Happy Birthday GST: ટેક્સ પ્રોફેશનલ્સ તથા ટેક્સ પેયર્સ માટે “Suffer” થી લઈને આજે 7 વર્ષની સફર….

0
Spread the love
Reading Time: 7 minutes

જી.એસ.ટી. કાઉન્સીલની 53 મી મિટિંગમાં આપવામાં આવેલી રાહતો જોઈ જી.એસ.ટી. ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ બનશે તેવી બંધાઈ છે આશા.   

તા. 01.07.2024:

01 જુલાઇ 2017 ના રોજ રાત્રિના 12 કલાકે સંસદ ભવનના સેન્ટરલ હૉલમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા નાણાંમંત્રી અરુણ જેટલી સહિત દેશભરના સાંસદોની હાજરીમાં જી.એસ.ટી. એટલેકે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. ભારતીય ટેક્સ પ્રણાલીમાં જી.એસ.ટી. કાયદો આમૂલ પરીવર્તન તરીકે ગણવામાં આવી રહ્યો હતો. “વન નેશન વન ટેક્સ વન માર્કેટ” એ જી.એસ.ટી. કાયદાની “પંચ લાઇન” અથવા તો “USP” પણ ગણી શકાય. આજે આ જી.એસ.ટી. કાયદો લાગુ થયાને 6 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે જી.એસ.ટી.ન ના સાત વર્ષ પૂર્ણ થયા પછી પણ શું છે જમીની સ્તરે પરિસ્થિતી?? એ જાણવા આ લેખમાં પ્રયાસ કરવામાં આવ્યો છે.

  1. જી.એસ.ટી. કાઉન્સીલની 53 મી મિટિંગમાં લેવાયેલા કરદાતા માટે ફાયદાકારક નિર્ણયો:

જી.એસ.ટી. ના સાત વર્ષના સમયગાળા દરમ્યાન 53 જેટલી જી.એસ.ટી. કાઉન્સીલ મિટિંગ મળી છે. આ મિટિંગ પૈકી સૌથી વધુ પોઝિટિવ મિટિંગ જો કોઈને ગણી શકાય તો તે મિટિંગ હાલમાં દિલ્હી ખાતે યોજાયેલ કાઉન્સીલની 53 મી મિટિંગ ગણી શકાય. જી.એસ.ટી. હેઠળ 2017-18 થી લઈ 2019-20 સુધી જી.એસ.ટી. ના શરૂઆતના વર્ષોમાં કરદાતાએ ભોગવેલ હાલાકી ધ્યાને રાખી ઊભી કરવામાં આવેલ ડિમાન્ડ સંદર્ભે વ્યાજ અને દંડ માફી આપવા જાહેરાત કરવામાં આવી છે. તો કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાઑ માટે ભરવાના થતાં ફોર્મ GSTR ફોર્મની મુદત 30 એપ્રિલથી વધારી 30 જૂન કરવામાં આવી છે. આ ઉપરાંત કેશ લેજરમાં રહેલી રકમ ઉપર વ્યાજ નહીં લાગુ કરવાનો નિર્ણય પણ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. સાત વર્ષમાં કરદાતાઓને રાહતનો સૌથી મોટો ખજાનો આ મિટિંગમાં ખોલવામાં આવ્યો છે. આ એક હકારાત્મક સંકેત ગણી શકાય. આશા રાખીએ કે આગળ મળનારી જી.એસ.ટી. કાઉન્સીલની મિટિંગમાં પણ આ કરદાતા પ્રત્યે હકારાત્મક અભિગમ ચાલુ રહે.

  1. મોટા પ્રમાણમાં “ટેકનિકલ ગલિચ” સાથે શરૂઆત બાદ પોર્ટલમાં મહદ્દ અંશે સુધારો:

