15265/2021
Order dt. 04.10.2021
કેસના તથ્યો
- કરદાતા PVC પાઇપ તથા અન્ય સલગ્ન વસ્તુના ઉત્પાદન તથા વેચાણનો ધંધો કરતાં હતા.
- તેઓને પહેલા ખોટી રીતે અને ખોટી વિગતો સાથે નોંધણી દાખલો લેવા બદલ નોંધણી દાખલો રદ્દ કરવા અંગેની કારણ દર્શક નોટિસ ફોર્મ (Reg 17) માં આપવામાં આવી હતી. આ નોટિસનો જવાબ રજૂ કરવામાં આવતા આ નોટિસ ડ્રોપ કરવામાં આવી હતી.
- ત્યારબાદ નોટિસ ડ્રોપ કર્યાના એ જ દિવસે ફરી તેમને REG 17 માં કારણ દર્શક નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસમાં અરજ્કર્તા દ્વારા કરવામાં આવેલ ખરીદી ઉપરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ઉપર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. કરદાતાએ માંગેલ ક્રેડિટ એવા વેપારી પાસેથી હતી જેમનો નંબર ડિપાર્ટમેંટ દ્વારા રદ્દ કરવામાં આવ્યો હતો.
- અરજ્કર્તા દ્વારા પોતાની ખરીદીઓ અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે જે તારીખે અરજ્કર્તા દ્વારા વેચનાર પાસેથી ખરીદી કરવામાં આવી હતી તે દિવસે તેઑ નોંધાયેલ વેપારી હતા અને તેમનો નંબર અરજ્કર્તાની ખરીદી પછી ઘણા સમય બાદ રદ કરવામાં આવ્યો હતો.
- આમ છતાં અરજ્કર્તાનો નોંધણી દાખલો રદ કરવામાં આવ્યો હતો જેની સામે તેઓએ રિવોકેશનની અરજી ફાઇલ કરી હતી.
- આ રિવોકેશનની અરજી માન્ય રાખવામા આવી ના હતી.
- અરજ્કર્તાએ આ બાબતે હાઇકોર્ટમાં રીટ પિટિશન કરવામાં આવી હતી, જે અંગે હાઇકોર્ટ દ્વારા પહેલા અપીલ કરવાનો આદેશ આપી રિટ પિટિશનનો નિકાલ કરવામાં આવ્યો હતો.
- અરજ્કર્તાની અપીલ પણ અપીલ અધિકારી દ્વારા એ કારણે નામંજૂર કરવામાં આવેલ કે અધિકારી દ્વારા લેવામાં આવેલ નિર્ણય સરકારી તિજોરીના હિતમાં જરૂરી હતો. આ આદેશ સામે હવે અરજ્કર્તા દ્વારા આ રિટ પીટીશન કરેલ છે.
કરદાતા તરફે રજૂઆત
- અરજ્કર્તા દ્વારા વેચનાર પાસેથી કરવામાં આવેલ ખરીદી એપ્રિલ થી માંડી ઓગસ્ટ 2018 ના સમયગાળાની હતી જ્યારે વેચનારનો નોંધણી દાખલો પાછળથી ઓક્ટોબર 2019 માં રદ્દ કરવામાં આવ્યો હતો. જ્યારે કરદાતા એ ખરીદી કરી ત્યારે આ વેચનાર એ રજિસ્ટર્ડ ડીલર હતો અને અરજ્કર્તાને ભવિષ્યમાં તેઓનો નોંધણી દાખલો રદ થશે તેનો અંદાજ ના હોય શકે.
- પોતાના તરફેણમાં અરજ્કર્તા દ્વારા દિલ્હી હાઇકોર્ટનો On Quest Merchandising India Pvt Ltd Vs Govt of NCT (2017) 64 GST 263 (Delhi) નો ચુકાદો રજૂ કરવામાં આવ્યો હતો જેમાં કોર્ટ દ્વારા ઠરાવવામાં આવ્યું હતું કે વેચનારના ચૂક બદલ ખરીદનારને કસૂરવાર ઠેરવી શકાય નહીં જ્યારે ખરીદનાર પાસે વેચનાર પાસે કોઈ કામ કરાવવા સમર્થતા હોય શકે નહીં.
