ઇન્કમ ટેક્સ નોટિસથી દૂર રહેવા રાખો આર્થિક વ્યવહારો કરવામાં સાવચેતી. કહેવાય છે ને After all prevention is better than Cure!!

0
Spread the love
Reading Time: 5 minutes

તા. 03.01.2025

ઇન્કમ ટેક્સ હેઠળ નોટિસ આવે ત્યારે વ્યક્તિ તાણ અનુભવતો હોય છે તે સામાન્ય બાબત છે. એક ટેક્સ એડવોકેટ તરીકેની પ્રેક્ટિસ દરમ્યાન અમારી સામે અવારનવાર એવા કેસ આવતા હોય છે જ્યાં ઇન્કમ ટેક્સ નોટિસ આવવાના કારણે વ્યક્તિએ ખાવા-પીવાનું તથા આરામ છોડી દીધેલ હોય. ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ અમુક ભૂલો એવી હોય છે જે થઈ જાઈ પછી તેનો કોઈ ઈલાજ નથી અને આ ભૂલો વ્યક્તિઓ માટે ખૂબ મુશ્કેલ સાબિત થતી હોય છે. આજે આ લેખમાં એવી ભૂલો વિષે સામાન્ય લોકોને માહિતી આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે. ઇન્કમ ટેક્સ હેઠળ અલગ અલગ પ્રકારની નોટિસ આપવામાં આવતી હોય છે. પરંતુ આકારણી તથા ફેર આકારણીની નોટિસો ઇન્કમ ટેક્સ અન્વયે સૌથી ગંભીર નોટિસો ગણવામાં આવતી હોય છે. આ આકારણી અને ખાસ કરીને ફેરઆકારણીની નોટિસ સામાન્ય રીતે એવા કરદાતાને આપવામાં આવતી હોય છે જેણે ઇન્કમ ટેક્સ હેઠળ અમુક એવા વ્યવહારો કર્યા છે જે વ્યવહારો અંગેની જાણ નિયત વ્યક્તિ/સંસ્થા દ્વારા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને કરવી ફરજિયાત હોય છે. આવા વ્યવહાર કર્યા હોય અને જે તે વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન કરદાતા દ્વારા ભરી આપવામાં આવ્યું હોય તો નોટિસ આવવાની શક્યતા ઓછી રહેતી હોય છે. પરંતુ આ પ્રકારે નિયત વ્યવહાર કર્યા હોવા છતાં તે વર્ષ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં ના આવે ત્યારે ઇન્કમ ટેક્સ હેઠળ આકારણી/ફેરાકારણી માટેની નોટિસ કરદાતાને આપવામાં આવતી હોય છે. અગાઉ આકારણી વર્ષના છ વર્ષ સુધી ફેર આકારણી માટેની નોટિસો આપવામાં આવતી હતી. આ સમય મર્યાદામાં સુધારો કરી 01 એપ્રિલ 2021 બાદ આ પ્રકારે ફેર આકારણીની નોટિસ આપવાની સમય મર્યાદા જે તે આકારણી વર્ષથી ત્રણ વર્ષ કરી આપવામાં આવી છે.

ઇન્કમ ટેક્સ ફેર આકારણીની નોટિસથી દૂર રહેવા નીચેના વ્યવહારો વિષે સમજણ મેળવવી ખૂબ જરૂરી છે.

એવા વ્યવહારો જેના કારણે ઇન્કમ ટેક્સ નોટિસ આવવાની સંભાવના રહેતી હોય છે:

  1. રોકડમાં 10 લાખ કે તેથી વધુ રકમ ના “ડ્રાફ્ટ” કોઈ પણ બેન્ક ખાતામાંથી નિકાળવામાં આવ્યા હોય. આ ઉપરાંત કોઈ એક ખાતામાં અથવા એકથી વધુ કરંટ એકાઉન્ટમાં નાણાકીય વર્ષમાં 50 લાખ કે તેથી વધુ રકમ રોકડમાં જમા કરવામાં આવે અથવા રોકડ ઉપાડ કરવામાં આવ્યા હોય.
  2. 10 લાખ કે તેથી વધુ રકમ નાણાકીય વર્ષમાં કરંટ કે ફિક્સ ડિપોઝિટ સિવાયના (એટલેકે સેવિંગ બેન્ક, રિકરિંગ ખાતું વી) કોઈ એક ખાતામાં અથવા એકથી વધુ ખાતામાં જમા કરવામાં આવી હોય.
  3. નાણાકીય વર્ષમાં 10 લાખ કે તેથી વધુ રકમની ટાઈમ ડિપોઝિટ (ફિક્સ ડિપોઝિટ) કોઈ વ્યક્તિના એક ખાતામાં અથવા એકથી વધુ ખાતામાં (બેન્ક/પોસ્ટ ઓફિસ વગેરેમાં) શરૂ કરવામાં આવે.
  4. ક્રેડિટ કાર્ડના બિલની 1 લાખ કે તેથી વધુની રકમની રોકડમાં ચુકવણી કરવામાં આવે અથવા ક્રેડિટ કાર્ડના બિલની નાણાકીય વર્ષ દરમ્યાન 10 લાખ કે તેથી વધુ ચુકવણી કરવામાં આવે.
  5. કોઈ કંપનીના બોન્ડ અથવા ડિબેન્ચર માટે નાણાકીય વર્ષમાં 10 લાખ કે તેથી વધુ રકમની ખરીદી માટે ચુકવણી કરવામાં આવે.
  6. કોઈ કંપનીના શેર ખરીદવા માટે નાણાકીય વર્ષમાં 10 લાખ કે તેથી વધુ રકમની ચુકવણી કરવામાં આવે.
  7. કોઈ પણ વ્યક્તિ પાસેથી કોઈ કંપની પોતાના શેર બાય-બેક કરે જેની ચુકવણી નાણાકીય વર્ષ દરમ્યાન 10 લાખ કે તેથી વધુ કરવામાં આવી હોય.
  8. કોઈ વ્યક્તિ દ્વારા નાણાકીય વર્ષમાં 10 લાખ કે તેથી વધુ રકમના મ્યુચયલ ફંડની ખરીદી કરવામાં આવી હોય.
  9. કોઈ વ્યક્તિ દ્વારા નાણાકીય વર્ષ દરમ્યાન 10 લાખ કે તેથી વધુ મૂલ્યના ટ્રાવેલર્સ ચેકની ખરીદી કરવામાં આવે અથવા અથવા કોઈ આંતરરાષ્ટ્રીય કાર્ડમાં 10 લાખ કે તેથી વધુ રકમનો ખર્ચ કરવામાં આવેલ હોય.
  10. કોઈ વ્યક્તિ દ્વારા સ્થાવર મિલકતની ખરીદી માટે 30 લાખ કે તેથી વધુ રકમનો અવેજ ચૂકવવામાં આવ્યો હોય અથવા જે તેવી મિલ્કતની ખરીદી કરેલ હોય જેનું જંત્રીનું મૂલ્ય 30 લાખ કે તેથી વધુ થતું હોય.
  11. કોઈ માલ કે સેવા માટે 2 લાખથી વધુ રકમની ચુકવણી રોકડમાં કરવામાં આવે.

ઉપર જણાવેલ વ્યવહારો કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવે ત્યારે તેને ઇન્કમ ટેક્સ નોટિસ આવવાની સંભાવના રહેતી હોય છે. મારા અંગત અનુભવ પ્રમાણે ઉપર પૈકી જે વ્યવહારોમાં સૌથી વધુ કરદાતાઑ દ્વારા ભૂલો થતી હોય છે તે વ્યવહારો વિષે વિગત વાર માહિતી આપવા નીચે પ્રયાસ કરવામાં આવ્યો છે.

બેન્કના ખાતામાં કરવવામાં આવતી મોટી રકમની ડિપોઝિટ:

કરંટ ખાતા

          સામાન્ય રીતે બેન્ક ખાતામાં મોટી રકમ જમા કરાવવાના કારણે અનેક નોટિસ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ તરફથી આપવામાં આવતી હોય છે. કોઈ કરંટ ખાતામાં નાણાકીય વર્ષમાં 50 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવવામાં આવે અથવા 50 લાખ કે તેથી વધુ રકમ નાણાકીય વર્ષ દરમ્યાન ઉપાડ કરવામાં આવે ત્યારે બેન્ક દ્વારા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને જે તે વ્યક્તિના PAN અને વ્યવહારની માહિતી પૂરી પાડવાની થતી હોય છે. આ બાબતે એ જાણવું જરૂરી છે કે આ રોકડ જમા તથા ઉપાડની રકમ એ તેના તમામ ખાતા માટે ગણવાની રહે છે. હાલ, જ્યારે સમગ્ર દેશની તમામ બેન્કોની સિસ્ટમ એક બીજા સાથે જોડાયેલ ના હોય હાલ માત્ર જે તે બેન્કની તમામ બ્રાન્ચ માટે આ રકમની મર્યાદા લાગુ થઈ રહી છે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ સ્ટેટ બેન્ક ઓફિ ઈન્ડિયાની અમદાવાદ શાખાના પોતાના કરંટ ખાતામાં 25 લાખ જમા કરાવે અને ત્યારે બાદ થોડા દિવસ પછી તે જ નાણાકીય વર્ષમાં પોતાના અન્ય એક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ઉનાના કરંટ ખાતા વધુ 25 લાખ જમા કરાવે ત્યારે આ સંજોગોમાં પણ બેન્ક દ્વારા આ વ્યવહાર અંગે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને જાણ કરવામાં આવશે.