01.07.2017 થી લાગુ થયેલ જી.એસ.ટી. હેઠળ કરદાતાઓએ શરૂઆતના દિવસોમાં જી.એસ.ટી. પોર્ટલના કારણે ખૂબ તકલીફો વેઠી હતી. માઈગ્રેશનથી લઈ કંપોઝીશનની અરજીમાં, GSTR 1 થી માંડીને GSTR 3 ભરવામાં જી.એસ.ટી. પોર્ટલ દ્વારા કરદાતાઓની અને ખાસ કરીને ટેક્સ પ્રોફેશનલ્સની ખરા અર્થમાં પરીક્ષા લીધી હતી. જી.એસ.ટી. લાગુ થયાના લગભગ 1 વર્ષ સુધી પોર્ટલ દ્વારા કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સન માટે ખૂબ પરેશાની ઊભી કરેલ હતી. કોઈ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી તે ફોર્મ પોર્ટલ ઉપર ઉપલબ્ધ કરવવામાં ના આવ્યું હોય, ફોર્મ જ્યારે ઉપલબ્ધ બનાવવામાં આવ્યું હોય ત્યારે ટૂંકી મુદતમાં આ ફોર્મ ભરવા કરદાતાને જણાવવામાં આવ્યું હોય તેવા અનેક દાખલા સામે આવ્યા હતા. પરંતુ આજે છે વર્ષ પછી સ્થિતિ મહદ્દઅંશે સારી છે. નાના મોટા ટેકનિકલ પ્રોબ્લેમને બાદ કરતાં જી.એસ.ટી. પોર્ટલ સારી રીતે કાર્યરત છે. પણ હા ટેક્સ પ્રોફેશનલ્સ જુલાઇ 2017 આસપાસના ગાળામાં જી.એસ.ટી. પોર્ટલ ઉપરની ટેકનિકલ ક્ષતિઓના કારણે પોતે ભોગવેલ યાતના ક્યારેય ભૂલી શકશે નહીં તે ચોક્કસ છે. સરકાર જેને “ટીથીંગ ટ્રબલ” ગણી રહી હતી તે “ટીથીંગ ટ્ર્બલ” એ કરદાતા તથા ટેક્સ પ્રોફેશનલ્સના દાંત ખાંટા કરી નાખ્યા હતા.

  1. અસંખ્ય નોટિફિકેશન-સર્ક્યુલર-ઓર્ડર્સ:

જી.એસ.ટી. કાયદો 01 જુલાઇ 2017 થી લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદો લાગુ કરવામાં આવ્યો ત્યારે જ નિષ્ણાંતો માની રહ્યા હતા કે જી.એસ.ટી. કાયદો ઉતાવળમાં, જોઈએ તેવી તૈયારી વગર લાગુ કરી આપવામાં આવ્યો છે અને આ કારણે જી.એસ.ટી. માં કરદાતાઓને અનેક તકલીફો પડી શકે છે. વાસ્તવમાં એજ પરિસ્થિતી ઊભી થઈ હતી. કાયદામાં રહેલી ત્રુટિઑ સુધારવા અનેક નોટિફિકેશન, સર્ક્યુલર તથા રીમુવલ ઓફ ડિફિકલ્ટી ઓર્ડર બહાર પાડવાની ફરજ પડી હતી. જી.એસ.ટી. પોર્ટલની ખામીના કારણે જી.એસ.ટી. હેઠળની મુદતોમાં અનેકવાર વધારો કરવામાં આવ્યો હતો. આ મુદતોમાં વધારો કરવા સમયે દર વખતે માત્ર કરદાતાના હિતમાં મુદત વધારવામાં આવેલ છે તેમ જણાવવામાં આવ્યું હતું. પરંતુ હકીકત એ હતી કે આ મોટાભાગની મુદતો જી.એસ.ટી. પોર્ટલના લાભાર્થે વધારવામાં આવી હતી. કાયદા તથા નિયમોમાં રહી ગયેલી ત્રુટિઑ ના કારણે અનેક નોટિફીકેશન બહાર પાડવાની જરૂર ઊભી થઈ હતી. આ નોટિફિકેશનની ભાષા પણ એટલી મુશ્કેલ રહેતી હોય છે કે સામાન્ય કરદાતા તો શું, નિષ્ણાંત ટેક્સ પ્રોફેશનલ્સ પણ અર્થઘટનમાં થાપ ખાઈ જતાં હોય છે!! આટલા મોટા પ્રમાણમા બહાર પાડવામાં આવેલ આ નોટિફિકેશન, સર્ક્યુલરના કારણે “ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ” તરીકે જે જી.એસ.ટી. લાગુ કરવાનો હતો તે “બેડ એન્ડ કોમ્પ્લેક્ષ ટેક્સ” બની ગયો હતો. આજે સાત વર્ષે આ બાબતની સ્થિતિની વાત કરીએ તો જી.એસ.ટી. હેઠળ નોટિફિકેશન, સર્ક્યુલર વગેરેની સંખ્યામાં ચોક્કસ ઘટાડો આવ્યો છે પરંતુ આજે પણ નોટિફિકેશનની ભાષા આજે પણ એટલીજ ટેકનિકલ છે. આ પ્રકારે ટેકનિકલ ભાષામાં જ્યાં નોટિફિકેશન બહાર પાડવામાં આવતા હોય ત્યારે સ્થાનિક ભાષામાં આ અંગે “ટ્રેડ નોટિસ” બહાર પાડવી પણ જરૂરી છે. કાયદાથી ઉપરવટ જઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવતા હોવાની ફરિયાદ પણ સતત ઉઠી જ રહી છે!!

