બિન નોંધાયેલ વ્યક્તિને વેચાણ કરતાં વેપારીઓ ખાસ આ બાબતનું રાખે ધ્યાન!!
B2C આંતર રાજ્ય વેચાણ કરતાં વેપારીઓ માટે ક્યારે બિલમાં IGST લાગે અને ક્યારે CGST-SGST લાગે તે બાબતે આવ્યો મહત્વનો ખુલાસો:
તા. 02.07.2024: રાજ્ય બહારના બિન નોંધાયેલ ગ્રાહકને વેચાણ કરતાં વેપારીઓ માટે લાગુ પડે તેવો એક મહત્વનો ખુલાસો સેન્ટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આ ખુલાસો એ ઇનટીગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં 01.04.2023 થી મહત્વનો ફેરફાર આવ્યો છે તેના અનુસંધાને બહાર પાડવામાં આવ્યો છે. આ ખુલાસા અનુસાર, જ્યારે કોઈ રાજ્યના વેપારી, અન્ય રાજ્યના ગ્રાહક કે અનરજિસ્ટર્ડ પર્સન (જી.એસ.ટી. નંબરના ધરાવતા વ્યક્તિ) ને માલનું વેચાણ કરે છે ત્યારે જો બિલમાં જે તે ખરીદનારનું ગામ, એડ્રેસ, રાજ્યનો ઉલ્લેખ કરે છે ત્યારે આ વેચાણ એ જે તે ગ્રાહકના રાજ્યમાં કરવામાં આવેલ વેચાણ ગણાય અને તેવા વ્યવહાર માટે “પ્લેસ ઓફ સપ્લાય” જે તે ખરીદનારનું રાજ્ય ગણાય. આવા કિસ્સામાં વેચનાર વેપારીએ IGST લગાડવાનો રહે અને ખરીદનાર જે રાજ્યના છે તે રાજ્યને જી.એસ.ટી.ની રાજ્યના ભાગની રકમ મળે. જ્યારે બિલમાં ખરીદનારના ગામ, એડ્રેસ, રાજ્યનો ઉલ્લેખ ના કરવામાં આવ્યો હોય ત્યારે આ વેચાણ વેચનારના રાજ્યમાં પૂર્ણ થયેલ ગણાય અને આ વ્યવહારમાં વેચનાર વેપારીએ CGST+SGST લગાડવાનો રહે અને વેચનાર જે રાજ્યના છે તે રાજ્યને SGST ની રકમ મળે. આ સર્ક્યુલરમાં એક ઉદાહરણ આપવામાં આવ્યું છે. આ ઉદાહરણને વધુ સહેલી રીતે સમજીએ જે એવા વ્યવહારનું છે જ્યાં ગુજરાતના Mr A દ્વારા ઓનલાઈન કંપની (એમેઝોન, ફ્લિપકાર્ટ વી. જેવી) કે જે મહારાષ્ટ્રથી માલનું વેચાણ માટે દીવ રહેતા Mr B માટે કોઈ વસ્તુનો ઓર્ડર આપવામાં આવ્યો હોય. ઉદાહરણ મુજબ જ્યારે કોઈ ગુજરાતમાં રહેતા વ્યક્તિ Mr A, ઇ કોમર્સ વેબસાઇટ જે મહારાષ્ટ્રમાં આવેલ છે તેને ઓર્ડર આપી દીવ ખાતે રહેતા વ્યક્તિ Mr B ને માલ આપવા જણાવે છે તેવા કિસ્સામાં બિલ ગુજરાતમાં રહેતા Mr A વ્યક્તિના નામે બનશે જ્યારે “પ્લેસ ઓફ સપ્લાય” તે માલ જ્યારે જે તે દીવના વ્યક્તિ Mr B ને મળશે તે વ્યક્તિના રાજ્યનું ગણાશે અને IGST પૈકી રાજ્યનો ભાગ દીવ ને મળશે.
આ જ બાબતને સરળ રીતે સમજીએ કે સામાન્ય વ્યવહારમાં જ્યારે ઉનાનો વેપારી M/s A જ્યારે દીવ માં રહેતા Mr B કે જેઓ ગ્રાહક છે તેઓને ઉના પોતાની દુકાનેથી માલ આપી રહ્યા હોય અને બિલમાં Mr B ના સરનામા તરીકે દીવનો ઉલ્લેખ કરે ત્યારે આ વ્યવહાર આંતરરાજ્ય વ્યવહાર ગણાશે અને વેચનાર વેપારીએ IGST લગાડવાનો રહેશે. આ કિસ્સામાં “પ્લેસ ઓફ સપ્લાય” દીવ ગણાશે અને IGST પૈકી રાજ્યનો ભાગ દીવને જતો રહેશે. એવી જ રીતે, જો ઉનાના વેપારી M/s A જ્યારે દીવમાં જ રહેતા Mr B કે જેઓ ગ્રાહક છે તેઓને ઉના પોતાની દુકાનેથી માલ આપી રહ્યા હોય અને બિલમાં Mr B ના સરનામા બાબતે કોઈ ઉલ્લેખના હોય તેવા સંજોગોમાં આ વેચાણ ગુજરાત રાજ્ય માનું વેચાણ ગણાશે અને આ વ્યવહાર ઉપર વેચનાર વેપારીએ CGST+SGST લગાડવાનો રહેશે. આવા વ્યવહારમાં “પ્લેસ ઓફ સપ્લાય” ગુજરાત રાજ્ય ગણાય અને આ વ્યવહાર પૈકી SGSTની રકમ ગુજરાત રાજ્યને મળશે.
