જી.એસ.ટી.નો આજે ઉજવાઇ રહ્યો છે 4th બર્થ-ડે: થોડા હે થોડે કી જરૂરત હે….

Spread the love
Reading Time: 4 minutes

તા. 01.07.2021: 01 જુલાઇ 2017 ના રાત્રે 12 કલાકે જ્યારે જી.એસ.ટી. કાયદાના અમલની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે દેશના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિ સ્વ પ્રણબ મુખર્જી, પ્રધાનમંત્રી મોદી, નાણામંત્રી સ્વ. અરુણ જેટલી અને અનેક વિભૂતિઓ ખાસ હાજર રહી હતી. આઝાદી પછી દેશના ટેક્સેશન ક્ષેત્રેના સૌથી મોટા સુધારા તરીકે આ કાયદાને જોવામાં આવી રહ્યો હતો. “વન નેશન, વન ટેક્સ, વન માર્કેટ” તરીકે ઓળખાતા આ અપ્રત્યેક્ષ વેરા કાયદાનો USP બનાવવામાં આવ્યો હતો. આજે આ કાયદાના અમલને ચાર વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે. આજે ચાર વર્ષે પણ કરદાતાઓ અને ખાસ કરીને ટેક્સ પ્રોફેશનલ્સ ચોક્કસ એવું માની રહ્યા છે કે….થોડા હે, થોડે કી જરૂરત હે…..

થોડા હે….(જી.એસ.ટી. ની અમલવારી પછી શું રહ્યા છે ફાયદા)

જી.એસ.ટી. ની અમલવારીના આ ચાર વર્ષમાં જો કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સને નીચે મુજબના ફાયદા થયા છે.

  • અલગ અલગ રાજ્યોના અલગ અલગ કાયદાના સ્થાને એક સરખો કાયદો તમામ રાજ્યોમાં અમલી બનાવવામાં આવ્યો છે.
  • અલગ અલગ રાજ્યોના અલગ અલગ જી.એસ.ટી. દરના સ્થાને એક સમાન દર સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યા છે.
  • જી.એસ.ટી. હેઠળ માલનું ખરીદ વેચાણ કરનાર વેપારીઓ માટે નોંધણીની મર્યાદામાં ખૂબ મોટો વધારો કરી 40 લાખ કરવામાં આવી તથા સેવા પૂરી પાડતાં કરદાતાઓ માટે પણ આ મર્યાદા 20 લાખ કરવામાં આવી જે અગાઉના કાયદાના પ્રમાણમા આઠ ગણી સુધી વધારે કરવામાં આવી.
  • “સિમલેસ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ” (મહદ્દ અંશે) ના કારણે વસ્તુની પડતરમાં ધટાડો થયો છે.
  • નોંધણી મેળવવાની પદ્ધતિ, રિટર્ન ભરવાની પદ્ધતિ, ટેક્સ ભરવાની પદ્ધતિ, ઇ વે બિલ બનાવવાની પદ્ધતિ વગેરે એક સમાન બની જતાં કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સને ઘણી સરળતા થઈ ગઈ છે.
  • જી.એસ.ટી. નોંધણી પ્રક્રિયા લગભગ “ફેસલેસ” બનાવી કરદાતા-ટેક્સ પ્રોફેશનલ્સ અને અધિકારીઓને મળવાની જરૂરિયાત લગભગ ખતમ કરી નાંખવામાં આવી.
  • નાના વેપારીઓ માટેની “કંપોઝીશન સ્કીમ” નો વ્યાપ વધુ બન્યો અને વધુ કરદાતાઓ માટે તેનો લાભ લેવો શક્ય બન્યો.
  • ત્રિમાસિક રિટર્ન જેવી રાહતોના કારણે નાના વેપારીઓ માટે “ટેક્સ કંપ્લાયન્સ” સરળ બન્યું.
  • મોટાભાગના નિર્ણય લેવા માટે અધિકારીઓ માટે સમય મર્યાદા નક્કી હોય નાગરિક અધિકારપત્રનું સુયોજિત અમલ થઈ રહ્યો હોય તેવું જણાય રહ્યું છે.
  • આંતર રાજ્ય વેચાણમાં અગાઉ જરૂરી હતા તેવા ફોર્મ્સ જેવા કે “સી ફોર્મ”, “H ફોર્મ” વગેરેની મુશ્કેલીઑ જી.એસ.ટી. ના અમલ સાથે દૂર થઈ ગઈ છે.
  • ઇન્કમ ટેક્સ સાથે જી.એસ.ટી. ટર્નઓવર લિન્ક થતાં કરચોરો માટે મુશ્કેલી ઊભી થઈ અને પ્રમાણિક વેપારીઓ માટે સરળતા લાવવામાં મદદ મળી.
  • આકારણીનું ભારણ ઓછું થયું અને “આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ” મુજબ કેસોને પસંદ કરી કેસોની આકારણીની પદ્ધતિ ઊભી કરવાથી સરકારી અધિકારીઓ ઉપર પણ ભારણ ઘટ્યું અને કરદાતાઓનો સિસ્ટમ ઉપર વિશ્વાસ વધ્યો.
  • મોટા ઉત્પાદકો, વેપારીઓ માટે એક્સાઈઝ, વેટ, સર્વિસ ટેક્સ, લક્ઝરી ટેક્સ જેવા અલગ અલગ ટેક્સ હેઠળ કરવાના થતાં અલગ અલગ “કંપલાયન્સ” ના સ્થાને જી.એસ.ટી. હેઠળ જ “કંપલાયન્સ” કરવાની સરળતા ઊભી થઈ.
  • જી.એસ.ટી. ના અમલ સાથે ભારત વર્ડ ટ્રેડ ઓર્ગેનાઈજેશન (WTO) માં પોતાનું સ્થાન વધુ સુદ્રઢ કરવામાં સફળ રહ્યું છે.
  • આંતરરાષ્ટ્રીય ફલક પર વધુ “મલ્ટીનેશનલ કંપનીઓ” ભારત આવી ધંધો કરવા પ્ર્રેરાઈ છે.
  • મોટા કરદાતાઓ માટે “ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં” વધારો થયો છે.

