જી.એસ.ટી. હેઠળ 31 ડિસેમ્બર પહેલા ભરવાનું થાય છે વાર્ષિક રિટર્ન
તા. 05.12.2022
જી.એસ.ટી. કાયદા હેઠળ કંપોઝીશન સિવાયના કરદાતાઓ એ જી.એસ.ટી. નું વાર્ષિક રિટર્ન GSTR 9 માં ભરવાનું રહેતું હોય છે. જી.એસ.ટી. કાયદાની કલમ 44 હેઠળ 31 ડિસેમ્બર સુધીમાં આ વાર્ષિક રિટર્ન ભરવાનું રહેતું હોય છે. કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાઓ માટે વાર્ષિક રિટર્ન ભરવાનું થતું નથી. આવા કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાઓએ પોતાનું વાર્ષિક રિટર્ન GSTR 4 માં, વર્ષ પૂરું થયા પછીના 30 એપ્રિલ સુધીમાં ભરવાનું રહેતું હોય છે.
ક્યાં કરદાતાઑને જી.એસ.ટી. હેઠળ રિટર્ન ભરવામાં આપવામાં આવી છે મુક્તિ?
નીચે દર્શાવેલ કરદાતાઓને જી.એસ.ટી. હેઠળ વાર્ષિક રિટર્ન ભરવા માંથી મુક્તિ આપવામાં આવેલ છે.
- ઈન્પુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર
- કેઝયુલ ટેક્સેબલ પર્સન (મેળા, પ્રદર્શન જેવા હંગામી ધંધો કરતાં કરદાતાઓ)
- નોન રેસિડંટ ટેકસેબલ પર્સન
- કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાઓ
2 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓને વાર્ષિક રિટર્ન ભરવામાં આપવામાં આવી છે વિશેષ મુક્તિ:
જી.એસ.ટી. કાયદા હેઠળ કોઈ પણ વર્ષમાં બે કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે GSTR 9 માં ભરવાનું થતું વાર્ષિક રિટર્ન ભરવું મરજિયાત બનાવવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે જી.એસ.ટી. હેઠળ ઓડિટ (આકારણી) કરવાની સમય મર્યાદા એ વાર્ષિક રિટર્ન ભરવાની મુદત સાથે સલગ્ન છે. આ કારણે આવા કરદાતાઓ કે જેઓનું ટર્નઓવર જે તે વર્ષમાં બે કરોડ સુધીનું છે અને જેઓ જી.એસ.ટી. હેઠળ વાર્ષિક રિટર્ન ભરતા નથી તેઓનું વાર્ષિક રિટર્ન, વાર્ષિક રિટર્ન ભરવાની મુદતના દિવસે ભરાઈ ગયું છે તેમ માની લેવામાં આવશે (ડીમ્ડ ટુ બી ફાઇલ્ડ) તેવી જોગવાઈ કરવામાં આવી છે.
પાછલા કે આગામી વર્ષમાં કરવામાં આવેલ કોઈ ફેરફારના સંજોગોમાં વાર્ષિક રિટર્ન ભરી આપવું હિતાવહ:
જી.એસ.ટી. કાયદા હેઠળ CBIC સર્ક્યુલર 26/2017 મુજબ કરદાતાએ નાણાકીય વર્ષ 2021 22 માં પાછલા વર્ષના એટલે કે નાણાકીય વર્ષ 2020 21 ના કોઈ ફેરફાર કરવામાં આવેલ હોય કે નાણાકીય વર્ષ 2021 22 ના વર્ષના કોઈ ફેરફાર આગામી વર્ષમાં એટલેકે નાણાકીય વર્ષ 2022 23 માં કરવામાં આવેલ હોય તેવા સંજોગોમાં પણ તેઓ ટર્નઓવર ઓછું હોવા છતાં પણ વાર્ષિક રિટર્ન ભરી આપે તે હિતાવહ છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. આવા ફેરફારોના સંજોગોમાં કરદાતાને આકારણી સમયે આ વાર્ષિક રિટર્ન ઉપયોગી બની શકે છે.
કરદાતાએ પોતાના લૉગિનમાં “પ્રિ ડ્રાફટેડ” વાર્ષિક રિટર્ન જોઈ લેવું છે જરૂરી!!