  1. જી.એસ.ટી. રિટર્નમાં સદંતર બદલાવ

જી.એસ.ટી. લાગુ કરવામાં આવ્યો ત્યારે સામાન્ય રીતે કરદાતાએ GSTR 1, GSTR 2 તથા GSTR 3 જેવા ત્રણ અલગ અલગ ફોર્મમાં પોતાના રિટર્ન ભરવાના થતાં હતા. આ ત્રણે ફોર્મ ભરવાની મુદત પણ અલગ અલગ હતી. જી.એસ.ટી. રિટર્નની આ પદ્ધતિ બહાર પડતાંની સાથેજ નિષ્ણાંતો માની રહ્યા હતા કે રિટર્ન ભરવાની આ પદ્ધતિ જમીની સ્તરે લાગુ કરવી શક્ય બનશે નહીં. પોર્ટલની ખામીના કારણે શરૂઆતમાં GSTR 2 અને GSTR 3 ને મુલતવી રાખી GSTR 1 તથા તેની સાથે “સમરી રિટર્ન” તરીકે GSTR 3B નામનું ફોર્મ (જે ફોર્મ રિટર્ન નથી તેવા ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ તેને વિધિવત રીતે રિટર્નનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું) લાગુ કરવામાં આવ્યું હતું. હંગામી ધોરણે લાગુ કરવામાં આવેલ GSTR 3B નું ફોર્મ આજે સાત વર્ષ બાદ પણ ચાલુ છે. લાંબા સમય સુધી GSTR 2 અને GSTR 3 દ્વારા રિટર્નની આ પદ્ધતિની ને જડતાંથી પકડી રાખ્યા બાદ આખરે 2022 ના બજેટમાં રિટર્ન ભરવાની આ પદ્ધતિને વિધિવત અલવિદા કહી દેવામાં આવી છે. હાલ, કરદાતાઓ GSTR 1 દ્વારા પોતાનું વેચાણ અને GSTR 3B દ્વારા પોતાના વેચાણ તથા આઉટપુટ ટેક્સ તથા ઈન્પુટ ટેક્સ ક્રેડિટની વિગતો દર્શાવી રિટર્ન ફાઇલ કરી રહ્યા છે. GSTR 2A, GSTR 2B જેવા નાના પણ ભયંકર ફોર્મ દ્વારા GSTR 2 ની ભરપાઈ કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા સાત વર્ષથી કરદાતાઓની રિટર્ન રિવાઈઝ (રિટર્નમાં સુધારો) કરવાની સગવડ આપવાની માંગણી માન્ય રાખવામા આવી નથી!!!

  1. સિમલેસ ક્રેડિટ” નો મુખ્ય ઉદ્દેશ નથી રહ્યો યાદ!!

“સિમલેસ ક્રેડિટ” ના મુખ્ય ઉદેશ સાથે લાગુ કરવામાં આવેલ જી.એસ.ટી. કાયદાની આજે સાત વર્ષ બાદ જો સૌથી ગંભીર ક્ષતિ ગણાય તો તે ક્ષતિ એ ગણી શકાય કે આજે સાત વર્ષ બાદ જી.એસ.ટી. હેઠળ ક્રેડિટ લેવી અત્યંત મુશ્કેલ બનાવી આપવામાં આવી છે. માલ અને સેવાઓ વચ્ચે ઈન્પુટ ક્રેડિટ મળી શકે, આંતર રાજ્ય માલ વિનિમયની ક્રેડિટ મળી શકે અને આ ક્રેડિટના કારણે માલ પર ટેક્સનો બોજો ઘટે અને માલ ગ્રાહકો માટે સસ્તો બને તે હેતુ જી.એસ.ટી. લાગુ કરવાનો મુખ્ય હેતુ હતો. પરંતુ આજે સાત વર્ષ પછી જી.એસ.ટી. હેઠળ ક્રેડિટ લેવી એ “લોઢાંના ચણા ચાવવા” જેવી મુશ્કેલ બાબત બની ગઈ છે. અવારનવાર પકડવામાં આવતા જી.એસ.ટી. હેઠળના કરચોરીના કૌભાંડના કારણે દિવસેને દિવસે જી.એસ.ટી. હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવી કરદાતા માટે મુશ્કેલ બનાવવામાં આવી છે. કરચોરોના કરચોરીની સજા હાલ પ્રમાણિક વેપારીઓ ભોગવી રહ્યા હોય તેવું જમીની સ્તરે ફલિત થઈ રહ્યું છે. જી.એસ.ટી.ને સફળ બનાવવા આ ક્ષતિ દૂર કરવી ખૂબ જરૂરી છે. ખરીદનાર વેપારી દ્વારા યોગ્ય જી.એસ.ટી. ચૂકવી ખરીદવામાં આવેલ માલ ઉપર વેચનાર વેપારી વેરો ના ભરે એવી પરિસ્થિતીમાં ખરીદનારની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ માન્ય ના રાખવામા આવે તે ક્યાંનો ન્યાય??? હા કરચોરીમાં સાંઠગાંઠ સાબિત થઈ તેવા ખરીદનાર વેપારીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અમાન્ય કરવામાં આવે તે બારોબાર છે પરંતુ સામાન્ય ધંધાકીય વ્યવહારમાં થતી ખરીદી ઉપર આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અમાન્ય કરવી એ પાડાના વાંકે પખાલીને ડામ આપવા જેવી બાબત જ ગણી શકાય. આમ, કહી શકાય કે આજે વર્ષ બાદ “સિમલેસ ક્રેડિટ” મળી રહે તે હેતુ ફલિત થયો નથી.