થોડે કી ઝરૂરત હે… (જી.એસ.ટી. હેઠળ એવી બાબતો જેમાં છે સુધારાની જરૂર)

  • જી.એસ.ટી. પોર્ટલ આજે ચાર વર્ષે પણ 100% ક્ષતિ રહિત બનાવી શક્યા નથી.
  • “સિમલેસ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ” ના મહત્વના મુદ્દા સાથે અમલ કરવામાં આવેલ જી.એસ.ટી. માં અનેક પરિસ્થિતિઓમાં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા માટે બાધ ઊભી કરવામાં આવી છે.
  • જી.એસ.ટી. હેઠળ કરચોરીના કિસ્સાઓમાં અનેક ગણો વધારો થયો છે. અનેક પગલાં લેવા છતાં કરચોરી અટકવાનું નામ લેતી નથી.
  • કરચોરી ડામવાના અનેક પગલાંના ભાગ રૂપ અનેક બદલાવ કરવામાં આવ્યા. આ પ્રયાસોમાં ધાર્યા પરિણામો મળી શક્યા નથી અને કરચોરી અવિરત ચાલુ છે પરંતુ આ પગલાંના કારણે જી.એસ.ટી. હેઠળ પ્રમાણિક કરદાતાઑએ ઘણું સહન કરવું પડ્યું છે.
  • જી.એસ.ટી. નોંધણીની પદ્ધતિ જે શરૂઆતમાં સૌના માટે સરળ બનાવવામાં આવી હતી તે હાલ કરચોરી ડામવાના ઉદેશ સાથે ખૂબ મુશ્કિલ અને જટિલ બનાવવામાં આવેલ છે.
  • જી.એસ.ટી. ના અમલને ચાર વર્ષ જેવો સમય થઈ ગયો હોવા છતાં “અપેલેટ ટ્રિબ્યુનલ” ની સ્થાપના થઈ શકી નથી.
  • “અપેલેટ ટ્રાઈબ્યુનલ” ના અભાવે વિવિધ હાઇકોર્ટ માં રિટ પિટિશન કરવી પડતી હોય કરદાતા માટે ખર્ચાળ સાબિત થઈ રહી હોય અને કોર્ટો ઉપર નાહકનું ભારણ ઊભું થઈ રહ્યું છે.
  • કરદાતાને સરળતા માટે એડ્વાન્સ રૂલિંગની સગવડ આપવામાં આવી હતી જે કરદાતા માટે સૌથી મોટો દુશ્મન બની ગઇ હોય તેવું ખાસ પ્રતીત થઈ રહ્યું છે.
  • અલગ અલગ રાજ્યોના એક જ બાબત ઉપર અલગ અલગ એડ્વાન્સ રૂલિંગ (AAR) ના કારણે અનેક મુશ્કેલીઓ ઊભી થઈ છે.
  • “રિવોકેશન” અંગે અધિકારીઓ ઉપર સમય મર્યાદાના હોય અનેક કિસ્સામાં “રિવોકેશન” અરજી અંગે નિર્ણય લેવામાં ખૂબ વિલંબ થયો હોય તેવા દાખલા મળી રહ્યા છે.
  • માલ વહન દરમ્યાન ઇ વે બિલ અંગે કોઈ પણ ક્ષતિ જણાય ત્યારે કરદાતાઓ ઉપર મોટાભાગે ખૂબ મોટી રકમની જવાબદારી લાદી દેવામાં આવતી હોય છે.
  • લેઇટ ફી એ જી.એસ.ટી. ની સૌથી દુ:ખ દાયક બાબત ગણી શકાય. “રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ” જેવી મોટી કંપની હોય કે “રીલાયન્સ મેડિકલ સ્ટોર” જેવો નાનો વેપારી તમામ માટે લેઈટ ફી સરખી રાખવાના કારણે નાના વેપારીઓ ઉપર ખૂબ મોટું ભારણ પડ્યું છે. જો કે હાલ, આ અંગે જરૂરી સુધારા કરવામાં આવ્યા છે જે ચોક્કસ આવકાર દાયક ગણી શકાય છે. દેર આયે દુરુસ્ત આયે”
  • જી.એસ.ટી. હેઠળ બહાર પાડવામાં આવતા નોટિફિકેશનની સંખ્યા ખૂબ મોટી રહી છે. એક અંદાજ પ્રમાણે જી.એસ.ટી. કાયદાની કુલ કલમો, નિયમો કરતાં વધુ નોટિફિકેશન તો આ ચાર વર્ષના ટૂંકા ગાળામાં બહાર પાડી દેવામાં આવ્યા છે.
