એ દિલ હૈ મુશ્કિલ… By Kaushal Parekh Diu

Spread the love
Reading Time: 4 minutes

By કૌશલ પારેખ, દીવ

હું સુખી સંપન્ન પરિવારની દીકરી છું અને એક્ દિવસ અમારા હસતાં રમતા પરિવારમાં અચાનક સંકટના વાદળો ઘેરાય વડે છે.  મારી મોટી બહેનની તબિયત થોડા દિવસથી  નરમ-ગરમ રહે છે. ઘરના તમામ સદસ્યોને સમજાતું નથી કે દવા અસર કેમ નથી કરતી. ફેમિલી ડોક્ટરની સલાહ મુજબ અમે તેને MD ડોક્ટરની સલાહ લેવા લઈ જઈએ છીએ અને અચાનક ડોક્ટર દ્વારા એવું કહેવામા આવે છે કે બહેનની બંને કિડની ફેલ થઈ ગઈ છે. આ સાંભળતાજ ઘરનાં તમામ સદશ્યોના પગ નીચેથી ધરતી ખસી જાય છે. ત્યારબાદ ડાયાલીસીસની પ્રક્રિયા ચાલુ કરવામાં આવે છે. ડોક્ટરની સલાહ મુજબ જો કોઈ જગ્યાએથી કિડનીનો ઇંતજામ થાયતો પેશન્ટને ડાયાલીસીસની કડાકૂટ માંથી છુટકારો આપી શકાય એમ છે. જો કિડની ઘરનો સદસ્ય જ ડોનેટ કરે તો તેનાથી ઉતમ બીજો કોઈ વિકલ્પ નથી. આ સાંભળી મારાથી તાત્કાલિક બોલાઈ ગયું કે સર, હું મારી બેનને કિડની આપવા તૈયાર છું. પેશન્ટ મારી મોટી બહેન છે અને હું તેમનાથી એક વર્ષ નાની છું. મે લગ્ન પણ નથી કર્યા અને હું જોબ કરું છું. મારા બ્લડના સેમ્પલ લેવામાં આવે છે અને થોડા દિવસના અંતે મને જણાવવામાં આવે છે કે હું મારી મોટી બહેનને કિડની આપવા યોગ્ય છું.

કહાનીનો કિસ્સો હજુ અહી ખતમ નથી થતો પણ સસ્પેન્સ મુવી જેમ ઇન્ટરવલ પત્યા પછી વળાંક લઈ છે તેઓ જ વળાંક મારા જીવનમાં પણ આવે છે. ઉતાવળે કરેલ નિર્ણય માટે મારા દિલમાં પસ્તાવો થવાનું શરૂ થાય છે. હું ખૂબ બેચેની અનુભવું છું અને ઓફિસ કે ઘરના કામોમાં મન પરોવતું નથી. રાત્રિના સૂતી વખતે અચાનક જ મારી નીંદર ઊડી જાય છે અને ખબર નહીં પણ કેમ મારૂ શરીર પરસેવે રેબઝેબ થઈ જાય છે. આખો દિવસ મારૂ મન ગભરાયેલ રહે છે. ઘણા દિવસથી મારૂ મન પસ્તાવાની ભાવનાથી પણ ઘેરાયા રાખે છે. મારૂ મન મને કિડની ડોનેટ ના કરતી નું સૂચન વારંવાર કરવા લાગ્યું છે. અજીબની આ ગડમથલ છે કે એક બાજુ મને મારી બહેન ને આવી પડેલ બીમારી માંથી બહાર કાઢવી છે, તો બીજી બાજુ મને કિડની આપવા ના ચક્કરમાં મારા શરીરને તો કોઈ પ્રકારની તકલીફો તો નહીં વેઠવી પડે ને? ના વિચારો આવે છે. ક્યાંક ઓપરેશન બાદ મને તો કોઈ પ્રકારની ખોડ-ખાંપણ રહી ગઈ તો? અરે મને તો ક્યાક ઓપરેશન બાદ દવાઓ જીવનભર તો નહીં લેવી પડે ને કે ક્યાંક હરવા ફરવા કે ખાવા-પીવા માં મને જીવનભર બાધા રાખવી પડી તો મારૂ શું થશે? મેં તો હજુ લગ્ન પણ નથી કર્યા તો મારી તકલીફોમાં મારૂ કોણ ધ્યાન રાખશે? હું જે હાલ અનુભવી રહી છું એનું ડૉક્ટરી તપાસમાં એવું જાણવા મળ્યું કે હું એનકઝાઇટીનો ભોગ બની છું.

