GST @ 3: નેશનલ એક્શન કમિટી ના સ્થાપક ડો. અક્ષત વ્યાસ ના જી.એસ.ટી. અંગેના વિચારો

Spread the love
Reading Time: 8 minutes

Dr Axat Vyas, Co Founnder-National Action Comittee of G.S.T. Professionals

GSTનાં ત્રણ વર્ષના લેખાજોખાંતારીખ 30/06/2020

આપણાં દેશના કોઈ પણ મંત્રાલય સરકારી યોજનાઓને પૂરી કરવા માટે કારી કરતાં હોય છે; અને આ યોજનાઓ પૂરી કરવા માટે જોઈ તું ફંડ સરકારને એક જ મંત્રાલય દ્વારા મળે છે. એટલે જ, કેન્દ્ર સરકારમાં તેના એક માત્ર કમાઉ પુત્ર એવા નાણાં મંત્રાલયનું સ્થાન અનન્ય છે. ભારતની પ્રજાસતાક 1950 માં આવી અને તે બાદ છેક 1991 માં આપણે ટ્રેડિશનલ ઢબથી ચાલતા આપણાં કરવેરાના કાયદાઓ સુધારવાનું વિચાર્યું અને અનેક કમિટીઓના ગઠન કર્યા. તે સમયે એક અર્થશાસ્ત્રી નાણામંત્રી તરીકે રહ્યા હતા અને તેથી કરવેરાને પણ અર્થતંત્ર સુસંગત અને સુગમ બનાવવાનું વિચારાયું અને પછી શરૂ થયો કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયમાં બેઠકોનો દોર. અનેક કમિટીઓના રિપોર્ટ આવ્યા અને અનેક ચર્ચાઓ બાદ કેન્દ્ર સરકારે ભારતમાં ઉત્પાદિત થતાં માલને વૈશ્વિક બઝારમાં ઊભો રાખવા માટે કરવેરા પર કરવેરા લેવાનું ટાળવા સેંટ્રલ એક્સાઈઝમાં મોટવેટ સિસ્ટમ અમલમાં મૂકી અને પછી સર્વિસ ટેક્ષ આવ્યો. સર્વિસ ટેક્ષની વ્યાપકતા વર્ષોવર્ષ વધતાં ફરી મોડવેટની અસરકારતાં ઓછી લાગી અને ત્યારબાદ સેનવેટનો કોન્સ્પેપ્ટ આવ્યો જે ખૂબ જ અસરકારક રહ્યો. પરંતુ રાજયો દ્વારા ઉઘરાવાતા કરવેરા હજુ સુધી આ સમગ્ર પ્રક્રિયાથી વિલુપ્ત હતા અને તેથી 2005 થી વેટ આવ્યો.

કેન્દ્ર સરકારની સેનવેટ પધ્ધતિ અને રાજ્યો સરકારની વેટ પધ્ધતિથી વેરો ઉઘરાવવાનું અમુક વર્ષ ચાલ્યું; ભારતમાં ઉત્પાદિત થતાં માલને વૈશ્વિક ઓળખ અને હરીફાઈ મળવાનું ચાલુ થયું પરંતુ હજુ ભારતમાં કોઈ માલની કિમતમાં ઘટાડો થયો ન હતો. વિશ્વની મોટી કંપનીઓ ભારતમાં ટેક્ષ કંપાયન્સ બાબતે ટીકા કરતી હતી અને રાજ્ય કેન્દ્ર સરકારોને પોતાના વિકાસ ના એજન્ડા પૂરા કરવા માટે પૂરતું ફંડ, કરવેરાની આવકમાઠી મળતું ન હતું અને તેથી શરૂ થયો GSTનો કોન્સેપ્ટ.

