ફૂડ લાઇસન્સ હવે એક્સપાયર થયા પછી 180 દિવસમાં થઈ શકેશે રિન્યૂ: કોરોના કાળમાં વેપારીઓને મોટી રાહત

Spread the love
Reading Time: 2 minutes

જોકે આ લાઇસન્સ 180 દિવસમાં રિન્યૂ કરવામાં વેપારીઓએ ચૂકવવી પડશે લેઇટ ફી

તા. 01.11.2021: ફૂડ લાઇસન્સ રિન્યૂ કરાવવા બાબતે વેપારીઓને મોટી રાહત આપવામાં આવી છે. સામાન્ય રીતે ફૂડ લાઇસન્સની મુદત પૂર્ણ થતી હોય તેનાથી 30 દિવસ પહેલા લાઇસન્સ રિન્યૂ કરાવવાનું થતું હોય છે. કોરોના કાળમાં આ મુદત ઘણા વેપારીઓ ચૂકી ગયા હોવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા હતા. લાઇસન્સ રિન્યૂ કરાવવાની મુદત પૂર્ણ થયા બાદ આ લાઇસન્સ નવું લેવું પડે તેવી સ્થિતિ ઉપસ્થિત થઈ રહી હતી. જૂના લાઇસન્સના સ્થાને નવું લાઇસન્સ લેવાનું થાય તેવા સંજોગોમાં નવા પ્રિન્ટ મટિરિયલ, નવા સ્ટેશનરી વગેરે જેવા અનેક વ્યાવહારિક પ્રશ્ન ઊભા થઈ રહ્યા હતા. આ મુશ્કેલીને દૂર કરવા “ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરીટી ઓફ ઈન્ડિયા” દ્વારા 29 ઓક્ટોબરના રોજ વેપારીઓને રાહત આપતો આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશ મુજબ હવે ફૂડ લાઇસન્સ ધરાવતા વેપારીઓ લાઇસન્સની મુદત પૂર્ણ થયાના 180 દિવસમાં લાઇસન્સ રિન્યૂ કરાવવા અરજી કરી શકશે. આ માટે વેપારીઓએ 1 થી 90 દિવસ સુધી જે સામાન્ય લેઇટ ફી ભરવાની થતી હતી તેના 3 ગણી રકમ પેનલ્ટી તરીકે ભરવાની રહેશે જ્યારે 91 દિવસથી 180 દિવસ સુધી સામાન્ય લેઇટથી 5 ગણી રકમ પેનલ્ટી તરીકે ભરવાની રહેશે. ઉત્પાદક તથા ઇમ્પોર્ટર દ્વારા જ્યારે આ લાઇસન્સ રિન્યૂની અરજી કરવામાં આવશે ત્યારે તેઓએ પોતાનું વાર્ષિક રિટર્ન ભરવામાં આવેલ હોય તે જરૂરી છે. લાઇસન્સની મુદત પૂર્ણ થયાના 180 દિવસ બાદ લાઇસન્સ રિન્યૂ થઈ શકશે નહીં. લાઇસન્સની મુદત પૂર્ણ થયેલ હોય અને તે રિન્યૂ ના થાય ત્યાં સુધી ફૂડને લાગતો કોઈ ધંધો વેપારી કરી શકશે નહીં. 180 દિવસ સુધી રિન્યુલ કરવાના આ નિયમો નવા નિયમો બહાર પાડવામાં ના આવે ત્યાં સુધી લાગુ રહેશે. આ અંગે વાત કરતાં જેતપુરના જાણીતા એડવોકેટ લલિત ગણાત્રા જણાવે છે કે “આ નિયમો આવતા અનેક વેપારીઓને રાહત મળશે. જો કે આ રાહતોનો લાભ લેવા વેપારીએ પેનલ્ટી ચોક્કસ ભરવાની રહેશે પરંતુ આ પેનલ્ટી ભરવાથી અનેક વ્યાવહારિક મુશ્કેલીમાંથી વેપારી ચોક્કસ બચી શકે છે”. વેપારીઓને સરકાર દ્વારા આ મહત્વની રાહત આપવામાં આવી છે પરંતુ ફૂડ લાઇસન્સ ધરાવતા વેપારીઓ માટે લાઇસન્સની મુદત પુર્ણ થયાના 30 દિવસ પહેલા રિન્યૂ માટે અરજી કરવી ચોક્કસ હિતાવહ છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!