ઇન્કમ ટેક્સ કાયદા હેઠળની અંદાજિત આવક અંગેની કલમ 44AD: નાના ધંધાર્થીઓ માટે છે આશીર્વાદરૂપ

Spread the love
Reading Time: 3 minutes

તા. 06.10.2021: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ નાના ધંધાર્થીઑ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AD હેઠળ કરદાતાઓને નિયત શરતો પૂર્ણ કરવામાં આવે તો ખાસ પ્રકારે રાહત આપવામાં આવતી હોય છે. આજે આ લેખમાં આ રાહતો અને આ પ્રકારની અંદાજિત આવક અંગેના નિયમો જણાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

ક્યાં પ્રકારના કરદાતા લઈ શકે આ જોગવાઈઓનો લાભ?

 • વ્યક્તિગ્ત કરદાતા કે જેઓ માલિકી ધોરણે કોઈ ધંધો કરતાં હોય.
 • હિન્દુ અવિભક્ત કુટુંબ (HUF)
 • ભાગીદારી પેઢી (લિમિટેડ લયાબિલિટી પાર્ટનરશિપ સિવાયની)

ઉપરોક્ત તમામ કરદાતા રહીશ (રેસિડંટ) હોય તો જ આ લાભકારક જોગવાઈ હેઠળ લાભ       લઈ શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો બિન રહીશ (નોન રેસિડંટ) કરદાતાને આ જોગવાઇઓનો લાભ આપવામાં આવ્યો નથી.

કેટલું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ આ જોગવાઈનો લાભ લઈ શકે છે?

 • કોઈ નાણાકીય વર્ષમાં 2 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા હોય તથા નીચે અપવાદમાં દર્શાવેલ છે તે સિવાયના તમામ કરદાતા આ જોગવાઈનો લાભ લઈ શકે છે.

ક્યાં પ્રકારના ધંધાઓ માટે કરદાતા આ જોગવાઈનો લાભ લઈ શકતા નથી? (અપવાદ)

 • માલ હેરફેરના વાહન ચલાવતા, ભાડે આપતા ધંધાર્થીઓ (આ પ્રકારના કરદાતાઑ માટે ઇન્કમ ટેક્સ હેઠળ 44AE સ્વરૂપે અંદાજિત આવકની જોગવાઇઓ છે)
 • વકીલ, ડોક્ટર, એંજિનિયર જેવા પ્રોફેશનલ્સને આ જોગવાઇઓનો લાભ મળી શકે નહીં. (જો કે તેઓ માટે ઇન્કમ ટેક્સની કલમ 44ADA હેઠળ 50% નફો દર્શાવવાની અંદાજીત આવકની જોગવાઈ છે).
 • કમિશન કે બ્રોકરેજનો ધંધો કરતાં કરદાતાઓ આ જોગવાઈ હેઠળ લાભ લઈ શકે નહીં.
 • એજન્સી હેઠળ ધંધો કરતાં કરદાતાનો ધંધો આ જોગવાઈ હેઠળ માન્ય ધંધો ગણાશે નહીં.

આ નિયમો હેઠળ કેટલો નફો દર્શાવવો કરદાતા માટે ફરજિયાત બને?

 • ઉપર જણાવેલ માન્ય કરદાતા, પોતાના માન્ય ધંધા માટે પોતાના વેચાણ કે રિસીપ્ટના 8% નફો દર્શાવી આપે તો ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ તે સામાન્ય રીતે માન્ય ગણાતો હોય છે.
 • આવા કરદાતાઓનું જે વેચાણ કે રીસિપ્ટ એકાઉન્ટ પેયી ચેક/ઓનલાઈન બેંકિંગ દ્વારા કરવામાં આવ્યું હોય તેવા કિસ્સામાં 8% ના સ્થાને 6% નફો દર્શાવવામાં આવે તો તે માન્ય ગણાતો હોય છે.
 • આ નિયમો હેઠળ કોઈ કરદાતા પોતાના ચોપડા મુજબનો નફો અથવા વેચાણ કે રિસીપ્ટના 8% કે 6% રકમ બે માંથી જે વધુ હોય તે દર્શાવવા જવાબદાર બને.
 • ઉદાહરણ તરીકે કોઈ કરદાતાનું કોઈ નાણાકીય વર્ષમાં વેચાણ 1 કરોડનું હોય અને તેનો નફો 10 લાખ હોય તો આવા કિસ્સામાં તેઓ 10 લાખનો નફો દર્શાવી તેના ઉપર ટેક્સ ભરી આ નિયમોનો લાભ લઈ શકે. આવી રીતે કોઈ કરદાતાનું ટર્નઓવર 1 કરોડ હોય અને તેમનો નફો 4 લાખ જ હોય તો આવા સંજોગોમાં કરદાતા એ 8% એટલેકે 8 લાખનો (ચેક/બેન્ક વ્યવહારના કિસ્સામાં 6% એટલેકે 6 લાખ) નફો દર્શાવવી તેના ઉપર ટેક્સ ભરવો જરૂરી બનતો હોય છે, ભલે તેમનો નફો માત્ર 4 લાખ જ હોય.