  • “Everybody is presumed to know law” કહેવાય છે કે દરેક વ્યક્તિ કાયદો જાણે છે તેવું માની લેવામાં આવે છે. જી.એસ.ટી. નોટિફિકેશનની ભાષા એટલી હદે મુશ્કેલ હોય છે કે સામાન્ય કરદાતા તો શું અનુભવી એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ આ નોટિફિકેશનની ભાષા સમજવામાં થાપ ખાઈ જાઇ છે.
  • જી.એસ.ટી. હેઠળના નોટિફિકેશન અલગ અલગ જૂના નોટિફિકેશનના સંદર્ભ ટાંકવામાં આવતા હોય છે. આના કારણે આ નોટિફિકેશનનું અર્થઘટન ખૂબ મુશ્કેલ થઈ પડે છે. જરૂર છે આ તમામ નોટિફિકેશન અંગે આધિકારિક એકીકરણની. દરેક નોટિફિકેશન પોતાના રેફરન્સ નોટિફિકેશન સાથે સરકાર દ્વારા આધિકારિક રીતે બહાર પાડવામાં આવે તે જરૂરી છે.
  • જી.એસ.ટી. કાયદો, નિયમો, નોટિફિકેશન, સર્ક્યુલર વગેરે અંગ્રેજી, હિન્દી ઉપરાંત જે તે રાજ્યની આધિકારિક ભાષામાં પણ બહાર પાડવામાં આવે તે જરૂરી છે. આમ કરવામાં આવે તો જ કરદાતાઓ માટે આ અંગે જાણકારી મેળવવી શક્ય બનશે.
  • જી.એસ.ટી. હેઠળ નોટિસ બજાવવા માટે અલગ અલગ પદ્ધતિ સૂચવવામાં આવી છે. આ પૈકી હવે ઇ મેઈલ દ્વારા નોટિસ આપવાની પદ્ધતિનો જ ઉપયોગ થઈ રહ્યો હોવાના સમાચારો મળી રહ્યા છે. ઘણી વાર એવું જોવા મળ્યું છે કે ઇ મેઈલ દ્વારા આપવામાં આવેલ નોટિસ યોગ્ય વ્યક્તિને ના મળી હોય અને આના કારણે કરદાતાએ ઘણું સહન કરવું પડ્યું હોય. ઇ મેઈલથી નોટિસ બજાવવા ઉપરાંત જો કરદાતાને મહત્વની બાબતો માટે રજિસ્ટર્ડ એડી દ્વારા પણ નોટિસ બજાવવામાં આવે તે જરૂરી છે. ભારતમાં ઇ મેઈલ અંગે જાગરુકતાનો અભાવ છે તે ધ્યાને રાખવું ખૂબ જરૂરી છે.

જી.એસ.ટી. ના આ ચોથા બર્થ-ડે ને “હેપ્પી બર્થ-ડે” કહેવો જરૂરી છે કારણકે ત્રીજા બર્થ-ડે કરતાં અનેક બાબતોમાં તેમાં સુધારો થયો છે. ભવિષ્યમાં પણ આ સુધારા કરતાં રહેવામાં આવે અને “ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ” એ ખરા અર્થમાં “ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ” બને તે કરદાતા, ટેક્સ પ્રોફેશનલ્સ અને દેશ માટે ખૂબ જરૂરી છે. આ લેખમાં મે શક્ય એટલી કોશિશ કરી જી.એસ.ટી. ની સારી-નરસી બાબતો સમાવવા પ્રયત્ન કરેલ છે. આપ વાંચકોને પણ વિનંતી કે જો આપને આ સિવાય કોઈ સારી કે ખરાબ બાબત જણાય તો કોમેન્ટ બોક્ષમાં આપ લખી શકો છો, અથવા તો taxtodayuna@gmail.oom ઉપર ઇ મેઈલ અથવા 9924121700 ઉપર વોટ્સ એપ કરી શકો છો. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!