દસેક વર્ષ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે એમ્પાવર્ડ કમિટીના નામે એક સાથે મળીને પ્રયત્ન કર્યા અને પછી એકાદ વર્ષ GST કાઉન્સીલના નામે પ્રયત્ન કર્યા પછી આપણાં પૂર્વ નાણામંત્રીશ્રી સ્વ. અરુણ જેટલીજીના નેતૃત્વમાં GSTનો અમલ સમગ્ર દેશમાં એક સાથે કરવાનું નક્કી થયું અને આજથી ત્રણ વર્ષ પહેલા રાત્રે બાર ના ટકોરે આપણાં ગુજરાતનાં પનોતા પુત્ર અને ભારતના અત્યાર સુધીના સૌથી પ્રચલિત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સાંસદભવનના સેંટ્રલ હોલમાં GSTના અમલનો ઘંટ વગાડયો.

ભારતમાં GSTનો અમલ કરવા પાછળના મુખ્ય કારણો નીચે મુજબ હતા. આજે, જ્યારે GSTકાયદાને ત્રણ વર્ષ થઈ ગયા છે; ત્યારે GST ના અમલના મુખ્ય ઉદેશોની સાથે સાથે આપણે આજના દિવસની વાસ્તવિકતાઓ પણ ચર્ચા કરીએ. જેથી આપણને ખ્યાલ આવે કે ભારતના GST કાયદાએ સફળ થવાની દિશામાં પ્રથમ પગલું પણ માંડેલ છે કે નહીં?? આજે જો આપણે આ બાબત પર GSTના ત્રણ વર્ષ પછી પણ ચર્ચા નહિ કરીએ તો,લગભગ આપણે આ મહાન હેતુઓ ક્યારેય પાર પાડી શકીશું નહીં.

  • ભારતમાં ઉત્પાદિત માલને વૈશ્વિક બઝારમાં હરીફાઈ મળી રહે.

            આજે, GSTને ત્રણ વર્ષ પૂરા થયા છે; પરતું પેટ્રોલ ડીઝલ જેવી ચીજવસ્તુઓને GSTમાથી બાકાત રાખવાને કારણે જે ભારતના દરેક માલ પર કરવેરાનો સંપૂર્ણ બોજો ઓછો થયો નથી અને અમુક તબબ્કે આપણે કરવેરાની પણ માલ સાથે નિકાસ કરી જ રહ્યા છીએ. એ બાબત સંપૂર્ણ સ્પષ્ટ છે કે ભારતમાં ઉત્પાદિત થતી ચીજવસ્તુઓ GST પહેલા જેટલી મોંઘી પડતી તે સાપેક્ષ GST આવતા સસ્તી થયેલ છે પરંતુ, બીજા દેશો સાપેક્ષતા ભાવ ઘટાડો હજુ થયેલ નથી. GSTના અમલની સૌથી પહેલા વાત કરનાર અર્થશાસ્ત્રીઓ, “એસોકેમ” જેવા રાષ્ટ્રીય સ્તરીય વેપારી સંગઠનથી માંડીને ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા પણ પેટ્રોલિયમ પ્રોડક્ટસને GSTમાં સમાવવા માટે માંગ થઈ છે પરંતુ હજુ સુધી આવું શક્ય બનેલ નથી અને તેથી આપણાં દેશમાં ઉત્પાદિત થતાં માલની કિમતમાં પેટ્રોલ પર ચૂકવાયેલ ટેક્ષ સામેલ થઈ જાય છે અને તે પૂરતી આપણાં ઉત્પાદનો સસ્તા થવાના હજુ બાકી છે.

  • ભારતમાં કરવેરા વસૂલવા માટે અલગ અલગ જે કાયદાઓ હતા તે સ્થાને એક જ કાયદો કરવો અને કાયદાના અમલમાં સમગ્ર ભારતમાં એકસૂત્રતા લાવવી.

            ભારતમાં રાજ્યો દ્વારા વસૂલાતા 8 અલગ અલગ વેરાઓ અને કેન્દ્ર દ્વારા વસૂલાતા 8 અલગ અલગ વેરાઓ GSTમાં સામેલ થયેલ છે અને તેમ આપણાં દેશમાં 16 કાયદાઓ સંમિશ્રણ બાદ આપણે GSTનામે મુખ્ય 3 કાયદાઓ મળ્યા પરંતુ તેના સમૂહથી આજે GSTનામે ઓળખાતા 36 કાયદાઓ છે અને તે દરેકના નિયમોને જોડતા કુલ 72 કાયદા પ્રણાલીઓ આપણી સામે અસ્તિત્વમાં છે. પરંતુ GSTની એક મોટી સફળતા એવી છે કે આટઆટલા કાયદાઓ અને નિયમો હોવા છ્તા કરદાતાઓ માટે એક જ સિસ્ટમ અને એક જ પ્રકારની કાર્યવાહીઓ કરવાની હોય છે અને તેથી આ ઉદેશ અનેક અંશે સફળ થયો કઈ શકાય. પરંતુ જેટલો ફાયદો છે તેટલું નુકશાન પણ છે કારણ કે ભારતના દરેક કરદાતાઓ જે સિસ્ટમથી જોડાયેલ છે તે સિસ્ટમ જ GSTની સફળતાની સૌથી મોટી દુશ્મન છે અને આ વાત આપણાં પૂર્વ કેન્દ્રિય નાણાં સચિવ ડો. હસમુખ અઢીયા સાહેબે GSTની પ્રથમ વર્ષની ઉજવણી વખતે હોદ્દાની રૂહે જાહેર કરેલ હતી. તેઓનું કહેવું હતું કે GSTની સફળતા,GST સિસ્ટમે અટકાવી છે. બીજી એક વાસ્તવિકતા એ પણ છે કે આજે એક જ શહેરમાં આવેલ SGST અને CGST કચેરીઓ ના અધિકારીઓએ પણ એક જ મુદાઓ પર અલગ અલગ વર્તાવ કરે છે અને અહી પણ એકસૂત્રતા હજુ સુધી આવેલ નથી

  • ભારતના અલગ અલગ રાજ્યો વચ્ચે કરવેરાના દરને લગતી જે કઈ વિસંગતતાઓ હતી તે દૂર કરવી અને બે રાજ્યોને એક બીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનાવવા.

GST કાયદાના અમલ પાછળ એક મહત્વનો હેતુ હતો આખા ભારતને એક માર્કેટ બનાવવાનો હતો અને રાજ્યો વચ્ચેની પ્રતિસ્પર્ધા અટકાવવાનો હતો અને આ એક વાત કહેવામા ખૂબ જ ગર્વ થાય છે કે GST અમલ પાછળનો આ એક મહત્વનો ઉદેશ GSTના અમલના પ્રથમ મહિનાઓ માં જ સંપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે.

  • કરદાતાઓએ કરનિર્ધાણ અર્થે કરવાના થતાં કાર્યોમાં ઘટાડો કરવો એટલકે કે કંપલાયન્સ ઓછો કારવો.

            GSTહેઠળ 80% કરદાતાઓએ સામાન્ય રીતે દર મહિને કઈનેકઈ કરવાનું થતું હોય છે, દરેક કાર્યોની તારીખો એટલી બધી નજીક નજીક રાખેલી છે અને તેથી આજે GSTહેઠળ અલગ અલગ પત્રકો અને અલગ અલગ તારીખો યાદ રાખી કરદાતાઓ થાકી ગયેલ છે તેવું કહેવું પણ ખોટું નથી. આજે બહુધા કરદાતાઓ તો કર નિર્ધારણ / ટેક્ષ કંપલાયન્સની જૂની પધ્ધતિઓને રીતસર યાદ કરે છે અને જે દર્શાવે છે કે ટેક્ષ ક્ંપ્યાયન્સ ઓછો કરવાનો GSTનો હેતુ જરાપણ પૂરો નથી થયો. હા, એમ કહી શકાય કે આ હેતુથી પાર ણ પાડવા માટે કરી શકાતા દરેક કાર્યો આજદિવસ સુધી થઈ ચૂક્યા છે અને આજે દરેક વેપારીનો વકીલ CAતથા મેતાજીઓ ના ખર્ચ તથા રોજબરોજ કર નિર્ધારણને લાગત કરવાના થતાં કાર્યોને કારણે ટેન્શન તણાવમાં વધારો થયેલ છે. વળી GST હેઠળ કરદાતાઓએ અમુક અમુક કાર્યો તો માત્ર ચાર્ટડ એકાઉન્ટન્ટ જેવા વ્યવસાયિકો પાસે જ કરાવવા ફરજિયાત હોવાથી કરદાતાઓના ખર્ચાઓમાં પણ વધારો થયો છે.

  • કરદાતાને ભારતના અલગ અલગ રાજ્યો અને કેન્દ્રદ્વારા નખાયેલા અલગ અલગ કાયદાઓ સમજવાની કડાકૂટ માથી છૂટકારો મળે અને એક સીધોસરળ કાયદા થકી કરદાતાઓની સુગમતા વધારી શકાય અને તેથી ભવિષ્યમાં તકરારો ઘટે.

            GST ને જે લોકો જાણે છે; તે પૈકી કોઈ પણ એવો દાવો કરી શકે તેમ નથી કે તેઓને GST સંપૂર્ણ આવડે છે. આ ત્રણ વર્ષમાં 700 થી વધુ જાહેરનામાઓ, અસંખ્ય ચોખવટો, વારંવાર થતાં ફેરફારોએ ભારતીય GST ને સમજવામાં અને તેને સંપૂર્ણ રીતે અનુસરવો એટલો અઘરો છે કે લોકો ભારતીય GSTને વિશ્વનો સૌથી અઘરો કાયદો કહે છે. જોકે GST હેઠળ કોઈ પણ વિસંગતાઓ બાબતે સરકારી પ્રતિનિધિઓએને સીધો પ્રશ્ન કરવાની જોગવાઈ છે પરંતુ અનેક કિસ્સામાં સમાન કરદાતાઓએ પૂછેલ પ્રશ્નોના જવાબમાં સરકારી અધિકારીઓએ અલગ અલગ આપેલ છે અને આવું એક થવાથી GST ની વિસંગતાઓ ઘટવાને સ્થાને વધી છે. અને આમ GST એ સરળ અને સમજી શકાય તેવા કાયદા બનવાની આપણાં દરેકની મહત્વકાંક્ષા પૂર્ણ કરેલ નથી, નથી અને નથી જ. હવે GST એવો ગુચવાડો બની ગયેલ છે કે તેમાં ટૂક સમયમાં કોઈ સુધારાઓની કોઈ સંભાવના જ નથી.

  • રાજ્ય કેન્દ્રની કરવેરાની આવકમાં વધારો થાય અને તેવી રીતે વિકાસને વેગ મળે.

            આપણે જાણીએ છીએ તેમ પેટ્રોલ, ડીઝલ જેવી ચીજવસ્તુઓ પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને વેરાઓ લે છે અને GST ના અમલ બાદ પેટ્રોલ ડીઝલ પર વેરાઓમાં સતત વધારો થઈ રહેલ છે અને તે સૂચક છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારને GST પાસેથી જોઈતી હતી તેટલી આવક મળેલ નથી. GST કાઉન્સીલના નિર્ણય મુજબ રાજ્યોને વેરાની આવકમાં જે કોઈ પણ નુકશાન થશે તે આવક કેન્દ્ર સરકાર પૂરું પાડે છે અને આવી રીતે સતત રાજ્યોને સરભર કરવાના કારણે કેન્દ્ર સરકારના વિકાસના એજન્ડાને પણ અમુક અંશે બ્રેક લાગે છે. અને આમ,GSTના અમલ પાછળ રહેલો રાજ્યો કેન્દ્રની આવક વધારવાનો મુદ્દો હજુ પૂરો નથી થયો.

  • કરદાતાઓ વધે અને આ રીતે ક્રમશ: કર આવકમાં વધારો થાય ત્યારે કરવેરાનો દર નીચો લાવી શકાય.