કંપોઝીશન સિવાયના કરદાતાઓએ પોતાનું ટર્નઓવર વાર્ષિક રિટર્ન ભરવાની ટર્નઓવર મર્યાદાથી ઓછું હોવા છતાં પોતાના જી.એસ.ટી. પોર્ટલ લૉગિનમાં “સિસ્ટમ જનરેટેડ-પ્રિ ડ્રાફટેડ” GSTR 9 જોઈ પોતાના ચોપડા સાથે મેળવી લેવું હિતાવહ છે તેવું નિષ્ણાંતો માને છે. આ “સિસ્ટમ જનરેટેડ-પ્રિ ડ્રાફટેડ” જો કોઈ ફેરફાર જણાય તો કરદાતા વાર્ષિક રિટર્ન ભરી આપે તે હિતાવહ છે.
5 કરોડ ઉપરના ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે વાર્ષિક રિટર્ન ઉપરાંત સેલ્ફ સર્ટિફાઇડ GSTR 9C ભરવું છે ફરજિયાત
જી.એસ.ટી. હેઠળ પાછલા વર્ષમાં 5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે ફોર્મ GSTR 9 માં વાર્ષિક રિટર્ન ભરવા ઉપરાંત GSTR 9C માં “રિકનસીલેશન સ્ટેટમેન્ટ” ભરવું ફરજિયાત રહેતું હોય છે. નાણાકીય વર્ષ 2019 20 સુધી આ રિકનસીલેશન સ્ટેટમેન્ટ ચાર્ટડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ દ્વારા સર્ટીફાય કરવાની જોગવાઈ લાગુ હતી. પરંતુ નાણાકીય વર્ષ 2020-21 થી આ જોગવાઈ માં સુધારો કરી હવે આ ફોર્મ કરદાતા દ્વારા સેલ્ફ સર્ટિફાય કરવાનું રહે છે. કરદાતાઓએ આ ફોર્મ પણ 31 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન ભરી આપવાનું રહે છે.
જી.એસ.ટી. વાર્ષિક રિટર્ન ના ભરવાથી લાગે છે મોટી લેઇટ ફી
જી.એસ.ટી. કાયદાની કલમ 47(2) હેઠળ જી.એસ.ટી. વાર્ષિક રિટર્ન ભરવા જવાબદાર કરદાતાઓ આ રિટર્ન મોડુ ભારે તો તેઓના ઉપર રોજના 200 રૂ જેવી મોટી લેઇટ ફી લાગુ પડતી હોય છે. આ કારણે 2 કરોડ ઉપર ટર્નઓવર ધરાવતા કરદાતાઓ પોતાનું જી.એસ.ટી. વાર્ષિક રિટર્ન સમયસર ભરવું જરૂરી બને છે.
HSN કોડ પણ વાર્ષિક રિટર્નમાં ફરજિયાત દર્શાવવાના હોવાથી ઘણા કરદાતાઓ થઈ રહ્યા છે પરેશાન
નાણાકીય વર્ષ 2021 22 ના વર્ષના વાર્ષિક રિટર્ન ભરવાની મુદત ખૂબ નજીક હોય ત્યારે કરદાતાઓએ વાર્ષિક રિટર્નમાં આઉટવર્ડ સપ્લાયના HSN કોડ દર્શાવવાનું ફરજિયાત હોવાથી ઘણા કરદાતાઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાના અહેવાલ છે. નાણાકીય વર્ષની શરૂઆતમાં આ બાબતે અંદાજ ના હોવાના કારણે ઘણા કરદાતાઓએ પોતાના એકાઉન્ટસમાં HSN કોડનો ઉલ્લેખ કરેલ નથી. આ કારણે હાલ તેઓ વાર્ષિક રિટર્ન ભરી શકતા નથી. આ જ કારણે જી.એસ.ટી. રિટર્ન ખૂબ ઓછા પ્રમાણમા ભરાયા હોવાના અહેવાલ છે. જી.એસ.ટી. કાઉન્સીલ આગામી 17 ડિસેમ્બરના રોજ મળનારી મિટિંગમાં ઓછામાં ઓછા એક વર્ષ માટે HSN કોડની વિગતો આપવામાંથી મુક્તિ આપે તેવી માંગ વેપારીઓમાં ઉઠી રહી છે.
કરદાતાઓ જી.એસ.ટી. હેઠળ વાર્ષિક રિટર્ન તથા રીકન્સિલેશનની જોગવાઈ સમજી સમયસર આ બંને જવાબદારી પૂરી કરે તે જરૂરી છે.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તારીખ 05 ડિસેમ્બર 2022 ના રોજ પ્રસિદ્ધ થયેલ છે)