કરદાતાનો માલ મુક્ત કરવા આદેશ કરતી ગુજરાત હાઇકોર્ટ: રાજકોટના જાણીતા વકીલ અપૂર્વ મહેતાની ધારદાર દલીલો
તા. 02.08.2023: ગુજરાત હાઇકોર્ટ દ્વારા જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા કરવામાં આવેલ જપ્તીનો આદેશ દૂર કરતો આદેશ કરવામાં આવ્યો છે. વિનસ ઈન્ડસ્ટ્રીઝનો માલ વહન દરમ્યાન જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા તપાસ કરવામાં આવ્યો હતો. આ જપ્તી આદેશને કરદાતા દ્વારા માનનીય ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. કરદાતા વતી તેઓના એડવોકેટ અપૂર્વ મહેતા દ્વારા જપ્તી અંગેની નોટિસ તથા જપ્તી આદેશને રદ્દ કરવા ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી. કેસના તથ્યો જોઈએ તો કરદાતા જામનગર ખાતે માલિકી ધોરણે સ્ક્રેપનો ધંધો ચલાવતા હતા. તેઓ દ્વારા વૈષ્ણવી મેટલ પ્રોડકશન કોર્પોરેશનને માલ વેચાણ કરવામાં આવ્યો હતો. આ માલ તપાસ અર્થે જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા રોકવામાં આવ્યો હતો અને ત્યાર બાદ આ માલ જપ્તીનો આદેશ પસાર કરવામાં આવ્યો હતો. આ આદેશને કરદાતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. કરદાતા વતી ઉપસ્થિત વિદ્વાન વકીલશ્રી અપૂર્વ મહેતા દ્વારા આ માલ જી.એસ.ટી. કાયદાની કલમ 129 તથા 130 વચ્ચેના તફાવત, સમાનતા બાબતે દલીલો રજૂ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા તેઓની દલીલ માન્ય રાખી કરદાતાનો માલ તથા વાહન, નિયત રકમની જામીનગિરિ આપવાની શરતે મુક્ત કરવા અંતરીમ આદેશ કરવામાં આવ્યો હતો. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.