2017 18 થી જી.એસ.ટી. હેઠળ બાકી વ્યાજ અંગે સમગ્ર રાજ્યમાં કરદાતાઓને આવી રહી છે નોટિસ

Spread the love
Reading Time: < 1 minute

કરદાતાઓ માટેની નોટિસોમાં ગણતરી અંગે નથી કોઈ વિગતો એવી ઉઠી રહી છે ફરિયાદ

તા. 07.12.2022: જી.એસ.ટી. કાયદો 01 જુલાઇ 2017 થી લાગુ થયો છે. આ લાગુ થયાથી અત્યાર સુધી જી.એસ.ટી. ના રિટર્ન મોડા ભરવાથી લાગુ વ્યાજની જવાબદારી અંગે નોટિસો સમગ્ર ગુજરાત રાજ્યમાં આપવામાં આવી રહી છે તેવા અહેવાલો મળી રહી છે. આ નોટિસોના પગલે કરદાતાઓ તો દોડતા થયા જ છે પણ તેમની સાથે તેઓના ટેક્સ કન્સલ્ટન્ટસ તથા અધિકારીઓની પણ કામગીરીમાં ઓચિતો મોટો વધારો થઈ ગયો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ નોટિસોમાં ખૂબ નાની નાની રકમોની નોટિસો નીકળ્યા હોવાના પણ અહેવાલ છે. આ નાની નાની રકમોમાં સરકારનો વહીવટી ખર્ચ આ નોટિસોના કુલ વ્યાજથી વધુ થશે તેવું જાણકારો માની રહ્યા છે. કરદાતાઓ માટે પણ આ નાની નાની રકમ માટે ચુકવણી કરી, આ સંદર્ભે DRC 03 કરવાની કામગીરી પણ રકમના સાપેક્ષમાં ખૂબ મોટી રહેશે. આ બાબતે વાત કરતાં જુનાગઢના જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ હેમાંગભાઈ શાહ જણાવે છે કે “જી.એસ.ટી. કાયદા હેઠળ 1000 રૂથી નીચે હોય તેવા રિફંડ ના આપવા એવી જોગવાઈ કરેલ છે. એવી જ રીતે આ જૂના વ્યાજ બાબતે પણ 1000 રૂ સુધીના વ્યાજની નોટિસો માફ કરવામાં આવે તે વહીવટી રીતે ખૂબ આવકારદાયક રહેશે. વ્યાજની નાની નાની રકમ ભરવા તથા ત્યારબાદ તેની DRC કરવામાં કરદાતાઓ, ટેક્સ પ્રોફેશનલ્સ તથા જી.એસ.ટી. અધિકારીઓનો જે સમય વ્યય થશે તેના બદલે ઈઝ ઓફ દુઇંગ બિઝનેસને ધ્યાને લઈ નાની નાની વ્યાજની રકમની નોટિસ રદ કરવામાં આવે તે જરૂરી છે.” વેપારી આલમમાં પણ નાની નાની રકમોની વ્યાજની નોટિસોની રકમ માંડવાળ કરવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

error: Content is protected !!