            GST કાયદાનો વ્યાપ એટલો મોટો છે કે ખરેખર કાયદાનો પ્રમાણિક અમલ થાય, તો ભારતને અનેક નવા કરદાતાઓ મળે. પરંતુ GST હેઠળ સમગ્ર વ્યવસ્થાઓનું એક્સૂત્રિકરણ એક સિસ્ટમ દ્વારા થાય છે અને કાયદાના અમલ માટે જવાબદાર અધિકારીઓને પણ GST કાયદાના વ્યાપ અંગે એટલી માહિતીઑ નથી આથી હજુ સુધી GST અમલ પછી જે પરિપેક્ષમાં કરદાતાઓમાં વધારો થવો જોઈએ તે પરિપેક્ષમાં વધારો થયો નથી. વળી,GST ની જટિલતાઓ અને સતત ચાલુ રહેતા કંપલાયન્સ, કાર્યો અને કરનિર્ધારણ ને હિસાબે નાના વેપારીઓમાં GST પ્રત્યે રીતસરનો ડર પેસી ગયેલ છે અનઆથી જ જેતે સમયે નાના વેપારીઓએ GST નો વિરોધ પણ અત્યંત જોરશોરથી કરેલ હતો અને આથી છેલ્લે સરકારે નિર્ણય કરીને GSTહેઠળ નોંધણી નંબર લેવાની મર્યાદાઓમાં વધારો કર્યો અને આથી કરદાતાઓના વધતાં જતાં વ્યાપ સામે ઊલટી અસર થઈ અને કરદાતાઓ ઘટવા લાગ્યા હતા. પરંતુ જેમ જેમ GST ની સમજણ ફેલાતી જશે અને જેમ જેમ GST કર નિરધારણા માટે જવાબદાર અધિકારીઓને GST સિસ્ટમમાં પાવર આપવામાં આવશે તેમ તેમ ભવિષ્યમાં GST કાયદો, ભારતના કરદાતાઓનો વ્યાપ વધારવામાં મદદરૂપ બનશે અને પછી અમુક વર્ષો બાદ એવું પણ બનશે કે સરકારોને જોઈતી આવક મળવા માંડશે અને કારણો દર પણ ઘટશે. પરંતુ આજે આ દિવસ દૂર છે અને ક્યારે વાસ્તવિકતામાં પરિણમશે તે બાબત કોઈ પણ તજજ્ઞ કહી શકે તેમ નથી.

  • કરચોરીઓમાં ઘટાડો થાય.

            GST અમલ પાછળ આ મુદ્દો સૌથી મહત્વનો કહી શકાય પરંતુ આ બાબત આજે પણ કહી શકાય તેમ નથી. કારણ કે GST આવ્યાના 36 મહિના પછી પણ દર અઠવાડિયે,પંદર દિવસે આપણે સૌ વર્તમાનપત્રોમાં કરોડોની કરચોરીઓના સમાચારો વાંચીએ છીએ. જ્યારે જ્યારે આ સમાચારો, તજજ્ઞો વચ્ચે ચર્ચાય છે ત્યારે ત્યારે દરેક વખતે એક બાબત સાપેક્ષતાથી બહાર આવે છે કે શા માટે અને કઈ રીતે આવડી મોટી કરચોરી શક્ય બની? ગુજરાતમાં વેટનો કાયદો 10 વર્ષ તે પહેલા સેલ્સ ટેક્ષનો કાયદો 37 વર્ષ રહ્યો તેવી જ રીતે ભારતમાં સર્વિસ ટેક્ષનો કાયદો 23 વર્ષ અને એક્સાઈઝનો કાયદો 73 વર્ષ રહ્યો પરંતુ આવડા મોટા કરચોરીના આકાંડા આપણે કોઈ એ વાંચેલ સાંભળેલ ન હતા; જેટલા GST ના અમલ પછી ત્રણ વર્ષમાં આપણે જોયા, સાંભળ્યા છે. એવું પણ બની શકે કે GST માં એવી દરેક કરચોરીઑ પકડાય છે અને અગાઉના કાયદાઓમાં પકડાતી ન હતી; પરંતુ જો આવું ખરેખર જ હોય તો રાજ્યો કેન્દ્ર સરકારોને આવકોમાં વધારો થવો જોઈએ અને પેટ્રોલ ડિઝલોમાં વધતાં જતાં કરવેરાને કારણે આ બાબત તો શકી જણાતી જ નથી. વળી, એક સંભાવના એવી પણ હોય કે અગાઉના કાયદાઓમાં કરચોરીની મનોવૃતિઓ ધરાવતા ઇસમો નાના પાયે જ પકડાઈ જતાં હતા પરંતુ હવે GST આવતા તેઓ મોટા થાય ત્યાં સુધી કોઈને ખબર પણ નથી પડતી. આ બાબત માનવાને કારણ છે કારણ કે GST કાયદાના નિરધારણા માટે જવાબદાર અધિકારીઓએ પાસે GST સિસ્ટમ જોવાની અને તેમાથી પોતાના મગજ ચલાવવાની મનાઈ જ છે અને તેથી કરચોરો દેખાતા હોવા છ્તા અધિકારીઓ કઈ કરી શકવા સક્ષમ નથી. જામનગરમાં આ બાબતનો ખુલાસો કરવો જરૂરી એટલે નથી કારણ કે એક સમયે જામનગર અને દેવભૂમી દ્વારકા જિલ્લાની સેંટ્રલ GST કચેરીની બારોબાર ઉપરના માળે કોઈ એક વ્યક્તિ પર મોટીબધી રકમની કરચોરીનો આરોપ મૂકી ધરપકડ કરાઇ હતી અને તેઓ પોતે આ કાર્ય બે વર્ષથી કરતાં હતા તેવો આરોપ મુકાયો હતો.