શું છે કરદાતાઓ માટે આ જોગવાઇઓના લાભ??

 • આ જોગવાઈ હેઠળ રિટર્ન ભરતા કરદાતાને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ નાના કરદાતા તરીકે ગણના થતી હોય છે અને આવા કરદાતાઓના કિસ્સામાં ઇન્કમ ટેક્સ તરફથી પૂછપરછ આવવાની શક્યતા ખૂબ ઓછી થઈ જાય છે.
 • આ જોગવાઈ હેઠળ કરદાતાઓને ખર્ચ સબંધી વિગતો જાળવવામાં મુક્તિ મળતી હોય છે.
 • TDS, રોકડમાં ખર્ચ કરવાની મર્યાદા જેવા અનેક નિયમોથી કરદાતાને મુક્તિ મળતી હોય છે.
 • આ જોગવાઈ હેઠળ કરદાતા રિટર્ન ભરે તો સ્કૃટીની (ચોપડાની તપાસ) ની શક્યતાઓ ખૂબ ઓછી રહેતી હોય છે.
 • આ જોગવાઈ હેઠળ રિટર્ન ભરતા કરદાતાઓ ઉપર સર્વે/સર્ચ (ધંધાના સ્થળની તપાસ) ની શક્યતાઓ નહિવત રહેતી હોય છે.

આ નિયમો હેઠળ માન્ય કરદાતા તથા માન્ય ધંધા માટે આ નિયમથી ઓછો નફો દર્શાવવામાં આવે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે ઓડિટ કરાવવું ફરજિયાત બને:

 • આ નિયમ હેઠળ જે કરદાતાઓ માન્ય કરદાતા (એલીજીબલ એસેસી) હોય તથા જે ધંધા માન્ય ધંધા (એલીજીબલ બિઝનેસ) હોય તેમના માટે પોતાના વેચાણની રકમના અથવા રિસીપ્ટની રકમના 8% (બેન્કના વ્યવહારના કિસ્સામાં 6%) દર્શાવવા જરૂરી હોય છે. જ્યારે કોઈ કરદાતા પોતાનો નફો આ 8% કે 6% થી નીચો છે તેમ દર્શાવે તો તેઓએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે તેમના ચોપડા ઓડિટ કરાવવા ફરજિયાત બને છે.
 • જો આ કરદાતાની આવક ઇન્કમ ટેક્સની જે તે વર્ષની મર્યાદાથી ઓછી હોય તો તેવા સંજોગોમાં આ તેઓ ઓડિટ કરાવવા જવાબદાર રહેશે નહીં.

આ નિયમ હેઠળ લાભ લેનાર કરદાતા જો આ નિયમ માટે “એલીજીબલ” (માન્ય) હોય પરંતુ કરદાતા અંદાજિત આવક દર્શાવવાના સ્થાને ઓડિટ કરાવે તો પછીના પાંચ વર્ષ માટે આ નિયમોના લાભ લેવા બને અમાન્ય:

 • કોઈ માન્ય કરદાતા તથા માન્ય ધંધા વાળા વ્યક્તિ આ જોગવાઇઓનો લાભ લે અને ત્યાર પછીના પાંચ વર્ષમાંથી કોઈ પણ એક વર્ષમાં પણ આ નિયમ હેઠળ માન્ય હોવા છતાં આ નિયમ મુજબ આવક ના દર્શાવે તો પછીના પાંચ વર્ષ માટે આ નિયમનો લાભ લેવા તેના માટે બાધ્ય ગણાશે અને આવા કરદાતાએ ફરજિયાત ઓડિટ કરાવવું જરૂરી બનશે.

ટેક્સ ક્ષેત્રે એડવોકેટ તરીકે પ્રેક્ટીસ દરમ્યાન એમ ધ્યાનમાં આવતું હોય છે કે ઘણીવાર વ્યક્તિ સારી આવક ધરાવતો હોય છે પરંતુ ઇન્કમ ટેક્સ ખાતાના ડરના કારણે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં ખચકાટ અનુભવતો હોય છે. આ તકે મારે તમામ વાંચકોને અપીલ કરવી છે કે જે મિત્રો સારી આવક ધરાવે છે પરંતુ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં ખચકાટ કે ડર અનુભવે છે તે આ લેખ વાંચી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા શરૂ કરી આપે. ઇન્કમ ટેક્સ રિટર્ન નિયમિત ભરવાથી વ્યક્તિ મૂડી ઊભી કરી શકે છે જે ભવિષ્યમાં મિલકત લેવા, રોકાણ કરવા, બેન્ક લોન લેવા માટે ખૂબ ઉપયોગી સાબિત થતાં હોય છે. આ પ્રકારની અંદાજિત આવકનો લાભ લેવામાં આવે તો કરદાતા કોઈ પણ જાતના ડર વગર ઇન્કમ ટેક્સ રિટર્ન અંગેની પોતાની જવાબદારી પૂર્ણ કરી શકે છે.  ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

(આ લેખ ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં પાનાં નંબર 2 ઉપર પ્રકાશિત થયેલ છે)

error: Content is protected !!