- જી.એસ.ટી. કાયદાની કલમ 16 તથા 21 સાથે વાંચતાં એવી કોઈ જોગવાઈ નથી કે વેચનારે દ્વારા કોઈ ગેરરીતિ આંચરવામાં આવી હોય તો ખરીદનારનો નોંધણી દાખલો રદ કરી શકાય.
- ખરીદનાર પાસે એવો કોઈ ઉપાય નથી કે જેના દ્વારા ભવિષ્યમાં વેચનારનો નોંધણી દાખલો રદ થવા બાબતે તેને જાણ થઈ શકે.
સરકાર તરફે રજૂઆત:
- અધિકારી દ્વારા વેચનાર વેપારી ઉપરના ધંધાના સ્થળ ઉપર જુલાઇ 2019 માં સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં વેચનારના ધંધાના સ્થળ ઉપર અન્ય કોઈ વેપારી ધંધો કરતો માલૂમ પડ્યો હતો અને આ કારણે તેઓનો નોંધણી દાખલો રદ કરવામાં આવ્યો હતો. આ કારણે ખરીદનારની ખરીદી બોગસ છે તેમ માનવમાં આવ્યું છે.
હાઇકોર્ટનો આદેશ:
- અરજ્કર્તાની આ દલીલ સાથે કોર્ટ સહમત છે કે જી.એસ.ટી. કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી જે હેઠળ વેચનાર વેપારી કોઈ ગેરરીતિ આચરે તો ખરીદનારનો જી.એસ.ટી. નંબર રદ કરી શકાય.
- ગુજરાત હાઇકોર્ટનો Vimal Yashvantgiri Goswami Vs State Of Gujrat (15508/2020) ના કેસમાં લગભગ આવા સંજોગોમાં આ પ્રકારે નોંધણી દાખલો રદ કરવાના આદેશને રદ કરવામાં આવ્યો છે.
- તેલંગાણા હાઇકોર્ટ દ્વારા M/s Deem Distributors Private Limited V Union Of India (7063/2021) ના કેસમાં માનનીય હાઇકોર્ટ દ્વારા નોંધણી દાખલો હયાત હોય તે દિવસે કરવામાં આવેલ ખરીદી બાબતે ખરીદનારને રાહત આપવામાં આવેલ છે.
- આ પ્રકારના કેસોમાં ખરીદનાર અને વેચનાર વચ્ચે ગુનાહિત મિલી ભગત છે તે પુરવાર કરવા જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા સજ્જડ પુરાવા રજૂ કરવા જરૂરી છે. આ સિવાય આ પ્રકારે પગલાં ઉઠાવી શકાય નહીં.
- જી.એસ.ટી. ડિપાર્ટમેંટને કરદાતાનો નોંધણી દાખલો આ આદેશ મળ્યાના 7 દિવસમાં પુનઃસ્થાપિત કરવા આદેશ કરવામાં આવે છે.
- અરજ્કર્તાને બાકી રિટર્ન ભરવા પણ પરવાનગી આપવામાં આવે જે તેઓ આ નોંધણી દાખલો રદ થવાના કારણે ભરી શક્યા નથી.
(સંપાદક નોંધ: આ કેસ હાલના સંજોગોમાં ખૂબ ઉપયોગી બની શકે છે. જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા અમુક કેસોમાં બોગસ ખરીદીઑ સબબ નોંધણી દાખલા રદ કર્યા છે. આ કેસમાં પ્રતિપાદિત કર્યું છે તેમ ખરીદનારના તથા વેચનારની સાંઠગાંઠ સાબિત ના કરવામાં આવેલ હોય તેવા સંજોગોમાં ખરીદનારનો નોંધણી દાખલો રદ કરવાનું પગલું યોગ્ય ગણાય નહીં.)
Please send me above judgment no-15265/2021 date-04-10-2021
Sent through E mail