  • કરનિરધારણાની પ્રક્રિયામાં પારદર્શકતા આવે અને તે રીતે ભ્રષ્ટાચારના ભોરિંગને અટકાવી શકાય.

            GST નો કાયદો અને પ્રક્રિયા સિસ્ટમ બેઝ છે અને તેથી તેમાં પારદર્શકતા વધે તે સ્વાભાવિક છે; પરંતુ ભ્રષ્ટાચાર પર અંકુશ કેટલે અંશે આવ્યો તે બાબતે હજુ કહેવું થોડું વહેલું છે કારણ કે GST હેઠળ આધિકારિક કાર્યવાહીઓ હજુ સુધી ચાલુ નથી થઈ. જોકે GST હેઠળ, કોઈ પણ કરદાતાએ કોઈ પણ કરનિર્ધારણ સમાપ્ત થતું નથી. ઓડિટ, સ્પેશિયલ ઓડિટ, પ્રિવેંટિવ, DGCI, ફ્લાઇંગ સ્કવોર્ડ, વિજિલ્ન્સ જેવી અનેક અલગ અલગ કાર્યવાહીઓ કોઈ પણ કરદાતાઓ ઉપર કોઈ પણ સમયમર્યાદામાં થઈ શકે છે અને તેથી કોઈ કરદાતા ક્યારેય એમ માની નહીં શકે કે તેનું કર નિર્ધારણ સમાપ્ત થઈ ગયું અને તેઓએ વર્ષ દરમિયાન ભરેલ વેરો સરકારે સ્વીકારી લીધો. એક કરતાં વધુ વખત એક કરતાં વધુ ઓથોરીટીના એક કરતાં વધુ અધિકારીઓ એક જ કાર્યવાહીઓ કરતાં હોય ત્યારે દરેક અધિકારીઓ શુધ્ધ જ હોય તેવું માનવાને કોઈ કારણ નથી. અને આથી GST હેઠળ ભ્રષ્ટાચાર ઘટશે તેવું માનવું લગભગ ખોટું સાબિત થશે તેવું આજની તકે લાગે છે.

  • માલની આવન જાવક સરળ થાય.