  1. જી.એસ.ટી. રજીસ્ટ્રેશન: છેલ્લા એક વર્ષમાં ફરી આવ્યો છે સુધારો

જી.એસ.ટી. લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે સૌથી વધુ પ્રશંશા એ બાબતની કરવામાં આવતી હતી કે જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો મેળવવો વેટ કાયદા કરતાં સરળ છે. ટેક્સ પ્રોફેશનલ્સ એક સુરે આ બાબતના વખાણ કરતાં જોવા મળતા હતા. પરંતુ ધીમે ધીમે, જેમ જેમ જી.એસ.ટી. હેઠળ કરચોરીના કૌભાંડ બહાર આવતા ગયા તેમ તેમ જી.એસ.ટી. નોંધણી દાખલો મેળવવાની વિધિ મુશ્કેલ બનતી ગઈ. છેલ્લા બે કે ત્રણ વર્ષમાં જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો મેળવવો ખૂબ મુશ્કેલ બની ગયો હતો. જી.એસ.ટી. હેઠળ નવા નોંધણી દાખલાની અરજી કરતાં તમામ કરદાતાને જી.એસ.ટી. ડિપાર્ટમેંટ શંકાના નજરથી જોઈ રહ્યું હતું. ઍક યા બીજા કારણ આપી જી.એસ.ટી. નોંધણીની અરજી નકારવામાં આવતી હોવાની ફરિયાદ સતત ઉઠી રહી હતી. પરંતુ છેલ્લા એક વર્ષમાં આ બાબતે થોડી રાહત થઈ છે. જી.એસ.ટી. નંબર ફરી સહેલયથી આપવામાં આવી રહ્યા છે તેવી માહિતી મળી રહી છે.

  1. જી.એસ.ટી. ટ્રિબ્યુનલની આજે સાત વર્ષ પછી પણ નથી થઈ કાર્યરત

જી.એસ.ટી. એક નવો કાયદો હોય તકરારોનું પ્રમાણ વધુ રહે તે સ્વાભાવિક છે. આજે જી.એસ.ટી. કાયદાની રચનાને  સાત વર્ષ પુર્ણ થયા પછી પણ જી.એસ.ટી. ટ્રિબ્યુનલની નથી થઈ શકી કાર્યરત. સાત-સાત સુધી કોઈ કાયદામાં જોગવાઈ હોવા છતાં ટ્રિબ્યુનલની સ્થાપના ના કરવામાં આવી હોય તે કદાચ આ પ્રથમ ઘટના હશે. સુપ્રીમ કોર્ટ તથા વિવિધ હાઇકોર્ટ દ્વારા પણ આ બાબતે ટકોર કરવામાં આવેલ છે. અનેક પક્ષકારોએ ટ્રિબ્યુનલ ના હોવાના કારણે અનેક કરદાતાઓએ હાઇકોર્ટના દ્વારા ખખડાવવા પડ્યા છે. એવા પણ કિસ્સા મોટા પ્રમાણમાં છે જ્યાં ટ્રિબ્યુનલના હોવાના કારણે કરદાતા દ્વારા કરવામાં આવેલ પ્રથમ અપીલ લાંબા-ખૂબ લાંબા સમય સુધી પડતર રાખવામા આવી રહી છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચેકપોસ્ટ બાબતેની અપીલનો મોટો ભરાવો થયેલ છે. હાલ, લાગુ રહ્યું છે કે આગામી થોડા મહિનાઓમાં ટ્રિબ્યુનલ કાર્યરત થઈ જશે.