IGST કાયદામાં આવેલ આ સુધારો અને તે અંગે આપવામાં આવેલ સર્ક્યુલર દીવ, દમણ, સેલવાસા, મહારાષ્ટ્ર-રાજસ્થાન બોર્ડર પાસેના ગામો માટે ખૂબ ઉપયોગી અને મહત્વનો છે. આ બોર્ડર ઉપર આવેલ ગામોના વ્યવહારો બાજુના કેન્દ્ર શાશીત પ્રદેશ કે અન્ય રાજ્યોના નજીકના ગામો સાથે થતાં હોય છે. આ બાબતોનું ધ્યાન ના રાખવામા આવે તો એક ના બદલે બે વાર ટેક્સ ચૂકવવાની જરૂરત ઊભી થતી હોય છે કારણકે ખોટા રાજ્યમાં ભરવામાં આવેલ વેરો પાછો લેવો લોઢાંના ચણા ચાવવા બરાબર છે અને કાયદા મુજબ જે રાજ્યમાં ટેક્સ ભરવાનો થાય તે વ્યાજ અને દંડ સાથે આ રકમની વસૂલાત કરતાં હોય છે.
આ ઉપરાંત આ જોગવાઈનું ધ્યાન રાખવું કંપોઝીશન સ્કીમ હેઠળ ટેક્સ ભરતા કરદાતા માટે ખૂબ વધુ જરૂરી છે. જી.એસ.ટી. નિયમ મુજબ કંપોઝીશન સ્કીમ હેઠળના વેપારી આંતરરાજ્ય વેચાણ કરી શકે નહીં. જો કોઈ કંપોઝીશન સ્કીમમાં હોય તેવા વેપારીએ આ જોગવાઈને ધ્યાને રાખ્યા વગર એવું બિલ બનાવવામાં આવે જેમાં બિનનોંધાયેલ ખરીદનારનું સરનામું ખરીદનાર વ્યક્તિનું દર્શાવવામાં આવે તો આ વ્યવહાર આંતરરાજ્ય વ્યવહાર ગણાય અને આંતર રાજ્ય વેચાણના કારણે વેચનાર વેપારીની કંપોઝીશન સ્કીમ હેઠળની પરવાનગી રદ થઈ જતી હોય છે.
આ બાબતની ગંભીરતા અંગે વાત કરતાં જેતપુરના જાણીતા એડવોકેટ અને ટેક્સ ટુડે એક્સપર્ટ લલિતભાઈ ગણાત્રા જણાવે છે કે ” સામાન્ય રીતે આ બાબત ધ્યાને આવે ત્યારે જે તે વ્યવહાર થઈ ગયાને લાંબો સમય થઈ ગયો હોય છે. આ કારણે કંપોઝીશન વેપારી કે જે સામાન્ય રીતે નાના કરદાતા હોય છે તેમના ઉપર પણ ખૂબ મોટી જવાબદારી ઊભી થઈ જતી હોય છે. આવા વ્યવહાર વેપારીએ જ્યારથી કર્યા હોય ત્યારથી તેઓની કંપોઝીશનની પરવાનગી રદ્દ કરી નાંખવામાં આવતી હોય છે અને તેઓએ સામાન્ય દરોએ એટ્લે કે તેઓનો માલ જે રેઇટ ઉપર કરપાત્ર હોય તે રેઇટ પર ટેક્સ ભરવા પાત્ર થતો હોય છે. આ સંજોગોમાં વેપારીએ સામાન્ય દારોએ ગ્રાહક પાસેથી ટેક્સની કોઈ રકમ ઉઘરવી ના હોવા છતાં ટેક્સની રકમ ભરવા જવાબદાર બંતા હોય છે. એટલું જ નહીં, ખરીદી ટેક્સ ચૂકવીને કરી હોવા છતાં આ ખરીદી બાબતે ક્રેડિટ વેપારીને આપવામાં આવતી હોતી નથી. આમ, એક નાની ભૂલ કરદાતા માટે ખૂબ મોટી જવાબદારી લઈ ને આવી શકે છે”
IGST કાયદામાં કરવામાં આવેલ સુધારો 01.04.2023 થી લાગુ થઈ ગયો છે. આ સુધારાને અનુરૂપ બિલ બનાવવામાં વેપારીએ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આ બાબત પર ધ્યાનના આપવામાં આવે તો તેના ગંભીર પરિણામો ભોગવવાનો વારો કરદાતા માટે આવતો હોય છે. આ બાબતે કરદાતા પોતાના ટેક્સ એડવોકેટ, CA, ટેક્સ કન્સલ્ટન્ટ ને મળી યોગ્ય સમાજ મેળવી લે તે જરૂરી છે.
-ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે