જી.એસ.ટી. હેઠળ કરચોરને પકડવા જી.એસ.ટી. ડિપાર્ટમેંટ મે-જૂન મહિનામાં હાથ ધરશે વિશેષ અભિયાન
નેશનલ કોઓર્ડિનેશન કમિટીની 24 એપ્રિલના રોજ મળેલ મિટિંગમાં જી.એસ.ટી. કરચોરી રોકવા અભિયાન ચલાવવા નિર્ણય:
તા. 05.05.2023: જી.એસ.ટી. કાયદો 01.07.2017 થી લાગુ થયો છે. આ કાયદો લાગુ થયો છે ત્યારથી અવારનવાર મસ મોટી કરચોરી થયા હોવાના અહેવાલો બહાર પડી રહ્યા છે. જી.એસ.ટી. હેઠળ દેશભર માંથી ચોકાવનારા આંકડા બહાર પડી રહ્યા છે. આ મુદ્દાની ગંભીરતા સમજી, જી.એસ.ટી. હેઠળ રચવામાં આવેલ નેશનલ કોઓર્ડિનેશન કમિટી દ્વારા 16 મે 2023 થી 15 જુલાઇ 2023 સુધી બે માહિના માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવશે.
આ અભિયાન 16 મે થી શરૂ થશે અને 15 જુલાઇ સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત જી.એસ.ટી. ની રિસ્ક મેનેજમેંટ સિસ્ટમ દ્વારા સેંટરલ અને સ્ટેટ જી.એસ.ટી. ડિપાર્ટમેંટને કાર્યક્ષેત્ર મુજબ શંકાસ્પદ કરદાતાઓની વિગતો આપશે. આ વિગતો કરદાતાના વિવિધ વ્યવહારો, ઇ વે બિલ, ભૂતકાળના અનુભવો, અધિકારીઓના અનુભવ જેવી વિગતો ઉપરથી તૈયાર કરવામાં આવશે. આ માહિતી મળ્યાથી સેંટરલ કે સ્ટેટ જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા આ કરદાતાના ધંધાના સ્થળની તથા વ્યવહારોની ખરાઈ કરવાની રહેશે. આ સ્થળતપાસ દરમ્યાન કોઈ કરદાતા બોગસ માલૂમ પડે અથવા ધંધાનું સ્થળ અસ્તિત્વમાં જ ના હોય તેવા સંજોગોમાં તેનો જી.એસ.ટી. નોંધણી દાખલો તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કે રદ્દ કરી નાંખવામાં આવશે. આ ઉપરાંત બેન્ક ટાંચ જેવા પગલાં પણ અધિકારીને જરૂરી લાગશે તો તે લઈ શકશે. આ ઉપરાંત આવા બોગસ કરદાતા પાસેથી ખરીદી કરેલ હોય તેવા કરદાતાને ત્યાં પણ જરૂર જણાય તો અધિકારી દ્વારા તપાસ કરવામાં આવશે. જો આવા બોગસ કરદાતા પાસેથી ખરીદી કરનાર કરદાતા અધિકારીના પોતાના કાર્યક્ષેત્રમાં ના પડતાં હોય તો અધિકારી દ્વારા પોતાના દ્વારા એકત્રિત કરાયેલ વિગતો જે તે ખરીદી કરનાર કરદાતાના અધિકારીને તબદીલ કરવાની રહેશે. સેંટરલ જી.એસ.ટી. તથા રાજ્ય જી.એસ.ટી. વચ્ચે સંકલન જળવાઈ રહે તે હેતુથી દરેક રાજ્યમાં ઝોન સ્તરે “નોડલ ઓફિસર” ની નિમણૂંક કરવામાં આવશે. આ અધિકારી દ્વારા સેંટરલ તથા સ્ટેટ જી.એસ.ટી. અધિકારીઓ વચ્ચે સંકલન બની રહે તે બાબત સુનિશ્ચિત કરવા જવાબદાર બનશે. આ અભિયાન અંગેના રિપોર્ટ્સ વિવિધ સ્તરના અધિકારીઓએ અઠવાડિક ધોરણે આપવાના રહેશે. આ પ્રકારના અભિયાનના કારણે કરચોરોમાં ફફડાટ વ્યાપી જશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. પરંતુ આ પ્રકારના અભિયાનના કારણે પ્રમાણિક કરદાતા હેરાન ના થાય તે પણ એટલું જ જરૂરી છે.