જી.એસ.ટી. ના સાત વર્ષના અનુભવ વિષે ટેક્સ એડ્વોકેટ દર્શિત શાહ, અમદાવાદનો મત: 

ભારત દેશમાં લાગૂ કરવામાં આવેલ સૌથી મોટો ફેરફાર એવા જીએસટી કાયદાને ૭ વર્ષ પૂર્ણ થયા જેનાથી આજે સરકાર ને આવકમા તોહ અઢળક વધારો થયો છે જે દેશ ની પ્રગતિ માટે ઘણું લાભદાયી છે પરંતુ બીજી બાજુ જોઈએ તોહ સામાન્ય કરદાતા માટે જીએસટી ને સમજવું હજી પણ સવપ્ન ભર્યું છે.
જીએસટી કાયદો આવ્યો ત્યાર થી તેમા સરકાર અવાર નવાર ફેરફાર કરતી રહે છે જે સામાન્ય રીતે કરદાતા ને સમજવું હજી પણ ઘણું અઘરું છે. જીએસટી માટે નું પ્રથમ પગલું એટલે કે જીએસટી રજિસ્ટ્રેશન મેળવવું હજી પણ સામાન્ય કરદાતા માટે ઘણું અઘરું છે. પેહલા જીએસટી રજિસ્ટ્રેશન લેવું સામાન્ય કરદાતા માટે ઘણું સરળ હતું. હાલ જીએસટી રજિસ્ટ્રેશન લેવા માટે કરદાતાને આધાર ઓથેન્ટિકેશન, બાયોમાટ્રિક, જેવા વિવિધ તબક્કાઓ માથી પસાર થઉં પડે છે આ ઉપરાંત રજિસ્ટ્રેશન લેવા માટે ઘણી વખત ન જરૂરી હોય તેવા પુરાવા પણ માગવામાં આવતા હોય છે. ઘણા કિસ્સામા બાયોમાટ્રિક થી લઈ સ્પોટ વિઝિટ જેવા વિવિધ તબક્કા માથી નિકળી ને જીએસટી રજિસ્ટ્રેશન મેળવતા મહિનાઓ નો સમય નીકળી જાય છે. આ માટે કાયદા મા એસ.ઓ.પી જેવું બહાર પાડી ને આ પ્રક્રિયા થોડી હજી સરળ બનાવવી જોઈએ જેથી કરી ને દરેક સામાન્ય કરદાતા ને ધંધો શરૂ કરવામાટે જરૂરી એવું જીએસટી રજિસ્ટ્રેશન સરળતાથી મેળવી શકે.

 

 

 

 

દર્શિત શાહ, ટેક્સ એડવોકેટ, અમદાવાદ

જી.એસ.ટી. લાગુ કરવાની હિમ્મત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવા બાહોશ અને હિમ્મતવાન પ્રધાનમંત્રી જ કરી શકે એ ચોકકસ છે. જી.એસ.ટી. લાગુ કરવામાં પડેલ વિવિધ સમસ્યાઓનો દ્રઢતાથી સામનો કરી, જી.એસ.ટી. લાગુ કરવા અડગ રહી 01 જુલાઇ 2017 થી જી.એસ.ટી. લાગુ કરવો એ પ્રધાનમંત્રીએના મક્કમ મનોબળનો પુરાવો છે. સૈદ્ધાંતિક રીતે જી.એસ.ટી. લાગુ કરવો દેશના તથા વેપારના હિતમાં છે તે બાબતે કોઈ બે મત નથી. પરંતું જી.એસ.ટી. જોઈએ તેવો “સ્મૂથલી” લાગુ થઈ શક્યો નથી એ પણ હકીકત છે. આજે સાત વર્ષ પછી પણ ઘણી બાબતો એવી છે જેમાં આમૂલ ફેરફારને અવકાશ છે. આવી બાબતોમાં સૌથી વધુ જરૂર છે તો તે છે કરદાતા પ્રત્યેના વલણના બદલાવની જ્યાં જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા દરેક વેપારી/કરદાતાને શંકાની નજરે જોવામાં આવે છે!! અંતે 53 મી જી.એસ.ટી. કાઉન્સીલની મિટિંગ બાદ જી.એસ.ટી. વિષે એટલું જરૂર કહી શકાય છે કે “દેર આયે દુરુસ્ત આયે!!!”

-By ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!