GST પહેલા જ્યારે દરેક રાજયોના અલગ અલગ કાયદાઓ હતા ત્યારે એક રાજ્ય માઠી બીજા રાજ્યોમાં માલની આવક જાવક વખતે દરેક રાજયોના કાયદાઑનું પાલન કરવું પડતું હતું પરંતુ GST પછી માત્ર GST કાયદાનું પાલન કરવાનું થાય છે અને તેથી આ બાબત સરકારશ્રીનો હેતુ પૂર્ણ થયેલ છે. પરંતુ અહી એક નવી સમસ્યા ઉપસ્થિત થયેલ છે. GST પહેલા એક રાજ્યમાથી બીજા રાજ્યમાં જતાં માલ પર બંને રાજયોની બોર્ડરો પર તપાસ થતી હતી પરંતુ GST ના અમલ બાદ બોર્ડરો નાબૂદ થયા બાદ, હવે જે તે માલ એક જ રાજ્યમાં એક કરતાં વધુ વખત એક કરતાં વધુ અધિકારીઓએ ચેક કરે છે અને જેને હિસાબે માલના ટ્રાન્સમિશન ટાઈમમાં વધારો થયો છે અને જેને નેશનલ વેસ્ટ ઓફ ઇન્ટરેસ્ટ કહી શકાય.

ઉપરોક્ત સિવાય GST કાયદો અનેક આશાઓ લઈને આવ્યો હતો પણ ચાઈનીશઉપકરણો પર આધારિત GST સિસ્ટમે અનેક રીતે સરકાર અને કરદાતાઓને નિરાશ કર્યા છે અને જ્યાં સુધી સરકારશ્રી કરદાતાઓ પર નજર રાખવાનું ઓછું નહીં કરે અને કરદાતાઓના કાર્યો પર વિશ્વાસ મૂકવાનું ચાલુ નહીં રાખે ત્યાં સુધી GSTનો ડર લોકોમાં ઓછો નહીં થાય. GST આવ્યાના આટલા વર્ષે પણ જો સરકારી વેબસાઈટ અસંખ્ય વખત બંધ હોય છે. આજે પણ પોતાના કાર્યક્ષેત્રમાં આવતા કરદાતાઓ કઈ પ્રવુતિઓ કરે છે તે જોવા માટે અધિકારીઓને છૂટ મળેલ નથી. કરદાતાઓએ ક્યા પત્રકો ક્યારે ભરવા તેના માટે એક કરતાં વધુ પરીપત્રો અને જાહેનામાઓ બહાર પાડવા પડે છે, કેન્દ્ર સરકારના અધિકારીઓએ અને રાજ્ય સરકારના અધિકારીઓએ કઈ રીતે કાર્ય કરવું તે પણ આજે ત્રણ વર્ષે CBIC એ સમજાવું પડે છે. આવામાં આપણે GST ને અત્યાર સુધી સફળ કાયદો કહેવો યોગ્ય ન જ કહેવાય. પરંતુ હા,GST નો કોન્સેપ્ટસારો છે; અને GST ના અમલ પાછળ અનેક સરકારોએ ખૂબ મહેનત પણ કરેલ છે આથી આશા રાખીએ કે ભવિષ્યમાં ભારત એક સારા અને સહજ કર નિર્ધારણ તરફ આગળ વધશે જેમાં કરદાતાઓએ કોઈ વકીલ કે CAની મદદ વગર પોતાનો વેરો ભરશે અને સરકાર દ્વારા કરદાતા દ્વારા કરાયેલ કર નિર્ધારણ સહર્ષ સ્વીકારવામાં આવશે.

અડવોકેટ અક્ષત વ્યાસ

ગવર્નિંગ કાઉન્સીલ મેમ્બર  – નેશનલ એશો. ઓફ ટેક્ષ પ્રોફેશનલ્સ,

(લેખક અગ્રણી ટેક્સ એડવોકેટ અને અર્થશાસ્ત્રી છે. નેશનલ એશો. ઓફ ટેક્સ પ્રોફેશ્ન્લસ જેવી સમગ્ર દેશમાં ફેલાયેલી સંસ્થાના તેઓ સહ સ્થાપક છે)

2 thoughts on “GST @ 3: નેશનલ એક્શન કમિટી ના સ્થાપક ડો. અક્ષત વ્યાસ ના જી.એસ.ટી. અંગેના વિચારો

Comments are closed.

error: Content is protected !!
18108