GSTR 4 તથા GSTR 10 ની લેઇટ ફીમાં પણ કરવામાં આવ્યો ઘટાડો.. કોરોનાની અસર કંપોઝીશનના વેપારીને પણ છે તેનો આખરે થયો સ્વીકાર!!!
બાકી રહેલા GSTR 4 તથા GSTR 10 માટેની લેઇટ ફી રહેશે મહત્તમ 500/-
તા. 22.09.2020: જી.એસ.ટી. હેઠળ કોરોના કાળમાં કરદાતાઓને બજાવવાની થતી કાર્યવાહીમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. આ છૂટમાં એક વધુ ઉમેરો થયેલ છે. કંપોઝીશન સિવાયના કરદાતાઓને જુલાઇ 2017 થી બાકી રિટર્ન ઉપર લેઇટ ફીમાં રાહતો આપવામાં આવી હતી. પરંતુ કોઈ પણ અગમ્ય કારણોસર કંપોઝીશનના કરદાતાઑને આ છૂટ આપવામાં આવી ન હતી. ટેક્સ ટુડે સહિતના વિવિધ સમાચાર માધ્યમો, વિવિધ સંગઠનો દ્વારા આ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. અંતે આ રજૂઆતો માન્ય રાખી કંપોઝીશન કરદાતાઓ માટે 31.03.2019 સુધીના બાકી GSTR 4 માટે (01.04.19 થી કંપોઝીશન કરદાતાઓએ CMP 08 ભરવાના રહે છે જેના ઉપર કોઈ લેઇટ ફી લગતી નથી) NIL રિટર્ન માટે સંપૂર્ણ લેઇટ ફી માફ કરી આપી છે. જ્યારે NIL સિવાયના રિટર્ન માટે CGST તથા SGST બન્ને હેઠળ 250/- રૂ પ્રતિ રિટર્ન એટલેકે કુલ 500 રૂ ની લેઇટ ફી નિયત કરી આપી છે. GSTR 4 ઉપરાંત કંપોઝીશન સિવાયના જે કરદાતાઓ પોતાનો નોંધણી દાખલો રદ્દ કરાવે તેમણે GSTR 10 માં ફાઇનલ રિટર્ન ભરવાનું થાય છે. આ રિટર્ન ભરવાની લેઇટ ફી પણ 250 રૂ પ્રતિ કાયદા, આમ કુલ 500/- ની મહત્તમ મર્યાદા કરી આપી છે. જોકે આ લેઇટ ફી 22 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર 2020 સુધી ભરવામાં આવેલા GSTR 4 તથા GSTR 10 નેજ લાગુ પડશે. અગાઉ જેમને લેઇટ ફી ભરેલ છે તેમને કોઈ રિફંડ આપવામાં આવશે નહીં. આ નોટિફિકેશન બહાર પડતાં તરેક ટેક્સ પ્રેકટિશનરના મનમાં એકજ પ્રખ્યાત હિન્દી કહાવત યાદ આવી હશે… “દેર આયે દુરુસ્ત આયે”….
નોટિફીકેશન 67 તથા 68, તા. 21 સપ્ટેમ્બર 2020 આ લેખ સાથે વાંચકોના લાભાર્થે જોડેલ છે