ડોક્ટર દ્વારા મને અમુક દવાઓ લેવાની સાથે કાઉન્સિલિંગ કરવા માટેનું સુચન કરવામાં આવ્યું. થોડા દિવસોમાં  મને ફેર જોવા મળ્યો પરંતુ હું પૂર્ણ સ્વરૂપે આ માનસિક અવસ્થા માંથી બહાર આવી સકતી ના હતી. કોઈ મહેમાન ઘરે આવે તો મારા ચહેરા ઉપર જોઈ મને ટેન્શન ના લેતી એવું જણાવતા. એકવાર મને મારા બરોડા રહેતા સંબંધી પાસેથી એક કૉન્ટૅક્ટ નંબર મળ્યો અને મને એવું કહ્યું હતું કે આ વ્યક્તિએ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવેલ  છે તો તને યોગ્ય સલાહ તેમની પાસેથી મળશે. એકવાર સાંજના સમયે મે તેઓના અનુકૂળ સમયે કોલ કર્યો અને મારી પરિસ્થિતી જણાવી. હું મારી જાતથી ખૂબ ગિલટી ફિલ કરું છું. મારે હવે કિડની ડોનેટ કરવી જોઈએ કે નહીં એ વિષે તેમનો અભિપ્રાય પૂછ્યો. જેમની સાથે મેં વાત કરી એમનું નામ હતું કૌશલ પારેખ કે જેઓ દીવ ના વતની છે.

મિત્રો, ઉપરની વાત સવિસ્તરથી આપને જણાવવાનો મારો હેતુ એ છે કે આ સત્ય ઘટના છે અને કોઈના પણ જીવનમાં ક્યારેય  આવી ગંભીર પરિસ્થિતીનું નિર્માણ થાય તો તેનો તેઓ હિમ્મતપૂર્વક સામનો કરી શકે એ માટે આજે અમારી બંને વચ્ચે થયેલ વાતને આપ સમક્ષ રજૂ કરી અને મે શું અનુભવ્યું અને અમે કઈ રીતે આવી અણધારી મુસીબત માથી બહાર આવ્યા તેનો અભિપ્રાય નીચે મુજબ છે.

મારા જીવનમાં જ્યારે કિડની ફેઇલિયરની સ્થિતિ આવી હતી ત્યારે હું પણ ખૂબ હતાશ થઈ ગયો હતો. આ એક ઘટનાથી મારા ઘરમાં આનંદને બદલે ઘોર નિરાશા ફેલાઇ ગઈ હતી. અઠવાડીયામાં ત્રણ વાર ઉના સુધી ડાયાલીસીસ કરવા જવામાં પડતી મુશ્કેલીઓ અને ડાયાલીસીસ દરમિયાન શરીરને વેઠવી પડતી અનેક વેદનાઓએ મારા જીવનમાં પણ ઘાતક અસર કરી હતી. એ સમયે મારી ઇન્કમ પણ ખૂબ ઓછી હતી અને દવાઓ અને અન્ય ખર્ચાઓ મારા જેવા મિડલક્લાસ ફેમેલી માટે ઉઠાવવા ખૂબ મુશ્કેલ હતું. આખો પરિવાર મારી કમાણી ઉપર નિર્ભર હતો તેથી આ પરિસ્થિતી માંથી જલ્દી બહાર આવી જવું પણ ખૂબ જરૂરી હતું. જ્યારે ટ્રાન્સપ્લાન્ટ કરવાની વાત આવી ત્યારે કિડની કોણ આપશે એ પણ એક સમસ્યા હતી. વાતે વાતે આપણને કઇપણ જરૂર હોય તો કેજે કહેવાવાળાઓ પણ આવા સમયે આપણાંથી દૂર ભાગે છે. આવા સમયે ધન્ય છે મારી માતાને કે જેણે ભારે મન સાથે મને કિડની આપવા માટેની હા પાડી. આ સમયે તેમની ઉમર 68 વર્ષની હતી. તેમના મનમાં પણ અનેક મુંઝવણો હતી અને તેમના માટે પણ આ માટે તૈયાર થવું ખુબજ જટિલ હતું પણ ડોક્ટર દ્વારા એમને સરસ માર્ગદર્શન મળવાથી જલ્દી અમારું ઓપરેશન સફળ રીતે થઈ ગયું હતું. આજે મારે ઓપરેશનના 5 વર્ષ થઈ ચૂક્યા છે અને હું અને મારી માતા બંને સ્વસ્થ છીએ અને જીવન ને ખૂબ સરસ રીતે માણીએ છીએ. શરૂઆતના સમયમાં મને ઘણી પરેજીઓ રાખવી પડી હતી જ્યારે મારી માતાને તો ઓપરેશન ના 15 દિવસ બાદ કઈપણ ખાવા પીવાની છૂટ હતી. આજે આ મુશ્કેલ પરિસ્થિતીનો સામનો કર્યા બાદ મારો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. હું જીવનની પળે પળનો આનંદ માણું છું. મારી માતા પણ એકદમ સ્વસ્થ છે અને હાલ તેને એક પણ દવાની ટીકડી લેવી નથી પડતી. હાલ હું મારૂ પોતાનું દર ત્રણ મહિને ચેકઅપ કરાવું છું. જે દવાઓ મારે લેવી પડે છે એ મોંઘી તો છે જ પરંતુ આ નવા મળેલ જનમ સામે સાવ સસ્તી છે. આ કપરા સમયમાં મારા હૃદય સમાં મારા મિત્રો, મારી પત્ની એકતા, પુત્ર દેવ, મારા બહેન – બનેવી, મારા સસરા પક્ષના તમામ સભ્યો અને મારા કુટુંબીજનો અને પાડોશીઓએ પણ મને ખૂબ પ્રેમ અને સહકાર આપ્યો તે બદલ હું  જીવનભર આપસૌનો ઋણી રહીશ.

આપણે સહુ આ સનાતન સત્યને જાણીએ છીએ કે આપણે સાથે કઈ નથી લાવ્યા અને કઈ નથી લઈ જવાના માટે એક વાક્ય મગજ માં ઉતારીલો કે આપણે આ ધરતી ઉપર ઈશ્વરે મોકલવેલ મહેમાનો છીએ માટે આપણે અહીં પરમેનન્ટ ધામો નથી નાખવાનો. બંગલો, ગાડી, સંપતિ, દાગીના કે રૂપાળું શરીર આ તમામ ચીજોને આપણે અહી મૂકીને જ જવાની છે જ્યારે નિસ્વાર્થ પ્રેમ, હાસ્ય, કરુણા અને સૂનહરી યાદોનું પોટલું જ આપણાં ભાથા રૂપે સાથે લઈ જવાનું છે ત્યારે આપણે વધુ વિચારવાને બદલે હું મારી જાતથી અન્ય લોકોને વધુને વધુ કેમ કામ આવી શકું એ વિચારવાનું શરૂ કરવું જોઈએ. એક સરસ લાઇન આ સંદર્ભે મને યાદ આવે છે The time to be Happy is now, and the day to be happy is here, and the way to be happy is to make someone happy and heaven little heaven like here”  અંગદાન એ મહાદાન છે. યોગ્ય સમયે અંગદાન કરવાથી આપ ઘણાના અંધકાર ભરેલ જીવન્માં પ્રકાશ ફેલાવી શકો છો. ઈશ્વરે આપણને આપેલ આ અમુલ્ય શરીરનું જતન કરો અને સમયસર રક્તદાન કરતા રહો જેથી આપણો આ મનુષ્ય જીવનનો ફેરો ફળે.

લેખકનો સંપર્ક kaushalkpb@gmail.com અથવા મોબાઈલ : 9624797422 ઉપર કરી શકાય છે.

એડિટર નોંધ: સામાન્ય રીતે ટેક્સ ટુડેમાં ટેક્સને લગતા સમાચાર તથા લેખ પ્રસિદ્ધ થતાં હોય છે. પરંતુ ક્યારેક અમુક મહત્વના લેખ ટેક્સ સિવાયના પણ “સમથિંગ અધર ધેન ટેક્સ” વિભાગમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે. કૌશલભાઈ સાથે ઘણા વર્ષોના અંગત સબંધ છે. તેઓની પોઝીટીવીટી અને જીવન જીવવાની જિંદાદિલી ખરેખર વખાણવા પાત્ર છે. આશા રાખું છું કે આ લેખ આપ વાંચકોને ગમશે.

error: Content is protected !!