ફિક્સ ડિપોઝિટ

કોઈ વ્યક્તિ નાણાકીય વર્ષ દરમ્યાન 10 લાખ કે તેથી વધુ રકમની ટાઈમ ડિપોઝિટ (જેને સામાન્ય રીતે ફિક્સ ડિપોઝિટ તરીકે ઓળખવામાં આવે છે) કરાવે ત્યારે આ અંગેની જાણ પણ બેન્ક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને કરવામાં આવતી હોય છે. જો કે આ ફિક્સ ડિપોઝિટની રકમની ગણતરી કરવામાં જે ફિક્સ ડિપોઝિટ રિન્યૂ કરવામાં આવી હોય તેનો સમાવેશ કરવામાં આવશે નહીં.

કરંટ કે ફિક્સ ડિપોઝિટ સિવાયના ખાતા (સેવિંગ ખાતું, રિકરિંગ ડિપોઝિટ ખાતું વી)

કોઈ વ્યક્તિ જ્યારે કરંટ ખાતા, ફિક્સ ડિપોઝિટ ખાતા સિવાયના ખાતામાં એટલેકે સેવિંગ્સ ખાતા જેવા ખાતામાં 10 લાખ કે તેથી વધુ રકમ રોકડમાં જમા કરાવે ત્યારે આ અંગેની માહિતી જે તે બેન્ક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને આપવામાં આવતી હોય છે. આ પ્રકારના ખાતાઓમાં સેવિંગ બેન્ક ખાતું (બચત બેન્ક ખાતું), રિકરિંગ ડિપોઝિટ, કેશ ક્રેડિટ ખાતું (CC ખાતું), લોન ખાતું વગેરેનો સમાવેશ થતો હોય છે. આ બાબતે એ જાણવું જરૂરી છે કે આ રોકડ જમા રકમ એ તે વ્યક્તિના તમામ ખાતા માટે ગણવાની રહે છે. હાલ, જ્યારે સમગ્ર દેશની તમામ બેન્કોની સિસ્ટમ એક બીજા સાથે જોડાયેલ ના હોય હાલ માત્ર જે તે બેન્કની તમામ બ્રાન્ચ માટે આ રકમની મર્યાદા લાગુ થઈ રહી છે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ સ્ટેટ બેન્ક ઓફિ ઈન્ડિયાની અમદાવાદ શાખામાં 5 લાખ જમા કરાવે અને ત્યારે બાદ થોડા દિવસ પછી એ નાણાકીય વર્ષમાં પોતાના અન્ય એક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ઉનાના સેવિંગ ખાતા વધુ 5 લાખ જમા કરાવે ત્યારે આ સંજોગોમાં પણ બેન્ક દ્વારા આ અંગે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને આ વ્યવહારની જાણ કરવામાં આવશે.

આ પ્રકારના વ્યવહાર થયેલ હોય તો શું તકેદારી લેવી છે જરૂરી?

જ્યાં સુધી શક્ય હોય આ પ્રકારના વ્યવહારથી દૂર રહેવું જરૂરી છે. જો આ પ્રકારે કોઈ વ્યવહાર થયેલ હોય તો જે તે વર્ષ માટેનું ઇન્કમ ટેક્સ રિટર્ન અચૂક ભરી આપવું જોઈએ. આ રિટર્ન ભરવાં માટે કોઈ નિષ્ણાંત એડવોકેટ, CA કે ટેક્સ પ્રેકટિશનરની સલાહ લેવી ઉપયોગી બને. જો કોઈ જૂના વર્ષ માટે આ પ્રકારે વ્યવહાર થયેલ હોય જેના માટે રિટર્ન ભરવાની સમય મર્યાદા વીતી ગઈ હોય તેવા સંજોગોમાં ટેક્સ પ્રોફેશનલની સલાહ લઈ યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી છે. જો કે આ પ્રકારના વ્યવહારો કરવામાં આવ્યા હોય અને કરદાતા નિયમિત રીતે પોતાનું આવક વેરા રિટર્ન ભરતા હોય તો તેમને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ તરફથી આવા વ્યવહારો માટે પણ નોટિસો આવવાની સંભાવના ઓછી રહેતી હોય છે. આમ, આ પ્રકારના વ્યવહાર કરતાં વ્યક્તિઓએ ઇન્કમ ટેક્સ રિટર્ન નિયમિત ભરવું જરૂરી છે. જે વ્યક્તિ ઇન્કમ ટેક્સ રિટર્ન નથી ભરતા તેઓના માટે ઉપરની વિગતો અંગેની માહિતી મેળવી આવા વ્યવહારથી દૂર રહેવું જ હિતાવહ છે. કહેવાય છે ને Prevention is better than Cure!!!

(આ ઉપરાંત અમુક ખાસ વ્યવહાર છે જે કરવાથી કરદાતા દૂર રહે તે હિતવાહ છે. આ વ્યવહારોની માહિતી આગામી અંકમાં આપવામાં આવશે)

(આ લેખ ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તારીખ 30.12.2024 ના રોજ પ્રકાશિત થયેલ છે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!